વિલન અજીત શરૂઆતમાં હીરો હતા

મોના ડાર્લિંગ, લીલી ડોન્ટ બી સીલી જેવા સંવાદથી વિલન તરીકે જાણીતા રહેલા અભિનેતા અજીતે હીરો તરીકે અનેક ફિલ્મો કરી હતી. મૂળ નામ હામીદ અલી ખાન હતું. પિતા બશીર અલી ખાન સેનામાં સારા હોદ્દા પર હતા. બાળપણથી જ ફિલ્મોનું એવું ઘેલું લાગ્યું હતું કે સ્કૂલ- કોલેજમાં ભણવામાં મન લાગ્યું નહીં અને ૧૯૪૪ માં ૨૨ વર્ષની ઉંમરે હીરો બનવા માટે કોલેજના પુસ્તકો વેચીને મુંબઇ આવી ગયા. અજીતને ખબર પડી કે પૂનામાં શાલીમાર સ્ટુડિયો દ્વારા ફિલ્મ ‘મન કી જીત’ માટે નવા કલાકારોની પસંદગી થઇ રહી છે. તે પૂના પહોંચી ગયા. ત્યાં ગીતકાર સાગર નિઝામી મળ્યા. એ એમના પિતાને ઓળખતા હતા.

ઓડિશનમાં પ્રવેશ મેળવવામાં એમણે મદદ કરી પરંતુ એક શાયરી અને સંવાદ સાથે ઓડિશન આપ્યું છતાં નાપાસ થઇ ગયા. નિરાશ થયા વગર જે નાની ભૂમિકાઓ મળી એ કરતા રહ્યા અને બે વર્ષ પછી ફિલ્મ ‘શાહે મિસ્ત્ર’ (૧૯૪૬) માં ગીતા બોઝના હીરો તરીકે તક મળી ગઇ. ફિલ્મમાં પડદા પર નામ હામીદ લખાયું હતું. થોડા સમયમાં કે. અમરનાથ સાથે મુલાકાત થઇ અને એમની સલાહથી જલદીથી જીભ પર ચઢી જાય એવું ‘અજીત’ નામ રાખી લીધું. અજીતને મહેરબાની, મોતી મહલ, સમ્રાટ, શહજાદા, નાસ્તિક વગેરે ફિલ્મોમાં જાણીતી હીરોઇનો સાથે મુખ્ય ભૂમિકાઓ કરવાની તક મળી. આગળ જતાં ૧૯૫૯ ના વર્ષમાં ‘કુમાર’ હીરોની લોકપ્રિયતા જોઇને અજીતકુમાર નામ રાખવાની જાહેરાત કરી દીધી હતી. પરંતુ ‘મોગલે આઝમ’ (૧૯૬૦) ની સફળતા પછી નામ પાછળ ‘કુમાર’ લગાવવાની જરૂર ના રહી.

‘મોગલે આઝમ’ ની ‘દુર્જન સિંહ’ ની ભૂમિકા નિર્દેશક કે. આસિફે ઓફર કરી ત્યારે પોતાની હીરો તરીકેની ઇમેજ તૂટી જવાના ડરથી ખચકાટ અનુભવ્યો હતો. અજીત ના પાડવાના હતા ત્યારે દિલીપકુમારે સમજાવ્યા અને પછી તૈયાર થઇ ગયા હતા. ફિલ્મના ‘રાજપૂત જાન હારતા હૈ શહજાદે! વચન નહીં’ જેવા ઘણા સંવાદ જાણીતા થયા હતા. અજીતની એ ભૂમિકા એટલી વખણાઇ કે રાજપૂતની અનેક ભૂમિકાઓ મળી હતી. ૧૯૬૬ માં રાજેન્દ્રકુમારની ફિલ્મ ‘સૂરજ’ માં વિલન તરીકે આવ્યા હતા. વર્ષો પછી ફરી અજીતને ફિલ્મ ‘જંજીર’ (૧૯૭૩) માં એક અલગ પ્રકારના વિલનની ભૂમિકા મળી અને ‘મોના ડાર્લિંગ’ સાથે છવાઇ ગયા હતા