વાત નિતિશ ભારદ્વાજના ‘શ્રીકૃષ્ણ’ અવતારની

‘મહાભારત’ સિરિયલમાં ‘શ્રીકૃષ્ણ’ ની ભૂમિકા માટે નિતિશ ભારદ્વાજને બોલાવવામાં આવ્યા ત્યારે એ ફિલ્મોમાં કામ કરતાં હતા અને પહેલાં રવિ ચોપડાને ના પાડી દીધી હતી. નિતિશ બે મરાઠી અને એક હિન્દી ફિલ્મ કરી ચૂક્યા હતા. ૧૯૮૮ ની સાલમાં એક દિવસ શુટિંગમાંથી હોટેલમાં પાછા ફર્યા ત્યારે એમની માતાનો અગત્યના કામ માટે ફોન આવી ગયો હતો. નિતિશે ફોન કર્યો ત્યારે માતાએ કહ્યું કે ગૂફી પેન્ટલનો ફોન હતો અને ચોપડા સાહેબે ‘શ્રીકૃષ્ણ’ ના ઓડિશન માટે બોલાવ્યો હોવાનો સંદેશ આપ્યો છે. નિતિશે ના પાડી દીધી અને માતાને કારણ આપ્યું કે આ ભૂમિકા માટે કોઈ અનુભવી કલાકાર હોવો જોઈએ.

એટલું જ નહીં ગૂફીને ફોન પણ ના કર્યો. એ પછી જેમની સાથે જાહેરાતો કરી હતી એ નિર્દેશક રવિ વાસવાની સાથે સ્ટુડિયોમાં ડબિંગ કરી રહ્યો હતો ત્યારે રવિ ચોપડાને ખબર પડી એટલે ત્યાં મળવા આવ્યા અને ના પાડવાનું કારણ પૂછ્યું. નિતિશે કહ્યું કે ‘શ્રીકૃષ્ણ’ માટે તમે કોઈ મોટા અનુભવી કલાકારને લઈ લો. હું તો ૨૫ વર્ષનો જ છું. ત્યારે ચોપડાએ કહ્યું કે કેટલાય જાણીતા અભિનેતાઓના ‘શ્રીકૃષ્ણ’ બનવા ફોન આવી રહ્યા છે ત્યારે તું કરવા માગતો નથી. તને માત્ર ઓડિશન માટે કહું છું. ભૂમિકા આપી દીધી નથી.

નિતિશ જ્યારે ઓડિશન માટે ગયા અને સંવાદ આપવામાં આવ્યા ત્યારે એમને થયું કે ‘શ્રીકૃષ્ણ’ ના ચરિત્રને ઉભારે એવું એમાં ખાસ નથી. નિતિશે એમાં બીજા કેટલાક સંવાદ જોડવાની પરવાનગી માંગી એને ચોપડાએ મંજુર રાખી. નિતિશે પોતાને યાદ હતા એવા ગીતાના કેટલાક શ્લોક ઉમેર્યા અને રાધા તેમજ શાંતિ માટે લખ્યું. નિતિશે મેકઅપ કરાવ્યો અને ઓડિશન આપી દીધું. થોડીવાર પછી મેકઅપમેન કહેવા આવ્યો કે તમારો ઓડિશન જોઈ બી.આર. ચોપડા, રવિ ચોપડા, પંડિત નરેન્દ્ર શર્મા, ગૂફી, ડૉ. રાહી માસૂમ રઝા વગેરે બહુ ખુશ છે. રવિ ચોપડાએ પછી નિતિશને અંદર બોલાવી કહી દીધું કે બધા જ ઈચ્છે છે કે તારે આ ભૂમિકા કરવી જોઈએ.

નિતિશે ત્યારે પણ એવી જ પીપૂડી વગાડી કે આ ભૂમિકા માટે કોઈ અનુભવી કલાકાર હોવો જોઈએ. ચોપડાએ આ વાતની ખબર અગાઉથી જ આપી દીધી હશે એટલે પંડિત નરેન્દ્ર શર્માએ નિતિશને કહ્યું કે મારું ઘર નજીકમાં છે. આપણે બેસીને વાત કરીએ. એમણે ડૉ. રાહી માસૂમ રઝાને સાથે રાખ્યા અને ઘરે જઈને નિતિશની ખાવાની ઈચ્છા મુજબ ચા સાથે સમોસા-કચોરી મંગાવ્યા. એ ખાવા સાથે સવા કલાક સુધી શ્રીકૃષ્ણના જીવન વિશે ચર્ચા કરી. એમાં નિતિશે ઉત્સાહથી ભાગ લીધો. પછી પં. શર્માએ નિતિશને સમજાવ્યું કે તને શ્રીકૃષ્ણ વિશે ઘણી જાણકારી છે. બસ તારે એને અભિનયમાં ઉતારવાની છે.

નિતિશ પાસે ના પાડવાનું કોઈ કારણ ના રહ્યું. આખરે નિતિશે ભૂમિકા સ્વીકારી લીધી. શુટિંગ શરૂ થઈ ગયું. ‘મહાભારત’ સિરિયલનો ૨૩ મો અને શ્રીકૃષ્ણના રૂપમાં નિતિશનો પહેલો એપિસોડ દૂરદર્શન પર રજૂ થયો એના એક કલાક પછી બી.આર. ચોપડાનો ફોન આવ્યો કે લોકોના જે ફોન આવ્યા છે એમાં 80 ટકા લોકોનું કહેવું છે કે તારું શ્રીકૃષ્ણનું રૂપ નિષ્ફળ છે. ત્યારે નિતિશે વિચાર કરીને કારણ આપતા કહ્યું કે શ્રીકૃષ્ણના અનેક રૂપ છે અને એ અલગ અલગ પ્રસંગમાં પ્રગટ થશે.

લોકો એને એકસાથે જોવા માગે છે. એટલે જેમ જેમ પ્રસંગ આવતા જશે એમ એમ મારી શ્રીકૃષ્ણની ભૂમિકા દર્શકોને જરૂર પ્રભાવિત કરશે. બી.આર. ચોપડાએ કહ્યું કે અમે પણ એવું જ માનીએ છીએ. હું અને રવિ માનીએ છીએ કે તું અમારી યોગ્ય પસંદગી છે. તારે કામ કરતાં રહેવાનું છે. અને પાછળથી ખરેખર જ એમ બન્યું. નિતિશ ભારદ્વાજે દર્શકોને ‘શ્રીકૃષ્ણ’ ના રૂપમાં બહુ પ્રભાવિત કર્યા અને ભારે લોકપ્રિયતા મેળવી.