સંશોધન: રીપ્રૉગ્રામેબલ ડાઈ, રંગરંગના જલસા!

રોજ રંગ બદલો…સ્વભાવના નહીં, તમારી ચીજોના

રંગ રંગ કે ફૂલ ખીલે હૈં…

ઈસ રંગ બદલતી દુનિયા મેં ઈન્સાન કી નિયત ઠીક નહીં…

રંગ ભરે બાદલ સે…

તમને થશે કે આજે ટૅક્નૉલૉજીના લેખમાં આ રંગનાં ગીતો કેમ?

આ દુનિયા રંગીન છે અને માણસને રંગો ગમે છે. માણસને ગમે છે એટલું જ નહીં, મૂળ તો કુદરતને ગમે છે. એટલે જ તેણે આપણાં માટે ઠેરઠેર રંગ વેર્યા છે. ફૂલોમાં રંગ, વૃક્ષોમાં એક રંગ, આકાશમાં એક રંગ, સમુદ્રમાં એક રંગ, માટીમાં એક રંગ…

હવે આપણને રંગની એવી ટેવ પડી ગઈ છે કે આપણને થાય કે આપણી કાર આપણે એક રંગની પસંદ કરીએ પરંતુ ધારો કે તેના રંગ રોજ બદલાય તો?

એ તો શક્ય બને ત્યારે, પણ અત્યારે અમેરિકાની ટૅક્નૉલૉજી માટે જાણીતી સંસ્થા મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજીના કમ્પ્યૂટર સાયન્સ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબોરેટરી (જેનું ટૂંકું નામ સીએસએઆઈએલ છે)ના સંશોધકોએ નવી શાહી શોધી કાઢી છે જે પ્રૉગ્રામેબલ છે. તમે જો ટૅક્નૉલૉજીમાં ખાસ રસ ધરાવતા હો તો તમને યાદ જ હશે કે ૧૯૯૦ના દાયકામાં કપડાંની હાઇપર કલર બ્રાન્ડ નીકળી હતી જે ગરમીની સાથે રંગ બદલતી હતી! એમઆઈટીના સંશોધકોએ આવું જ કંઈક કરવાનું નક્કી કર્યું હતું.

આ શાહીના પ્રતાપે તે જેના પર લાગી હશે તે યુવી અને જોઈ શકાય તેવા પ્રકાશના સ્રોતમાં રંગ અને પૅટર્ન બદલી શકશે.

આ પ્રકારના રંગ અથવા તો કહો કે પેઇન્ટને ફૉટોક્રોમેલિયોન કહે છે. તે ફૉટોક્રૉમિકડાઇના મિશ્રણથી બનેલી છે. તેને કોઈ પણ સપાટી પર છાંટી શકાય છે કે તેની મદદથી કોઈ પણ સપાટી રંગી શકાય છે. અત્યાર સુધી તો તેના સર્જકોએ એક કારના મૉડલ પર, ફૉન કેસ , પગરખાં અને એક રમકડાં પર તેની કસોટી કરી છે. આ પ્રક્રિયા પાછી એવી છે કે તેને તમે ઉલટાવી પણ શકો છો અને હા, તેને અનેક વાર ફરી ફરી પણ કરી શકો છો. છે ને અદભૂત વાત!

અત્યારે ગ્રાહકોને પોતાની પસંદનું કંઈક કરવા મળે તો તે ગમે છે. સમાચાર હોય તો તેમાં તમને ગૂગલ છૂટ આપે છે કે તમને કેવા કેવા સમાચાર પસંદ છે. તેમાં તમે ટિક કરી દો તો તે જ પ્રકારના સમાચાર તમને મળ્યાં રાખે. એમ, હવે રંગમાં પણ તમને તમારી પસંદ મળશે. સીએસએઆઈએલના પૉસ્ટ ડૉક સંશોધક યુહુઆ જિન કહે છે, “આ ખાસ પ્રકારની ડાઇથી ગ્રાહકોને પોતાની પસંદને અનુરૂપ અનેક વિકલ્પો મળશે જેના લીધે મેન્યુફૅક્ચરિંગની અસરકારકતા પણ સુધરશે અને એકંદર બગાડ પણ ઘટશે.” યુહુવા જિન આ સંશોધનપત્રના અગ્રણી લેખક છે.

આના લીધે ગ્રાહકો તેમની ચીજવસ્તુઓને પોતાની પસંદ મુજબ વ્યક્તિકરણ કરી શકશે અને તેનો દેખાવ રોજબરોજ બદલી શકશે. તેમને એક જ ચીજ અલગઅલગ રંગ અને સ્ટાઇલમાં અનેક વાર ખરીદવાની જરૂર નહીં પડે.

ખાસ કરીને સ્ત્રીઓને આ સંશોધનથી મજા પડી જવાની છે. તેમને દરેક ચીજ મેચિંગજોઈતી હોય. ગુલાબી ડ્રેસ હોય તો ચપ્પલ પણ ગુલાબી જોઈએ અને માથામાં હૅરબૅન્ડ નાખી હોય કે કોઈ ક્લિપ નાખી હોય તો તે પણ ગુલાબી જોઈએ. આ રીતે અલગ-અલગ રંગની કેટલી ચીજો ખરીદવી પડે? પરંતુ આ ડાઇના વિકલ્પથી એક જ ચીજને તમે અલગ-અલગ રંગમાં ઢાળી શકશો.

અગાઉ એમઆઈટીએ કલરમૉડ નામનો પ્રૉજેક્ટ હાથ ધર્યો હતો. તેમાં થ્રીડી પ્રિન્ટરનો ઉપયોગ કરીને રંગ બદલતી ચીજો બનાવવાનો હેતુ હતો. જોકે તેમાં મર્યાદિત રંગો અને તેના રિઝૉલ્યુશન પણ મર્યાદિત હતાં. તેથી તેની ટીમ નિરાશ થઈ ગઈ હતી. આ પ્રૉજેક્ટ પર જ ડાઇ બનાવનાર સંશોધકોએ આગળ કામ હાથ ધર્યું છે.

જાણીને નવાઈ લાગશે કે ઉપરોક્ત પ્રૉજેક્ટમાં નિરાશા સાંપડી હતી પરંતુ ફૉટોક્રૉમિલિયોનમાં વધુ વિગતોવાળી ડિઝાઇન બનાવી શકાય છે જેમાં ઝેબ્રા ત્વચાની પેટર્નથી માંડીને બહુરંગીય જ્વાળાઓનો સમાવેશ થાય છે. દરેક ડાઇ પ્રકાશની તરંગ લંબાઈ સાથે કઈ રીતે પ્રતિક્રિયા કરે છે તે જો તમે બરાબર જાણી લો તો તમને જલસો જ પડી જાય.

તમે પણ માનતાં હશો કે સ્ત્રીઓને આ ડાઇ આવશે ત્યારે જલસો પડી જવાનો, કારણકે તેમને અલગઅલગ રંગની ચીજો માત્ર થોડી જ ચીજો ખરીદીને મળી શકશે અને તમારા પાકીટના પૈસા બચી જશે. જોકે, સ્ત્રીઓ તો એમ જ કહેવાની કે અમે થોડી ચીજો ખરીદીને તેમાં રંગ પૂરીને અલગઅલગ બનાવીને તમારા પૈસા બચાવ્યાં તો હવે તે પૈસાથી અમને ફલાણી બીજી ચીજો લઈ દો.