મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ઈવીએમ દ્વારા જ યોજાશેઃ વડા ચૂંટણી કમિશનર

મુંબઈ – આગામી રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) દ્વારા નહીં, પણ બેલટ પેપર દ્વારા યોજવાની વિરોધપક્ષોની માગણીને દેશના વડા ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ ફગાવી દીધી છે અને સ્પષ્ટપણે કહી દીધું છે કે બેલટ પેપર્સ હવે ભૂતકાળની વાત થઈ ગયા છે. હવે પછીની ચૂંટણીઓ ઈવીએમ દ્વારા જ યોજવામાં આવશે.

આમ, મહારાષ્ટ્ર વિધાનસભાની ઓક્ટોબરમાં નિર્ધારિત ચૂંટણી પણ ઈવીએમ વડે જ યોજાશે એ હવે નિશ્ચિત થઈ ગયું છે.

સુનીલ અરોરાએ ઈવીએમ મશીનોનાં ઉપયોગનો બચાવ કર્યો છે અને કહ્યું છે કે આ મશીનો સાથે કોઈ પણ પ્રકારના ચેડાં કરવા શક્ય નથી.

ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટી અને શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ માગણી કરી છે કે આગામી ચૂંટણી ઈવીએમ દ્વારા નહીં, પણ પરંપરાગત બેલટ પેપર્સથી યોજવી જોઈએ.

અરોરાએ કહ્યું કે ઈવીએમ મશીનોમાં ખામી ઊભી થઈ શકે છે, પણ એની સાથે છેડછાડ કરવી શક્ય નથી. સુપ્રીમ કોર્ટે પણ આ મામલે સહમતિ વ્યક્ત કરી દીધી છે એટલે ઈવીએમ વિશે કોઈએ શંકા રાખવાની જરૂર નથી. ઈવીએમ પરિપૂર્ણ છે.

મહારાષ્ટ્રના મુખ્ય સચિવ, પોલીસ વડા, મુંબઈના પોલીસ કમિશનર સહિત ટોચના અધિકારીઓએ બુધવારે સુનીલ અરોરા સાથે બેઠક યોજી હતી. એ બેઠકમાં અરોરાએ આવતા મહિને નિર્ધારિત વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

ચૂંટણી પંચ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખોની આવતા અઠવાડિયે જાહેરાત કરે એવી ધારણા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]