રિફ્રેશમેન્ટ એટલે નાની નાની ટ્રિપ

બાળપણમાં વેકેશનની મજા જ કંઇક ઓર હતી. મામાના ઘરે કે પછી કોઇ સંબંધીના ઘરે રહેવા જઇને બધા મળીને કેવી ધૂમ મચાવતા. વાતો નાની જ હતી પણ મજા અને ખુશીઓ અમાપ મળતી. પણ આ તો પહેલાની વાત થઇ. હવે ફેમિલીઝ વેકેશન ટ્રીપ પર જાય છે. પણ આમા પણ મર્યાદાઓ નડે છે. જેમાં સૌથી મોટી મર્યાદા નડે છે સમયની. અને ત્યાર પછી દમડીની. એટલે કે રુપિયાની. રુપિયાતો કમાઇ પણ લેવાય અને બચત પણ કરાય. પણ સમયનું શું કરવું. વીતેલી એક ક્ષણ આપણે ગમે તેટલા રુપિયા આપીએ તો પણ પાછી નથી લાવી શકવાના. એ સત્ય છે.

એમ જ થોડુ કહેવાય છે કે Time is money. જો ટાઇમ જ મની છે તો આ ટાઇમને પણ તો સાચવવો પડે. પહેલા લોકો વધુ સમય કાઢીને લાંબો પ્રવાસ કરતાં પણ હવેના સમયમાં વેકેશનમાં મોટી મોટી ટ્રિપ ન થઇ શકે ત્યારે આ ટાઇમને મેનેજ કરીને આપણે નાની નાની ટ્રીપ કરીને પણ જીવનમાં રોમાંચ અને રાગ જાળવી શકીએ છીએ.જો તમને પણ ફરવું ગમે છે. અને નવી નવી જગ્યાઓ એક્સપ્લોર કરવાનો તમારો શોખ છે તો તમે તમારા શોખને પુરો કરવા નાની નાની ટ્રિપ કરી શકો. વિકેંડ-હોલિડેયઝમાં તમે આવી નાની નાની ટ્રીપથી લાઇફને ફુલી ઇંજોય કરી શકો.

ટાઇમ મેનેજમેન્ટ કી છે, આ નાની નાની ટ્રીપ પ્લાન કરવામાં. પહેલા લોકો ટ્રેનની લાંબી મુસાફરી કરીને પ્રવાસ કરતાં. એટલે મોટા ભાગનો સમય તેમાં જ જતો રહેતો. પણ હવે એવુ નથી. આજના યુવાઓ સ્માર્ટ છે. અને સ્માર્ટ રીતે જ પ્રવાસનુ પ્લાનિંગ કરે છે. ટ્રાવેલમાં લાંબો સમય વેડફવાને સ્થાને ડેસ્ટિનેશન પર સમય વધુ મળે તેના પર યંગસ્ટર્સનું ફોકસ વધુ હોય છે. એટલે તેઓ ટ્રેનને સ્થાને કાર લઇને નજીકના સ્થળોએ જવુ વધુ પસંદ કરે છે. એક તો ડેસ્ટિનેશન પર સમય વધુ મળે અને બીજુ એ પણ કે ટ્રેન કે બસ જેવા સાર્વજનિક ટ્રાન્સપોર્ટ વેહિકલ તેના સમય અનુસાર જ આગળ વધે છે જ્યારે પ્રાઇવેટ વેહિકલ હોય તો તમારો સમય સચવાઇ શકે છે. ગણતરી એવી પણ હોય કે, 6થી લઇને 10 કલાક જેટલી મુસાફરી કારમાં આરામથી કરી શકાય અને રાત દરમિયાન આ સમય નીકળી જાય પાછુ જલ્દી ડેસ્ટિનેશન પર પહોંચી જવાય એટલે ત્યાં વધુ સમય મળે. સમયની જ તો છે બધી માયા, અને કેમ નહીં. આફટર ઓલ અત્યારે ઓછા સમયમાં વધુ જીવવાનું છે. તો એક એક સેકંડની ગણતરી થાય જ ને.

આ નાની નાની ટ્રિપનો બીજો એક પ્લસ પોઇંટ એ છે કે આ તમને તમારા તાણથી મુક્તિ અપાવે છે. જસ્ટ લાઇક ચાર્જીંગ. ઓફિસ વર્કના લાંબા કલાકો અને જવાબદારીઓનો બોજ. આ બધામાં આવી નાની ટ્રિપ મોબાઇલની બેટરી ઉતર્યા બાદ જે ચાર્જીંગ થાય છે તેવો જ અહેસાસ કરાવે છે. અહીં તમારુ અંતરમન રિચાર્જ થઇ જાય છે. એટલે ફરી કામ કરવાની પણ મજા આવે. જો હવે તમે લાંબો પ્રવાસ કર્યો હોય તો તમારે એટલી રજાની ગોઠવણ કરવી પડે, અને એક વાર લાંબી રજા ગાળી હોય તો ફરી પ્રવાસ જવા માટે એટલો જ લાંબો સમય રાહ પણ જોવી પડે. એના કરતાં જે હોલિડેસ કે વિકેન્ડના દિવસો આવે તેમાં આવી નાની નાની ટ્રીપ કરો તો ઓફિસમાં પણ ગુટલી નહીં પડે અને રિફ્રેશ પણ થઇ જવાય.

આ નાની નાની ટ્રિપનો એક બીજો ફાયદો જે આપણે બધાને લાગુ પડે અને એ ખર્ચો ઓછો. ટુંકી યાત્રા હોય એટલે અંતર પણ ઓછુ હોય. અને આવવા જવાનુ પણ એટલુ મોંઘુ નહીં પડે. અને રહેવાની પળોજણ પણ એવી મોટી નહીં થાય. ઘણી વાર તો આપણે રાતે જઇને દિવસે ફરીને પાછા રાતે પરત આવવા રવાના થઇ જઇએ એવુ પણ બનતુ હોય છે ત્યારે આવી ટ્રિપમાં તો આવનજાવન, ખાવા-પીવા સિવાય સ્થળને જોવા જાણવાનો એટલે ખાલી ફરવાનો ખર્ચો જ આપણા ખિસ્સા પર પડે. એટલે ખિસ્સા માટે પણ કિફાયતી રહે છે આ નાની ટ્રિપ.

 

ટ્રિપ ભલે નાની હોય પણ મજા તો મોટી જ આવવાની. નાની નાની પળોને ખરેખર મોમેન્ટ્સ બનાવવાની અને જીવનને માણવાની આ તરકીબ મજાની છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]