નોટ આઉટ @ 82 : રમેશભાઈ પટેલ

1974થી સત્ય-સાઈ-સેવા-સમિતિ(સંગઠન)માં સક્રિય, ઉમદા માનવસેવા રૂપી 1822 રક્તદાન-યજ્ઞના પ્રણેતા અને રક્તના 72496 યુનિટ દાનમાં મેળવવામાં સહભાગી થયેલ રમેશભાઈ પટેલની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ વહેલાલ (જીલ્લો અમદાવાદ)માં, ત્રણ ભાઈ, એક બહેનનું કુટુંબ, તેઓ સૌથી મોટા. પિતા ડેપ્યુટી-સુપ્રિન્ટેન્ડેન્ટ-ઓફ-પોલીસ હતા. સુરત-અમદાવાદ વચ્ચે બદલી થતી રહેતી. બાળપણ અમદાવાદ અને સુરતમાં. ધોરણ આઠ સુધીનો અભ્યાસ સુરતમાં. પછી અમદાવાદ મોડેલ હાઇસ્કુલમાં. એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાંથી BE(Civil) કર્યું. GPSCની પરીક્ષા પાસ કરી સરકારી નોકરી લીધી, પણ માનસિક રીતે એડજસ્ટ ન થતાં સરકારી નોકરી મૂકી દીધી. 1968માં અમદાવાદના જાણીતા  બકેરી-ગ્રુપમાં નોકરી લીધી, 1971માં પાર્ટનર તરીકે જોડાયા. 1974માં પૂટપૂર્તિ, સત્ય-સાઈબાબાના આશ્રમમાં જઈ આવ્યા પછી સ્વતંત્ર કામકાજ શરૂ કર્યું. 1991 પછી માત્ર ખાનગી કામ કરતા. 2000ની સાલમાં સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારી. છેલ્લાં 39 વર્ષોથી, રક્તદાન-યજ્ઞના પ્રણેતા છે. ચક્ષુદાન અને દેહ-દાન માટે પણ અનુમોદના આપે છે. 1997થી(27 વર્ષથી) અપંગ માનવ મંડળમાં મેડિકલ કેમ્પ યોજે છે! 42 વર્ષથી દર ગુરુવારે ભજનમાં સક્રિય છે.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

ચાર વાગે ઊઠે, 4:30-05:20 માળા-મંત્ર-જાપ, 21વાર ઓમકાર, સુપ્રભાતમ્. વજ્રાસનમાં બેસે, આખા દિવસનો પ્રોગ્રામ બનાવે. અડધો કલાક પ્રાણાયામ કરે. ચા-નાસ્તાની તૈયારી કરે. અડધો કલાક સોસાયટીમાં ચાલે. નાહી-ધોઈ પૂજા કરી અડધો કલાક કસરત કરે. છાપાં વાંચે. 12:30 વાગે જમે. 500 પગલાં ચાલે. દોઢથી-અઢી સુઈ જાય. ચા પીને માળા ફરે. મોબાઈલ ઉપર થોડી પ્રવૃત્તિ, 30 મિનિટ પ્રાણાયામ. વળી છથી-સાડા-છ ચાલે. સાત વાગે આરતી કરે. 7:30 વાગે જમ્યા પછી વાંચન અને દસ વાગ્યે સૂઈ જાય. એકદમ નિયમિત જીવન છે. દરવર્ષે પૂટપૂર્તિ, સત્ય સાઈબાબાના આશ્રમમાં જાય. અત્યારે “યુ કેન હીલ યોર લાઇફ” નામનું પુસ્તક વાંચી રહ્યા છે.

શોખના વિષયો : 

વાંચનનો ભારે શોખ. જન-કલ્યાણ, માનવ અને આધ્યાત્મિક વાંચન ગમે. વિવેકાનંદ વાંચવા ગમે. પ્રવાસનો શોખ. ક્રિકેટ જોવી ગમે, (હવે ઓછું કરી નાંખ્યું છે).

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

એકવડો બાંધો અને પ્રવૃત્તિવાળું જીવન એટલે તબિયત સારી છે. 2005માં ડાબા અંગનો પેરાલીસીસ થઈ ગયો હતો, તરત સારવાર મળતાં અઠવાડિયામાં હોસ્પિટલમાંથી રજા મળી ગઈ. ઘેર કસરત કરવી પડે છે. એક વર્ષ પહેલાં, અમેરિકામાં તેમને હાર્ટ-એટેક આવ્યો હતો. તરત સારવાર મળી ગઈ. એક બાજુ 99% બ્લોક હતો, બે સ્ટેન્ટ મૂકવા પડ્યા છે.

યાદગાર પ્રસંગ:  

જીવનના બધા યાદગાર પ્રસંગો સત્યસાઈની આજુબાજુ વણાયેલા છે! બાબાની 60મી વર્ષગાંઠ ઉપર સ્વૈચ્છિક રક્તદાન-યજ્ઞ યોજી રક્તના 517 યુનિટનો વિક્રમ કર્યો! બાબાની 70મી વર્ષગાંઠ ઉપર આશરે 70,000 ભક્તોને જમણ પીરસ્યું હતું! દીકરાની  બારમાની પરીક્ષા પછી રમેશભાઈ આશ્રમમાં  હતા ત્યારે બાબા તેમની નજીકથી નીકળ્યા અને ધીમેથી બોલ્યા: “છઠ્ઠો નંબર, છઠ્ઠો નંબર!” રમેશભાઈને કંઈ ખ્યાલ ન આવ્યો. દીકરાનું પરિણામ આવ્યું ત્યારે દીકરો સેન્ટરમાં છઠ્ઠા નંબરે પાસ થયો હતો! રમેશભાઈની પાસે અમેરિકાનું ગ્રીન-કાર્ડ. કાયદા પ્રમાણે દર વર્ષે એકવાર કાર્ડ રીન્યુ કરાવવા અમેરિકા જવું પડે. સંજોગોવશાત્ તેઓ છ વર્ષથી અમેરિકા જઈ શક્યા ન હતા. તેમને ડર હતો કે ઇમિગ્રેશનમાંથી તેઓ કેવી રીતે પાસ થશે? બાબાની  કૃપાથી કોઈ તકલીફ વગર તેમનું  ઈમિગ્રેશન ક્લિયર થઈ ગયું. અમદાવાદની  સત્ય-સાઈ-હોસ્પિટલના CEO મનોજભાઈ ભીમાણી સાથે દીકરીના લગ્ન આશ્ચર્યજનક સહેલાઈથી થઈ ગયા તે પણ યાદગાર પ્રસંગ છે! દીકરાના લગ્ન પણ અમદાવાદના(હાલ અમેરિકા) સાઈ-પ્રેમી કુટુંબમાં થયા છે!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

સામાન્ય ઉપયોગ કરી લે છે. ‘સીલીંગ ઓન ડિઝાયર’ એટલે ‘ઈચ્છાઓને કાબૂમાં રાખો’માં માને છે જેથી વધારે પડતો ટેકનોલોજીનો ઉપયોગ કરતા નથી.

 શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

પહેલાં આપણે સાધનો ઉપર રાજ કરતાં હતાં, જ્યારે હવે આપણે ધીમે-ધીમે સાધનોના ગુલામ થતાં જઈએ છીએ!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

રક્તદાન-યજ્ઞમાં આવતા  અને સંસ્થાના કામમાં જોડાયેલા યુવાનો સાથે નિયમિત મળવાનું થાય. જો કે સંસ્થામાં આવતા યુવાનો કામ માટે અને સેવા માટે એકદમ કમીટેડ હોય એટલે યુવાનો માટેનો તેમનો અભિપ્રાય બહુ પોઝિટિવ છે.

સંદેશો :  

દુનિયા છે તો દુનિયાનો રચનાર  કોઈક તો હશે જ’ એ યુવાનોએ વિચારવું જોઈએ. કુદરત સાથે રહો, દિવસમાં બે-ત્રણ વાર ફૂલ-છોડ સાથે વાતો કરો. થોડીવાર એકલા બેસો- મોબાઇલ અને ચોપડી વગર. જે વિચાર આવે તે આવવા દો. સર્વ-ધર્મ સમભાવમાં માનો. ઈચ્છાઓને કાબૂમાં રાખો. જે પૈસા બચે તે સારા કામમાં વાપરો.