નોટ આઉટ @ 89 : શ્યામભાઈ મનસુખભાઈ પોપટ

જ્ઞાની અને પ્રભુ-ભક્ત માતા તથા કર્મયોગી પિતાને ઘેર રેંટિયાબારસને દિવસે જન્મેલ શ્યામભાઈની વાત સાંભળીએ તેમની પાસેથી. માથામાં મોરપીંછ સાથે જન્મ્યા હતા એવું કહેવાય છે, એટલે નામ ‘શ્યામ’ પડી ગયું!

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

શ્યામભાઈનો જન્મ નાગપુર પાસે આવેલ ઉમરેડ ગામમાં. તેમને ૩ ભાઈ. બે યુ.એસ.એ.માં રહે છે. એક ભાઈ ન્યુક્લિયર પાવર-પ્લાન્ટમાં વાઈસ-પ્રેસિડેન્ટના હોદ્દા પર હતા. તેઓ હવે યુ.એસ.એ. માં દત્તાત્રયના ઉપાસક છે અને સંત તરીકે અમેરિકામાં જીવન વિતાવે છે. 1938માં પિતાને આઝાદ-હિન્દ ફૌજમાં જોડાવું હતું, પણ સત્યાગ્રહીઓ જેલમાં જાય તેમના પરિવારની સેવા કરવા માટે ગાંધીજીએ તેમને નાગપુર રોકી લીધા. પિતાએ 1942ની ક્વીટ-ઇન્ડિયાની ચળવળમાં સક્રિય ભાગ લીધો હતો. શ્યામભાઈનો અભ્યાસ નાગપુરમાં મરાઠી-માધ્યમમાં થયો. તેઓ બોમ્બે યુનિવર્સીટીના મેટ્રિક અને વળી રાષ્ટ્રભાષા-રત્ન! આઝાદી પછી કોઈ પણ ખાતું લેવાનો પિતાએ ઇનકાર કર્યો. બહુ આગ્રહ પછી પિતાએ બૃહદ્-ગુજરાતના ચીફ-ઓડિટરની માનદ-સેવા સ્વીકારી. પહેલા જ મહીને, પ્રધાનનો માલ લઈ જતું વેગન અટકાવ્યું જેથી કોર્ટમાં કેસ થયો. તેમણે કંટાળી રાજીનામું આપ્યું. ઘણાં રચનાત્મક કાર્યો કર્યાં. અંબર-ચરખાનું યુનિટ ઊભું કર્યું. વિમળાદેવી અને મનિષાદેવીનો આશ્રમ સંભાળ્યો. છેવટે ખેતીનું કામ સ્વીકારી ખેતી-લાયક જમીન વતન જસદણ પાસે લીધી અને શાંતિથી બાકીનું જીવન વ્યતીત કર્યું.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

શ્યામભાઈએ કરિયાણાના વેપારથી શરૂઆત કરી. વેપાર ઠીક-ઠીક ચાલતો હતો ત્યાં એક વર્ષ દુકાળ પડ્યો. ઘર-ખર્ચ માટે મુશ્કેલી પડવા લાગી. ટૂંક-સમય માટે બ્રુકબોન્ડના સેલ્સ-મેનની નોકરી લીધી પણ પછી જસદણ પાછા આવ્યા. મગફળીનો વેપાર કર્યો, જે બહુ સરસ ચાલ્યો. તે સમયમાં લાખો રૂપિયાની આવક થતી! આ ધંધો વિકસતા તેમણે ડીઝલ-એન્જિનનો ધંધો શરૂ કર્યો. ગામના લુહારના દીકરા પાસે મશીન બનાવડાવ્યાં. છ મહિનામાં તો લુહારનો દીકરો સરસ મશીન બનાવતાં શીખી ગયો! તેમણે પોતાનો વેપાર-ધંધો પોતાની 75 વર્ષની ઉંમર સુધી ચાલુ રાખ્યો. પણ, તેમની 35 વર્ષની ઉંમરે, તેઓ સ્વામી સંપૂર્ણનંદજીને મળ્યા અને તેમનું જીવન બદલાઈ ગયું! ધંધા-વેપાર સાથે જીવન લક્ષ ભક્તિ અને મુક્તિ બની રહ્યાં! સવારે પાંચ વાગ્યે ઊઠે, સ્વાધ્યાયથી શરૂઆત કરે. ગુરુકૃપા અને ઈશ્વરકૃપાને લીધે જીવનમાં આનંદ-આનંદ છે!

શોખના વિષયો : 

હવે જીવનમાં કોઈ ઈચ્છા નથી. અચાહ થઈ ગયા છે! પણ યુવાનીમાં પ્રવાસ અને જાત્રાનો બહુ શોખ હતો. આખા હિન્દુસ્તાનની ચાર વાર યાત્રા કરી છે! 73 વર્ષની ઉંમરે કુટુંબીના લગ્નમાં અમેરિકા ગયા હતા.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત હવે થોડી ઢીલી પડી છે. કૂવાનું શુદ્ધ પાણી પીધું છે તેથી તબિયત સારી રહે છે તેવું તેમને લાગે છે! સાંભળવાની થોડી તકલીફ છે. વોકર લઈ ઘરમાં ચાલે છે. હજી બે દિવસ પહેલાં વાઘોડિયા મુનિ-આશ્રમની જાત્રા કરી આવ્યા!

યાદગાર પ્રસંગ:  

યુવાનીમાં યાત્રાનો એટલો શોખ કે ઓચિંતા જ પ્રોગ્રામ બનાવી પતિ-પત્ની યાત્રા માટે નીકળી પડતાં! ઈશ્વર જાણે બધી વ્યવસ્થા કરી આપે! બધા સંકલ્પ-વિકલ્પ જતા રહેતા. પત્નીનો દરેક ક્ષેત્રમાં ઘણો સાથ મળ્યો છે. દરેક યાત્રા યાદગાર રહી છે. ઘર-બાર, વેપાર-ધંધો, કુટુંબ વગેરે છોડી બાપુ (સ્વામી સંપૂર્ણનંદજી) સાથે ચાર મહિના આશ્રમમાં રહ્યા હતા તે કેમ ભૂલાય?

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

બે પૌત્રો ટેકનોલોજી સેક્ટરમાં જ કામ કરે છે. અમેરિકાની કંપનીઓ સાથે મેડિકલ-ટ્રાન્સક્રિપ્શનનું તેમનું મોટું કામ છે. પૌત્રો દાદા સાથે ધંધા-વેપારની ચર્ચા પણ કરે! દાદા મોબાઈલ વાપરી મિત્રો, ગુરુ-ભાઈઓ અને કુટુંબીઓ સાથે સંકળાયેલા રહે છે તે પુત્રોને-પૌત્રોને બહુ ગમે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

સતનો નાશ થઈ ગયો છે અને અસતનું જોર વધી ગયું છે! દૈવી-લક્ષ્મી નાશ પામી છે અને અસુરી-લક્ષ્મી વધી ગઈ છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

તેમને ત્રણ પુત્રો, એક પુત્રી અને 12 પૌત્ર-પૌત્રીઓ છે. યુવાન પૌત્રો દાદાના વખાણ કરતા થાકતા નથી! બા-દાદા સાથે મોટા થયા છે. વેકેશન પડતાં (ખાસ તો  ભૂકંપ વખતે), પૌત્રો તેમની સાથે જ હોય. દાદા સવારે નવડાવે, તૈયાર કરે. સ્થિત-પ્રજ્ઞનાં લક્ષણો તથા તત્વજ્ઞાનની પરાકાષ્ઠા સમાન મદાલસા સ્તોત્ર બોલાવે. દાદા સવારે અને સાંજે પ્રાર્થના કરાવે. વળી ફેક્ટરી પર પણ લઈ જાય!

સંદેશો :  

યુવાનોમાં હવે કુટુંબ માટે, વડીલો માટે, સમાજ અને દેશ માટે, ભાવ, પ્રેમ અને ત્યાગ રહ્યા નથી. આ ત્રણ વગર બધું નકામું! જાણે મીઠા વગરનું શાક! બાકી યુવાનો કરતા હોય એ ભલે કરે!