મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામ પર પ્રભાવ પાડનાર પરિબળો

મહારાષ્ટ્રમાં 288 બેઠકોની વિધાનસભા માટે આજે મતદાન થયું છે, જે સરેરાશ 55.35 ટકા થયું છે. મતગણતરી 24 ઓક્ટોબરના ગુરુવારે કરવામાં આવશે અને એ જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. એક્ઝિટ પોલ્સના તારણ અનુસાર ભાજપ-શિવસેના યુતિ ધરખમ બહુમતી સાથે પોતાની સત્તા જાળવી રાખશે.

વિધાનસભા ચૂંટણીના પરિણામમાં 6 પરિબળો મહત્વનો ભાગ ભજવી શકે છે.

ગત લોકસભાની ચૂંટણી બાદ આ વિધાનસભાની ચૂંટણી પરખાવી શકે છે મહારાષ્ટ્રના મતદારોનો મિજાજ!  જેમ કે, મતદાતાઓ કોની તરફેણમાં જઈ શકે છે! આ માટે છ પરિબળો એવા છે, જે ચૂંટણીના પરિણામમાં મહત્વનો ભાગ ભજવી શકે છે!

ભાજપ અને શિવસેનાની યુતિ મહારાષ્ટ્રમાં પોતાની સત્તા જાળવી રાખવા પ્રયત્નશીલ છે. ત્યારે કોંગ્રેસ અને એનો ભાગીદાર પક્ષ એનસીપીના માઠા દિવસોનો અંત આવું એવું જણાતું નથી.

મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વવાળી ભાજપે 164 સીટો પરથી પોતાના ઉમેદવારને મેદાને ઉતાર્યાં છે, જેમાં અમુક નાના ગઠબંધન એવા પણ છે જેના ઉમેદવારને ભાજપે પોતાના ચિન્હ પર સીટ આપી છે. શિવસેનાએ 124 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે, જ્યારે વિપક્ષી ગઠબંધનોમાં કોંગ્રેસ 147 અને NCP 121 બેઠકો પર લડી રહ્યાં છે.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી બતાવશે મતદાતાઓનો મૂડ અને એને લીધે ચૂંટણીના પરિણામો પર થનારી અસર. આ વર્તારો બતાવનારા 6 પરિબળો નીચે મુજબ છેઃ

મરાઠા આરક્ષણઃ

ભાજપ-શિવસેનાએ મરાઠા સમુદાય માટે જાહેર કરેલું શૈક્ષણિક સંસ્થાનો તેમજ સરકારી નોકરીઓમાં આરક્ષણ! આ મહત્વના નિર્ણયને લીધે ઓબીસી તથા બ્રાહ્મણ સિવાયના વર્ગને પણ એમણે પોતાના તરફ ખેંચી રાખ્યાં છે.

કલમ 370:

જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી આ કલમ 370ને સરકારે નાબૂદ કરી તેનો પ્રચાર ભાજપ તેની દરેક રેલીમાં કરતી રહી છે. વિપક્ષ આ બાબતને દેશના બીજા અગત્યના તેમજ સ્થાનિક મુદ્દાઓ તરફથી લોકોનું ધ્યાન હટાવવાનો પ્રયાસ તરીકે ગણાવે છે. જો કે, જ્યાં કોઈ સ્થાનિક મુદ્દા ન હોય, ત્યાંના વોટ તો ભાજપને ચોક્કસ મળે એમ છે.

ભ્રષ્ટાચારઃ

આ ચૂંટણી પ્રચારનો મહત્વનો એક મુદ્દો છે મહારાષ્ટ્ર કો-ઓ. બેંક અને સિંચાઈ કૌભાંડ NCP નેતાઓ પર લાગેલા આરોપ. આ વાતનો વડા પ્રધાન મોદી પણ ગાજવીજ સાથે પ્રચાર કરી રહ્યાં છે. આ બાબતમાં અદાલતનો હજુ સુધી ફેંસલો તો નથી આવ્યો, પણ આ વાતનું પરિણામ ભાજપ તરફી હોઈ શકે છે!

ખેડૂતો પર વધી રહેલું દેવાનું સંકટ

મરાઠવાડા, વિદર્ભ તેમજ પશ્ચિમ મહારાષ્ટ્રમાં ખેડૂતોની આત્મહત્યા એ આજનો બહુ ગંભીર મુદ્દો છે. 2015 થી 2019 સુધીમાં મહારાષ્ટ્રમાં 12,000 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. આ મુદ્દે ભાજપ-શિવસેના પર હારનું સંકટ આવી શકે છે.

કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓ

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત કેંદ્ર સરકારે દરેક ખેડૂતના ખાતામાં દર વર્ષે રૂપિયા 6,000ની રાશિ જમા કરવાની યોજના શરૂ કરી છે. ઉપરાંત ગામોમાં શૌચાલય તેમજ આવાસ યોજનાને લીધે ગ્રામીણ વોટનો પણ લાભ મળી શકે છે.

ફડણવીસ ફેક્ટર

પોતાના પૂરા કાર્યકાળ દરમિયાન ફડણવીસ સરકાર પોતાના ગઠબંધનના સહયોગી શિવસેનાના પ્રશ્નોના સામનો કરતી રહી છે. તે છતાં મુંબઈ-નાગપુર સુપર હાઈવે તેમજ મેટ્રો યોજનાઓનાં વિસ્તરણની બાબતો તેમના પક્ષમાં છે. હા, પણ નોકરીઓમાં કોઈ તક ઉભી ના કરવાનો મુદ્દો એમના વિરોધમાં જઈ શકે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]