૧૧ જુલાઈ – ‘વિશ્વ વસ્તી દિવસ’: ગુજરાતનો શું સંકલ્પ છે?

યુનાઇટેડ નેશન્સ (United Nations) સંસ્થા દ્વારા ૧૧ જુલાઇ, ૧૯૮૯ની સામાન્ય સભામાં ‘વર્લ્ડ પોપ્યુલેશન ડે’ ઉજવવાનો નિર્ણય કરાયો હતો. હકીકતમાં ૧૧ જુલાઇ, ૧૯૮૭ સુધી વિશ્વની વસ્તીનો આંકડો પાંચ અબજને પાર પહોંચી ગયો હતો. ત્યારે વિશ્વમાં લોકોની વધતી સંખ્યા પ્રત્યે જાગૃતિ લાવવા માટે તેને વૈશ્વિક સ્તરે આ દિવસ મનાવવાનો નિર્ણય કરાયો હતો. આમ, ભારત સહિત સમગ્ર વિશ્વમાં ૧૧, જુલાઈને ‘વિશ્વ વસ્તી દિન’ તરીકે ઉજવવામાં આવે છે.

આ દિવસ કુટુંબ નિયોજન કાર્યક્રમને ઉજાગર કરે છે. વસ્તી વિસ્ફોટ એ સમગ્ર વિશ્વના મોટાભાગના દેશોને મુંઝવતી જટિલ સમસ્યા બની ગઈ છે.વિશ્વના વિકસિત અને વિકાસશીલ એમ બંને દેશોમાં જે દરે વસ્તી વધારો થઈ રહ્યો છે તે ચિંતાનો વિષય છે. યુએનના અંદાજ પ્રમાણે વિશ્વની કુલ વસ્તી ૭.૩૦ અબજના આંકને આંબી ગઇ છે. દુનિયાના વિકાસશીલ દેશોમાં ૯૦ થી ૯૩ ટકાના દરે વસ્તી વધારો થઈ રહ્યો છે જેમાં ખાસ કરીને ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ,નેપાળ જેવા દેશોમાં તો વસ્તી વિસ્ફોટના દરના પ્રમાણમાં તીવ્ર ગતિએ વધારો થયો છે.

ભારતમાં વસ્તી વિસ્ફોટને અંકુશમાં લેવા વિશ્વમાં કુટુંબ નિયોજન કાર્યક્રમને વધુ અસરકારક અને વેગવાન બનાવવાની ખાસ જરૂર ઊભી થઈ છે.જો કે ભારત દેશે વિશ્વમાં સૌ પ્રથમ છેક ૧૯પરમાં રાષ્ટ્રીય વસ્તી નીતિ કાર્યક્રમ હાથ ધરી વસ્તી વધારાની સમસ્યાને હળવી બનાવવાની દિશામાં નવી પહેલ કરી હતી.

મુખ્ય હેતુ:

રાજ્યનો કુલ પ્રજનન દર ઘટાડી વસ્તી નિયંત્રણ અટકાવી રાજ્યનો વિકાસ ઉપરાંત કુટુંબ નિયોજનની પદ્ધતિનો વ્યાપ રાજ્યના દરેક કુટુંબ સુધી પહોંચે અને જેના પરિણામે માતા મૃત્યુ દર અને બાળ મૃત્યુ દર ઘટાડવામાં વધુ મદદ મળશે.

પરિવાર નિયોજનને સફળ બનાવવા સ્ત્રી-પુરુષ બંનેએ પરિવાર નિયોજનના પ્રયોગો અપનાવવા જોઈએ. જેમાં પુરુષો માટે ચિરા કે ટાંકા વગરનો નસબંધી અને સ્ત્રીઓ માટે લેપ્રોસ્કોપી પદ્ધતિથી વંધ્યીકરણ જેવી પરિવાર નિયોજનની પદ્ધતિઓ અપનાવી શકાય છે. આ ઉપરાંત પુરુષો માટે નિરોધ અને સ્ત્રીઓ માટે કોપર ટી, ગર્ભનિરોધક ગોળીઓ, માલા એન, છાયા જે પ્રથમ ત્રણ માસ માટે અઠવાડિયામાં બે વખત અને ત્રણ માસ પછી અઠવાડિયામાં એક વખત ઉપરાંત, અંતરા ઇન્જેક્શન દર ત્રણ માસે એક વખત જેવાં પગલાંનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં વિશ્વ વસ્તી દિવસ બે ભાગમાં મનાવાશે:

સમગ્ર ગુજરાતમાં દર વર્ષે ૧૧ જુલાઇના દિવસે ‘વિશ્વ વસ્તી દિવસ’ મનાવવામાં આવે છે. ‘આઝાદીના અમૃત મહોત્સવમાં ‘અમે આ સંકલ્પ લઈશું, કુટુંબ નિયોજનને સુખનો વિકલ્પ બનાવીશું’ એ સૂત્રને સાર્થક બનાવવા આ વર્ષે રાજ્યમાં બે ભાગમાં વસ્તી દિવસ મનાવાઇ રહ્યો છે. જેમાં તા.૨૭ જૂનથી ૧૦મી જુલાઈ દરમિયાન ‘દંપતી સંપર્ક પખવાડિયુ’ અને તા.૧૧ જુલાઈથી તા.૨૪ જુલાઈ, ૨૦૨૩ સુધી ‘જનસંખ્યા સ્થિરતા પખવાડિયુ’ મનાવવામાં આવી રહ્યું છે.

તા. ૧૧ જુલાઇ ૨૦૨૩ થી ૨૪ જુલાઇ ૨૦૨૩ દરમ્યાન ‘Population Stabilisation fortnight’ (જનસંખ્યા સ્થિરતા પખવાડિયું) હેઠળ જિલ્લા હોસ્પિટલ, એફ.આર.યુ.,સા.આ.કે. ખાતે કેમ્પના માધ્યમથી કાયમી અને બિનકાયમી કુટુંબ કલ્યાણની પદ્ધતિઓનો મોટા પાયે લાભ આપવામાં આવશે. આ કેમ્પ દરમિયાન જાગરૂકતા સાહિત્યનું વિતરણ અને વધારામાં નોન સ્કાલપેલ વાઝેકટોમી (એન.એસ.વી.) ઉપર વધારે ભાર મુકીને પુરૂષ ભાગીદારી વધારવા અંગે પણ પ્રયત્ન કરવામાં આવશે.

કોઈપણ દેશ કે રાજ્યની વસ્તી સ્થિરતા માટે કુલ પ્રજનન દર ૨.૧ હોવો જરૂરી છે, જે NFHS -5 પ્રમાણે ગુજરાતે ૧.૯નો દર હાંસલ કર્યો છે જે ઘણી મોટી સિદ્ધી છે. તેમ છતા દૂરદરાજ / અંતરિયાળ વિસ્તારમાં આ દર વધુ હોવાની શકયતા છે, ત્યાં રાજ્ય સરકારની area specific approach થકી કામગીરી કરવામાં આવે છે.

વસ્તી નિયંત્રણ જાગૃતિના વિવિધ કાર્યક્રમો:

આ દરમિયાન એ.એન.એમ. અને આશાબહેન દ્વારા પોતાના વિસ્તારમાં દરેકને આ કાર્યક્રમની જાણ થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ બે અઠવાડિયા દરમિયાન તાલુકા, શહેર અને જિલ્લાઓમાં મુખ્યત્વે કુટુંબ ક્લ્યાણ અંતર્ગત અલગ-અલગ પદ્ધતિઓનું પ્રદર્શન, જરૂરતમંદ લાભાર્થી સાથે પરિવાર નિયોજન અંગે માહિતી આપવી, આઇ.ઇ.સી  દ્વારા અલગ-અલગ પ્રવૃતિ અંતર્ગત દરેક ગામમાં બેનર, પોસ્ટર તથા હોર્ડિંગ્સ લગાવવાના રહેશે.

જેમાં ખાસ કરીને લગ્નની નિયત ઉંમર ૨૦ વર્ષ, બાળક થવાનો યોગ્ય સમયગાળો, પોસ્ટ પાર્ટમ અને પોસ્ટ એબોર્શન, ફેમીલી પ્લાનીંગ સેવાઓ, પુરુષ ભાગીદારી વિગેરે વિષયો આવરી લેવા તેમજ ફેમિલી પ્લાનિંગનો નવો લોગો –સ્લોગન દરેક આરોગ્ય સંસ્થા ખાતે પ્રદર્શિત કરવાનું આયોજન કરાયું છે.

આવો, આપણે સૌ ‘વિશ્વ વસ્તી દિવસ’ નિમિતે ‘આઝાદીના અમૃત મહોત્સવમાં અમે આ સંકલ્પ લઇશું, કુટુંબ નિયોજનને સુખનો વિકલ્પ બનાવીશું’ થીમને અનુસરીએ.