નોટાનું બટન દબાવવામાં ગુજરાતીઓ આગળ!

લોકશાહીના ઉત્સવ સમી લોકસભા ચૂંટણી 2024ની શરૂઆત થઈ ગઈ છે. 19મી એપ્રિલથી શરૂ થયેલા મતદાનમાં દરેક પક્ષના ઉમેદવારોના  ભાવિનો નિર્ણય થશે. પરંતુ ચૂંટણી દરમિયાન જો મત આપતી વખતે, જો તમને લાગે કે કોઈ ઉમેદવાર યોગ્ય નથી તો તમે NOTA બટન દબાવીને તમારો વિરોધ નોંધાવી શકો છો. પરંતુ, શું તમે જાણો છો કે NOTA (None Of The Abov)નું બટન દબાવવામાં ગુજરાતીઓ પણ પાછા પડે એમ નથી.

ગત લોકસભા ચૂંટણી એટલે કે 2019માં NOTAનું બટન દબાવવામાં ગુજરાત સમગ્ર દેશમાં પાંચમા ક્રમાંકે હતું. ગુજરાતમાં કુલ 1.38 ટકા મતદાનમાંથી 4 લાખ મત નોટાના ફાળે ગયા હતા. દેશની વાત કરીએ તો બિહારમાં સૌથી વધુ 1.86 લાખ મતદારોએ કોઈ પક્ષને પસંદ કરવાની જગ્યાએ નોટા વિકલ્પને માન્ય ગણ્યો.

મતદારોએ દર્શાવ્યો વિરોધ

ઉલ્લેખનીય છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 13 બેઠકો એવી હતી જ્યાં 15 હજારથી વધારે મતદારોએ નોટાનો વિકલ્પ પસંદ કર્યો હતો. અહીં એ વાત સમજવા જેવી છે કે ગુજરાતમાં દરેક બેઠક પર સરેરાશ 13થી 14 ઉમેદવારો હોય છે. પરંતુ મતદારો નોટા પસંદ કરે છે. ગત બંને લોકસભા ચૂંટણીમાં 26માંથી 17-17 બેઠકો પર નોટા વિકલ્પ ત્રીજા ક્રમે રહ્યો. નોંધનીય છે કે બંને ચૂંટમીમાં કુલ 8.55 લાખ મતદારોએ નોટા બટન બદાવી ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારો તરફ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

 આ વિસ્તારમાં નોટાનો ઉપયોગ વધારે

ગુજરાતની લોકસભા બેઠકોમાં આદિવાસી વિસ્તારમાં સૌથી વધુ નોટાનું બટન દબાવવામાં આવ્યું હતું. આ બેઠકોમાં છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, વલસાડ અને બારડોલીનો સમાવેશ થાય છે. બંને ચૂંટણી દરમિયાન 2014 અને 2019 પૈકી દાહોદ અને છોટાઉદેપુર બેઠક પર સૌથી વધારે 32-32 હજાર વોટ નોટાને ફાળે ગયા હતા. સમગ્ર દેશની વાત કરીએ તો 2019માં 65.22 લાખ મતદારોએ નોટાનું બટન દબાવવાનું ઉચિત માન્યું હતું.

નોટાનો ઉપયોગ કરવામાં આ બેઠકો ત્રીજા ક્રમે

ગત 2014 અને 2019 બંને લોકસભા ચૂંટણીમાં વડોદરા, પાટણ, મહેસાણા, દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, પંચમહાલ, ખેડા, બારડોલી, અમરેલી, આણંદ અને રાજકોટ બેઠકો ઉમેદવારોની સરખાણીએ નોટાનું પ્રમાણ ત્રીજા ક્રમે હતું. આ 12 બેઠકો પર 2014માં 2.50 લાખ નોટા વોટ પડયા હતા. જ્યારે 2019માં આ જ બેઠકો પર 2.44 લાખ મત નોટામાં નોંધાયા હતા. નોંધનીય છે કે 2014માં કુલ નોટા વોટ 55 ટકાથી વધારે અને 2019માં 61 ટકા નોટા વોટ ગણી શકાય. 2014 અને 2019 બંનેમાં 17 એવી બેઠકો હતી જ્યાં નોટા વોટ ત્રીજા ક્રમે રહ્યું હતું.

કોંગ્રેસ અને નોટા વચ્ચે મતનું અંતર

નોટાનું અને કોંગ્રેસ મતોનું અંતર 2019 લોકસભા ચૂંટણીમાં 5 હજારથી ઓછું હતું. જેમાં અમદાવાદ પશ્વિમમાં 4691, મહેસાણામાં 2555, રાજકોટમાં 2930, વલસાડમાં 2948 અને સુરતમાં 4797 મતોનું અંતર કોંગ્રેસ ને નોટા મત વચ્ચે હતું. એવી જ રીતે 2024માં પણ જૂનાગઢમાં 348, પોરબંદરમાં 4263, પાટણમાં, 2168, અમદાવાદ પૂર્વમાં 3009, દાહોદમાં 3347, અમરેલીમાં 3623 અને મહેસાણામાં 1849માં કોંગ્રેસ અને નોટા વચ્ચેનું અંતર પાંચ હજારથી ઓછું હતું. આ પરથી સ્પષ્ટ થાય છે કે રાજકીય પાર્ટીને પસંદ કરવા કરતા લોકો નોટાનું બટન દબાવી દરેક પક્ષ સામે પોતાની નારાજગી વ્યક્ત કરે છે.

2019માં રાજ્યમાં કુલ મતદાનમાં નોટાની ટકાવારી

નોટા વોટ ટકાવારી
બિહાર 8.16 લાખ 2 ટકા
આંધ્ર પ્રદેશ 4.68 લાખ 1.48 ટકા
ગોવા 12.4 હજાર 1.46 ટકા
છત્તીસગઢ 1.96 લાખ 1.44 ટકા
ગુજરાત 4 લાખ 1.38 ટકા
ભારત 62.22 લાખ 1.6 ટકા