સાયન્સ સિટી ખાતે નેશનલ ટેક્નોલોજી દિવસની ઉજવણી કરાશે

અમદાવાદ: દર વર્ષે 11મી મેના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગુજરાત સાયન્સ સિટી ખાતે પણ રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસની ઉજવણી કરાશે. ગુજકોસ્ટ (ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી) અને IPR( ઈન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝ્મા રીસર્ચ)ના સંયુક્ત ઉપક્રમે આ ઉજવણી કરવામાં આવશે.
વર્ષ 1998માં 11મી મેના દિવસે ભારતે પરમાણુ પરીક્ષણ કર્યું હતું. તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ભારતે એક પછી એક એમ 5 પરમાણુ બોમ્બનું પરીક્ષણ કર્યું હતું. જે પરીક્ષણની સફળતા પર, સરકારે 11મી મેને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે જાહેર કર્યો. ત્યારથી, 11 મેને દેશમાં રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને તે દેશના વિકાસમાં યોગદાન આપનારા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને સમર્પિત છે.દર વર્ષે જુદી-જુદી થીમ સાથે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની થીમ ‘ટેક્નોલોજિસ ફોર વિકસિત ભારત’ છે. ત્યારે આ થીમ પર ગુજરાત સાયન્સ સિટીમાં વિવિધ પ્રવૃત્તિઓ સાથે ટેક્નોલોજી દિવસની ઉજવણી કરાશે. આ નિમિત્તે ઓડિટોરિયમમાં પ્લાઝ્મા ટેક્નોલોજી પર શિક્ષકો માટે હેન્ડ્સ ઓન ટેક્નોલોજી વર્કશોપનું આયોજન કરવામાં આવશે. તેમજ સાયન્ટિફિક ફિલ્મ્સ પણ દર્શાવવામાં આવશે. તદુપરાંત સાયન્સ ડોમમાં પ્લાઝ્મા ટેક્નોલોજીનું પ્રદર્શન રાખવામાં આવશે. તેમજ સહભાગીઓને ગુજરાત સાયન્સ સિટીની વિવિધ ગેલેરીઓની મુલાકાત પણ કરાવવામાં આવશે.મહત્વનું છે કે શિક્ષકો અને રસ ધરાવતા લોકોમાં ટેક્નોલોજી પ્રત્યે રૂચિ વધે અને ટેક્નોલોજીના સદુપયોગથી સમાજ અને દેશનો વિકાસ થાય તે હેતુથી ગુજરાત સાયન્સ સિટી ખાતે નેશનલ ટેક્નોલોજી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.