યૂક્રેનમાં શાંતિની સ્થાપના માટે ભારતની મદદની અમેરિકાએ સરાહના કરી

વોશિંગ્ટનઃ રશિયા સાથેના યુદ્ધને કારણે બરબાદ થયેલા યૂક્રેન દેશમાં શાંતિના વાતવરણની લાંબા સમય સુધી સ્થાપના થાય એ માટેના પ્રયાસોમાં ભારતે કરેલી મદદની અમેરિકાએ સરાહના કરી છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યૂ મિલરે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે રશિયાની વ્યૂહાત્મક નિષ્ફળતાને કારણે બંને દેશે અસંખ્ય સૈનિકોનો ભોગ લેવાઈ ગયો છે. દુનિયાના દેશોને પણ આ યુદ્ધની માઠી અસર પહોંચી છે. આર્થિક પ્રતિબંધો અને નિકાસ નિયંત્રણો લાદવાને કારણે વૈશ્વિક અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે. યૂક્રેનમાં શાંતિની સ્થાપના માટે અનેક દેશો મદદ કરી રહ્યાં છે. ભારતે આમાં ભજવેલી ભૂમિકાની અમે પ્રશંસા કરીએ છીએ, જે યૂક્રેનના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડતાનો આદર કરે એવી ન્યાયી અને લાંબા સમય સુધી ટકે એવી શાંતિની સ્થાપના કરાવવામાં મદદરૂપ થાય છે.

ઉલ્લેખનીય છે કે, યૂક્રેન પર તેના પડોશી રશિયાએ કરેલા લશ્કરી આક્રમણને 500 દિવસ પૂરા થઈ ગયા છે.