ઉત્તર કોરિયાની અમેરિકી જાસૂસી વિમાન તોડી પાડવાની ધમકી

બ્રસેલ્સઃ ઉત્તર કોરિયાના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે અમેરિકાએ જાસૂસી ગતિવિધિઓ યુદ્ધ સ્તરે વધારી દીધી છે. છેલ્લા આઠ દિવસોની અંદર અમેરિકી જાસૂસી વિમાનોએ ઉત્તર કોરિયાની હવાઈ સીમાઓનું ઉલ્લંઘન કરતાં ભડકાઉ ઉડાનો ભરી હતી. એ સાથે પૂર્વ સમુદ્રી ક્ષેત્રની હવાઈ સીમાનું પણ કેટલીય વાર હનન કર્યું છે. ઉત્તર કોરિયાની કેન્દ્રીય ન્યૂઝ એજન્સી અનુસાર અમેરિકાના એરફોર્સના એવા વિમાનને દેશના પૂર્વ સમુદ્રી ક્ષેત્ર તોડી નહીં પડાય એવી ગેરંટી ના આપી શકાય.

ઉત્તર કોરિયાની સાથે તનાવપૂર્ણ સંબંધોને જોતાં એપ્રિલમાં અમેરિકા અને દક્ષિણ કોરિયાની વચ્ચે સૈન્ય સહયોગ પર સહમતી બની હતી. એના માટે બેલેસ્ટિક મિસાઇલોથી લેસ અમેરિકાની એક સબમરીન તહેનાત કરવાની તૈયારી છે. જૂનમાં અમેરિકાની આર્મીએ સંયુક્ત અભ્યાસ માટે એક સબમરીન દક્ષિણ કોરિયા મોકલી હતી, જે ક્રૂઝ મિસાઇલથી લેસ હતી.  

ઉત્તર કોરિયાના પરિમાણુ કાર્યક્રમોથી નાટોમાં હડકંપ

ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમોને પગલે પડોશી દેશ દક્ષિણ કોરિયા સહિત ઉત્તરીય એટલાન્ટિક સંધિ સંગઠન (નાટો)માં ખળભળાટ મચી ગયો છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન પર અમેરિકા સહિત કોઈ પણ દેશની ચેતવણીઓ, ધમકીઓ કે પ્રતિબંધોની કોઈ અસર નથી થતી. તેઓ સતત એક પછી એક પરમાણુ કાર્યક્રમોને આગળ ધપાવી રહ્યા છે.

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુ સુક યેઓલે કહ્યું હતું કે ઉત્તર કોરિયાની પરમાણુ મહત્ત્વાકાંક્ષાને અટકાવવા માટે મજબૂત આંતરરાષ્ટ્રીય સંકલ્પને સ્પષ્ટ રૂપે પ્રદર્શિત કરવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું હતું કે તેમની આ સપ્તાહે નાટો (NATO)ના નેતાઓની સાથે ઉત્તર કોરિયાના વધતા હથિયાર ભંડારોથી નિપટવા માટે ચર્ચા કરવાની યોજના છે.