બિહારમાં ખરેખર શું થયું – ભાજપના નેતાઓમાં તકરાર

બિહારમાં હત્યાનો એક બનાવ બન્યો. જમીનના મામલે બે કુટુંબો વચ્ચે લાંબા સમયથી ઝઘડો ચાલતો હતો. તેમાં એક પક્ષે હુમલો કર્યો અને સામા જૂથના ભાજપના એક કાર્યકરના પિતાની હત્યા થઈ ગઈ. આ બિહાર પોલીસનું વર્ઝન છે. દરભંગા જિલ્લાના પોલીસ વડા પોતે બનાવના સ્થળે દોડી ગયા હતા અને તપાસ કરીને બાદમાં આ નિવેદન આપ્યું હતું.

જિલ્લાના પોલીસ વડાને દોડી જવું પડ્યું, કેમ કે આ મામલો રાષ્ટ્રીય સ્તરે ચગ્યો હતો. 65 વર્ષના રામચંદ્ર યાદવની હત્યા. તેમનો દીકરો કમલેશ યાદવ ભાજપનો સ્થાનિક કાર્યકર છે. કમલેશને પણ ઇજાઓ થઈ હતી. તેને સારવાર માટે દવાખાને દાખલ કર્યો ત્યાં પત્રકારો પહોંચ્યા હતા. તેણે દાવો કર્યો કે અમારા ભાડવન ગામમાં એક ચોકને અમે નરેન્દ્ર મોદી ચોક નામ આપ્યું હતું. તેથી કેટલાક લોકોએ નારાજ થઈને અમારા કુટુંબ પર હુમલો થયો.

ગયા અઠવાડિયે જ પેટાચૂંટણીના પરિણામો આવ્યા અને તેમાં લોકસભાની એક અને વિધાનસભાની એક એમ બે બેઠકો લાલુ પ્રસાદ યાદવનો પક્ષ રાષ્ટ્રીય જનતા દળ જીતો ગયો. ભાજપ સાથે ગઠબંધન કરનાર જેડી (યુ)ની હાલત પેટાચૂંટણીમાં ખરાબ થઈ છે. યુપીમાં પણ ભાજપની હાર વચ્ચ આ ઝઘડો થયો અને તેમાં હત્યા થઈ એટલે હત્યાને મોદીવિરોધ તરીકે ખપાવી દેવામાં આવી. નીતિશકુમાર ભાજપના પાટલે બેઠા પછી નબળા પડ્યા છે. ભાજપના હાડોહાડ હિન્દુત્વનો અને નરેન્દ્ર મોદીનો પણ આકરો વિરોધ કરનારા નીતિશકુમાર માટે મોદી ચોકના કારણે બિહારમાં હત્યા થઈ તેવા સમાચાર વધુ મૂઝવણ પેદા કરે તેવા હતા.

તેથી બિહાર પોલીસને તરત જ દોડાવાઈ હતી અને ખુલાસો કરવાની કોશિશ થઈ હતી કે આ સામાન્ય ગુનાખોરી છે અને હત્યા પાછળ જમીનનો ઝઘડો કારણભૂત છે. અગત્યની વાત એ છે કે ઉપમુખ્યપ્રધાન સુશીલકુમાર મોદીએ પણ ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી કે હત્યા ચોકને નામ આપવાને કારણે નથી થઈ. આ ખુલાસા પછી સોશ્યલ મીડિયામાં ભાજપના ભાડૂતી માણસો જોરશોરથી પ્રચાર કરી રહ્યા હતા તેમાં પંચર પડી ગયું હતું.

આ પંચરને ફરી સાંધી લેવા માટે ભાજપના જ બે નેતા કામે લાગ્યા હતા. પોલીસની પણ વાત ખોટી છે એમ બિહાર ભાજપના પ્રદેશપ્રમુખ નિત્યાનંદ રાયે કહ્યું. કેન્દ્રમાં પ્રધાન તરીકે રહેલા બિહારના ભાજપના નેતા ગીરિરાજ સિંહે પણ પોલીસની તપાસને ખોટી સાબિત કરવા માટે નિવેદન આપ્યું. પોતાના જ પક્ષના સિનિયર અને ઉપમુખ્યપ્રધાનને ખોટા ઠરાવવા માટે કેમ પ્રયાસ થયો તે સવાલ ઊભો થાય છે.

રાયે એવું સાબિત કરવાની કોશિશ કરી કે ઝઘડો જમીનનો હતો ખરો, પણ ચોકને મોદી ચોક નામ આપવામાં આવ્યું તેથી ઝઘડો ઉગ્ર બન્યો હતો. ગિરિરાજ સિંહ તો પરિવારના લોકોને મળવા પહોંચી ગયા હતા. તેમણે કહ્યું કે ‘પોલીસ શા માટે હકીકતો છુપાવે છે તે મને ખબર નથી… મરનારા પત્નીએ મને કહ્યું કે તેમણે મોદી ચોકના બોર્ડની વાત કરી ત્યારે પોલીસે તેમને ધમકાવ્યા હતા.’બિહારમાં હવે ભાજપનું પણ રાજ છે. નીતિશકુમાર સાથે ભાગીદારીમાં સરકાર છે, ત્યારે પીએમના નામે બનેલા ચોકના મામલે વિવાદ થાય અને પોલીસ ધમકાવે તે માનવામાં આવતું નથી. બીજું, સ્થાનિક લોકો કહે છે કે મોદી ચોકમાં બોર્ડ મૂકવાનો મામલો તો બે વર્ષ જૂનો છે. તે પણ એવી જમીનમાં મૂકવામાં આવ્યો છે, જ્યાં હજી પ્લોટિંગ થયું છે. સાચા અર્થમાં કોઈ ચોક નથી કે જ્યાં આ વિવાદ થયો હોય.

બીજું કમલેશ યાદવ સીધું આરજેડીના ટેકેદારોનું નામ લે છે. તેનું કહેવું છે કે હાલમાં જ પેટા ચૂંટણીમાં આરજેડીનો વિજય થયો એટલે તેના ટેકેદારોએ દાદાગીરી અને કહ્યું કે હવે તો તેઓ જ જીતવાના છે. તેઓ આ ચોકને લાલુ યાદવનું નામ આપવા માગે છે. કમલેશ યાદવનું આ નિવેદન પણ ગળે ઉતરે તેવું નથી, કેમ કે એક પેટા ચૂંટણીના પરિણામ પછી બીજી જગ્યાએ કાર્યકરો તરત દાદાગીરી કરવા ના લાગે. બીજું ચોકમાંથી એક નામ હટાવીને બીજાનું નામ આપવાની વાત પણ લોજિકલ નથી. સત્તામાં આવેલો પક્ષ નવા ચોકમાં પોતાના પસંદગીના મહાનુભાવોના નામો આપતો હોય છે. તે માટે જૂના ચોકના નામો ઉખેડી નાખવાની જરૂર હોતી નથી.

પેટાચૂંટણીના પરિણામોને કારણે યુપીની જેમ બિહારમાં હલચલ મચી છે. નીતિશકુમારનો સાથ લેવાથી ઉલટાનું નુકસાન થશે કે કેમ તેવું ભાજપનો એક વર્ગ વિચારવા લાગ્યો છે. જો નીતિશ અને લાલુ યાદવની સરકાર ચાલવા દીધી હોત અને તેની કામગીરી સામે અસંતોષ જાગે ત્યારે ભાજપને તેનો ફાયદો મળ્યો હોત તેવી કેટલાકની ગણતરી હતી. તેની સામે સુશીલકુમાર મોદી જેવા નેતા માને છે કે ભાજપે કોઈ એક સ્થાનિક પક્ષનો સાથ લીધા વિના જીતવું મુશ્કેલ છે. બિહારમાં બીજો સ્થાનિક પક્ષ આરજેડી છે, જેની સાથે ભાજપનું જોડાણ ક્યારેય સંભવ નથી. પાસવાન કે જેડીયુમાંથી તોડી પડાયેલા જીતન રામના પક્ષોએ ખાસ કોઈ કાઠું કાઢ્યું નહોતું.

આ આંતરિક રાજકારણના કારણે બિહારની એક ઘટનામાં ભાજપના જ સિનિયર નેતાઓ આમનેસામને આવી ગયા. તેનાથી એ વાતનો પણ અણસાર પણ મળે છે કે લોકસભાની આગામી ચૂંટણી પહેલાં કેવા પ્રકારના દુષ્પ્રચારનો મારો ચાલવાનો છે. અરરિયામાં મુસ્લિમ ઉમેદવાર જીત્યો એટલે ભાજપના નેતાએ જાહેરમાં કહ્યું કે અહીં હવે આઇએસઆઇએસનો અડ્ડો બની જવાનો છે. યુપીમાં પણ પેટાચૂંટણી પહેલા પ્રચારનો ભારે મારો ચાલ્યો હતો. યોગીની પોલીસ એક પછી એક એન્કાઉન્ટર કરી રહી છે. તેનો ફાયદો થશે તેમ લાગતું હતું, પણ તે મુદ્દો ચાલ્યો નથી. ત્યારે નીતિશકુમાર પોતે પણ સાવધ થઈ ગયા છે, કે ભાંગફોડિયા મુદ્દાના કારણે ઉલટાનું નુકસાન પણ થઈ શકે છે. તેમના કહેવાથી જ સુશીલ મોદીએ ભાગલાવાદી પ્રચારને કાબૂમાં રાખવા માટે નિવેદન આપ્યું હતું, પણ આ પ્રચારથી ભાજપને લાભ થશે એવી ગણતરી સાથે બીજા નેતાઓએ તેમને ખોટા પાડીને સામા નિવેદનો આપ્યા છે.

બિહારમાં અરેરિયામાં આરજેડીની જીત પછી બે સ્થાનિક યુવાનોએ ભારતવિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા તેવા આક્ષેપો સાથે ધરપકડ કરાઈ હતી. આ બે યુવાનોનો એક વિડિયો ફરતો કરાયો હતો, જેમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા પાછળ કોઈ બોલી રહ્યું હોવાનો દાવો થયો હતો. જોકે યુવાનોએ કહ્યું કે તેમને ફસાવાયા છે. તેઓ વિડિયોમાં છે, પણ કશું બોલતા નથી. તેમણે કોઈ સૂત્રોચ્ચાર નહોતા કર્યા. આ વિવાદ સાથે દરભંગાનો વિવાદ પણ ચગ્યો એટલે પેટાચૂંટણી પછી માહોલ કેવો થશે તેનો અણસાર મળી ગયો હતો. પેટાચૂંટણીના પરિણામો પછી વિપક્ષ ભાજપ વિરુદ્ધ એક થવાની કોશિશ કરતો લાગે છે, ત્યારે ભાજપના ટેકેદારોમાં ઉશ્કેરાટ જોવા મળી શકે, પણ ભાજપના નેતાઓએ સમજવું જોઈએ કે એક કે બે પેટાચૂંટણી હારવાથી ભાજપ હારી જશે તેમ માની લેવું જરૂરી નથી. હવે એક વર્ષ રહ્યું છે ત્યારે ભાજપના નેતાઓ એક સ્વરમાં બોલશે તેવી અપેક્ષા હોય, ત્યારે એક રાજ્યમાં નાની ઘટનામાં સિનિયર નેતાઓ સામસામી વાતો કરે તેની નવાઈ લાગે તેવું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]