વર્લ્ડ સ્પેરો ડેઃ ચકલીના અસ્તિત્વ માટે બનો મદદરુપ

વલસાડ :- આજે ચકલી દિવસ નિમિત્તે વાત કરીએ ચકલીની તો, કાળઝાળ ગરમીમાં માનવી તો પોતાની તરસ છીપાવી દે છે, પણ ચકલી જેવા અબોલ પંખીઓ તરસ છીપાવવા ક્યાં જાય. આમેય ચકલીનું અસ્તિત્વ લુપ્ત થવા માંડ્યું છે ત્યારે અનેક  જીવદયા સંસ્થા ચકલી જેવા અબોલ પંખીઓ માટે એક સેવાભાવી કાર્યો શરુ કર્યાં છે.ચ…ચકલીનો ચ…..ચ…..આ શબ્દ આપણે નાનપણથી જ શીખતાં આવ્યાં છીએ. પરંતુ, આજે ચકલીનાં દર્શન દુર્લભ થવા માંડ્યાં છે…એક સમયે ઘરમાં ગમે ત્યાં માળાઓ બાંધી દઈ આખા ઘરને ચીં…ચીં…ના અવાજથી ગજાવી દેતી ચકલી હવે ગામનાં સીમાડે પણ માંડ જોવા મળે છે. ચકલી નામનો શબ્દ જાણે કે બાળવાર્તાઓ પૂરતો જ રહ્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાવા માંડી છે. આધુનિક કોંક્રીટના જંગલમાં ચકલી સાવ ખોવાઈ ગઈ છે. માનવીની બદલાતી જીવનશૈલી…મોબાઈલ ટાવરના રેડિએશન,જંતુનાશક દવાઓના વધતાં વપરાશ, વધતાં જતાં શહેરીકરણ વગેરે જેવાં પરિબળોનાં કારણે ચકલીનું અસ્તિત્વ જોખમાયું છે.ગુજરાતમાં ગીધ, કાગડાઓ બાદ હવે ચકલીની સંખ્યા ચિંતાજનક હદે ઘટી રહી છે.ત્યારે, જીવદયા ક્ષેત્રે કાર્યરત વિવિધ સંસ્થાઓએ છેલ્લાં કેટલાક વર્ષથી ચકલી બચાવો ઝૂંબેશ છેડે છે. સંસ્થાઓ દ્વારા વિનામૂલ્યે ચકલીઘર અને પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવે છે.દર વર્ષે વીસમી માર્ચના દિવસની વિશ્વ ચકલી દિન તરીકે ઉજવણી કરાય છે. WWF દ્વારા આ દિન નિમિત્તે એકલાં વલસાડ શહેરમાં 3000 હજાર જેટલાં પક્ષીઘર અને પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવે છે. માનવ સાથે ભળી ગયેલા આ નાનકડા પંખીને લુપ્ત થતું બચાવવા આપણે પણ યથાશક્તિ પ્રયાસ કરવો જોઈએ…નહિતર એક દિવસ આ ચકલી આપણને ફક્ત પ્રાણી સંગ્રહાલયમાં જ જોવા મળશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]