એક ફિલ્મ, જેનું નામ છે ‘જિંદગી’

લોકડાઉન હેઠળનો આ સમય આપણને સૌને કાંઇકને કાંઇક શીખવી રહ્યો છે. જાણે, કુદરત આપણને જિંદગીને નવી જ દ્રષ્ટિથી જોતા શીખવી રહી છે. 

અલબત્ત, આપણા બધા માટે આ દ્રષ્ટિ અલગ અલગ જ હોવાની, પણ આમ છતાં ય કેટલીક બાબતો એવી છે જે આપણને સૌને કાંઇક કહી જાય છે.

શું છે એ?

મુંબઇસ્થિત જાણીતા એડવોકેટ-સોલિસિટર શશાંક શાહ લખે છે કે…

—————————————————————-

20 માર્ચ, 2020ના શુક્રવારની સાંજે આપણામાંના ઘણાયને ખબર નહોતી કે આગામી સોમવારે આપણે આપણી ઓફિસમાં જઈ શકવાના નથી. ભારતમાં લોકડાઉનની શરૂઆત તો 22 માર્ચથી જ થઈ ગઈ હતી. આ ઘટનાની આપણામાંના ઘણા લોકોએ ધારણા રાખી નહીં હોય. એ મોટા આંચકાસમાન હતું. વેકેશનમાં ફરવા જવાનું હોય કે કોઈ પ્રવાસે જવાનું હોય કે બીજા કાર્યક્રમોમાં હાજરી આપવા સહિત આગામી અઠવાડિયા કે મહિના માટે આપણે નક્કી કરેલા બધા પ્લાન વરાળ થઈ ગયા. જાણે એવું લાગ્યું કે આપણે પેલી ‘સ્ટેચ્યૂ’ની ગેમ રમીએ છીએ (જે આપણે નાનપણમાં રમતા હતા). લોકડાઉનને કારણે પરિવહનના તમામ સાધનો પર નિયંત્રણો આવી ગયા અને આખરે બંધ પણ કરી દેવાયા. આપણને માત્ર આપણા ઘરમાં જ રહેવાનું ફરમાન થઈ ગયું. એ બધું એકદમ ઓચિંતું થઈ ગયું. શું બની રહ્યું છે એની આપણને કંઈ સમજ જ નહોતી પડતી. અત્યાર સુધી ચીન, ઈટાલી જેવા દેશોમાં જે બનતું હતું એ હવે ભારતમાં આપણી સાથે બનવા માંડ્યું અને તે પણ આખા ભારતભરમાં!

વેલ… શરૂઆતના આઘાત બાદ આપણે સંજોગો અનુસાર રહેતા થઈ ગયા. શરૂઆતના દિવસોમાં એવું લાગતું હતું કે જાણે આપણે રજા પર છીએ. આપણે બધા શોર્ટ્સ, ટી-શર્ટ્સ અને ઉનાળાની ઋતુમાં પહેરાતા સુતરાઉ વસ્ત્રોમાં આવી ગયા. ટીવી પર આપણા ફેવરિટ શો જોવા માંડ્યા. આરામથી નિંદર કરતા રહ્યા. જ્યારે મન થાય અને જેની ઈચ્છા થાય એ ખાતા રહ્યા. આપણે આપણા સેલફોનને જ વળગી રહ્યા, જાણે કે આપણું જીવન એની પર જ નિર્ભર હોય. ઘરમાં પરિવારજનો સાથે કેરમ બોર્ડ ગેમ રમ્યા. ટૂંકમાં, આ એકદમ જલસાવાળો અનુભવ થયો.

ઘરમાં લોકોની ભૂમિકાઓ ધીમે ધીમે બદલાઈ ગઈ છે. રોજિંદા ક્રમ બદલાઈ ગયા છે. સમયપત્રકો બદલાઈ ગયા છે. પ્રાથમિકતાઓ બદલાઈ ગઈ છે. આપણે દરેક જણે એવી કામગીરીઓ સંભાળવી પડી રહી છે જે અગાઉ આપણે કરી નહોતી. ઘણી ભૂમિકાઓ પલટાઈ પણ ગઈ છે. આમાં ફરિયાદ કે કંકાસ-તકરાર કે દલીલબાજીને અવકાશ રહ્યો નથી. કોઈ પણ કામ કે ભૂમિકા ક્ષુદ્ર કે તિરસ્કારપાત્ર રહી નથી. દરેક ભૂમિકા અને કામગીરીનો ખુશીથી, માનપૂર્વક અને પ્રેમ તથા કરૂણાની લાગણી સાથે સ્વીકાર કરવામાં આવી રહ્યો છે. આ કામગીરીઓ અને ભૂમિકાઓ આપણે સંપૂર્ણ નિષ્ઠા, સમર્પણ અને આપણી પૂરી ક્ષમતા સાથે નિભાવી રહ્યા છીએ. ઉત્તમ રીતે અને પ્રેમથી કામગીરી બજાવી રહ્યા છીએ. આમાં ક્યાંય પૈસાના લાભની વાત નથી. કોઈ સામાજિક પ્રશંસા કે વાહ-વાહની વાત નથી. કોઈ પ્રસિદ્ધિની વાત નથી. માત્ર આત્મસંતોષની લાગણીની અને પ્રસન્નતાની જ વાત છે.

જિંદગીના નાના નાના આનંદનું મહત્ત્વ ઘણું હોય છે. બાળકો સાથે સાપસીડી, વ્યાપાર કે પાસાંની રમત રમવાથી આપણી નાનપણની યાદ ફરી તાજી થઈ. ઘરનાં મોટેરાં, જે રસોડાની કામગીરીઓમાંથી લાંબા સમયથી નિવૃત્ત થઈ ગયા હતા એમના હાથે ફરી બનાવેલી જૂની સ્વાદિષ્ટ વાનગીઓ ફરી ખાવા મળી. બાળકો દ્વારા ઘરમાં કરાતા સફાઈકામ કે રસોઈકામની પ્રશંસા થઈ. જીવનસાથી સાથે નિરાંતે બેસીને ચા પીવાનો જૂનો રોમેન્ટિક સમય પાછો આવ્યો. આપણા જીવન અને આપણા ઘરની દરેક બાબત માટે આપણા પોતાના જ સ્વજનો લાગણી બતાવતા થયા.

આપણને આ માટે આપણા ફેન્સી ડિઝાઈનર કે બ્રાન્ડેડ વસ્ત્રો કે જૂતાંની જરૂર નથી પડી. આપણી કોઈ બિઝનેસ અપોઈન્ટમેન્ટ બાકી રહી નથી. કોઈ ફેન્સી સ્વાદિષ્ટ ભોજનને બદલે સાદું અને ઘરમાં જ બનાવેલું ભોજન ખાતા થયા. આપણા ફેન્સી વાહનો શાંતિથી પાર્ક થઈને પડ્યા છે. આપણા ક્રેડિટ કાર્ડ અને પાકિટ કબાટમાં જ પડ્યા છે. ખર્ચ કરવાનું આપણી પાસે કોઈ કારણ રહ્યું નથી. ઘરની બહાર જવાની ઈચ્છા રહી નથી. એવું લાગે છે કે જાણે આપણે કોઈ અજીબ શહેરમાં મહેમાનની જેમ રહીએ છીએ. ઘડિયાળના કાંટા એની મેળે ફર્યા કરે છે, એમને હવે પહેલાની જેમ આપણને આપણી ભાગદોડવાળી જીવનશૈલી કે જવાબદારીઓની ચિંતાની યાદ અપાવવાની જરૂર રહી નથી. આપણા મન હવે આશ્ચર્યજનક રીતે માનસિક તાણમુક્ત થઈ ગયા છે જે તાણ લોકડાઉન પહેલાં રૂટિન જેવી બની રહેતી હતી. આપણે એક સુરક્ષાકવચમાં ગરકાવ થઈ ગયા છીએ અને એકાંતવાસી થઈ ગયા છીએ. આપણી પ્રાથમિકતાઓ અને અભિરુચિ બદલાઈ ગઈ છે.

હકીકત એ છે કે, રોગચાળો માથા પર ઝળૂંબી રહ્યો હતો તે છતાં આપણે બેદરકાર બનવાનો પ્રયત્ન કર્યો હતો. આ પરિસ્થિતિ કંઈ સ્થાનિક, પ્રાદેશિક કે રાષ્ટ્રીય નહોતી, પણ આંતરરાષ્ટ્રીય સ્તરની હતી. વાસ્તવમાં, આપણો આખો પૃથ્વી ગ્રહ સ્થગિત થઈ ગયો. દરેક જણ – તમામ દેશોના, તમામ માનવીઓ આમાં સામેલ છે, પછી ભલે એ આર્થિક રીતે, ટેક્નોલોજીકલી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ સમૃદ્ધ હોય, ગમે તે ધર્મ કે સંસ્કૃતિના હોય. કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિ કરતાં સારી કે ખરાબ સ્થિતિમાં છે એવું નથી. બધાં જ સમાન રહ્યા છે.

પહેલી પ્રાથમિકતા સલામતીની છે. તેથી આપણે આપણા ઘરમાં ખુદને સુરક્ષિત બનાવી દીધા. રોગચાળો બહાર રહ્યો. ઘરની અંદર જ સીમિત રહેવાનું થતાં શારીરિક જરૂરિયાતો પણ ઓછી જ રહેવાની.

તે છતાં, આપણા મનમાં એકદમ અનિશ્ચિતતા રહી છે. આપણને સવાલ થાય છે કે શું કુદરતે માનવજાત પર આ કોપ ઉતાર્યો છે? આ રોગચાળો કેવી રીતે દૂર થશે? આના પછીની અસર કેવી રહેશે? આ બધું કેટલો વખત સુધી ચાલુ રહેશે? આપણે આપણા અગાઉના જીવનમાં ક્યારે પાછા ફરી શકીશું? આવા અનેક સવાલો મનમાં ફર્યા કરે છે…, પરંતુ એના સંતોષકારક જવાબ મળતા નથી. આ બધી માનસિક ગડમથલમાં ઉમેરો કરે છે સોશિયલ મિડિયા એપ્સ પર સંદેશાઓનો મારો. આપણા મનમાં સતત મૂંઝવણ રહ્યા કરે છે. આપણી માનસિક ફિટનેસ પર જોખમ આવી પડ્યું છે. તેથી માનસિક સ્થિરતા જાળવી રાખવી એ આપણી હવે પછીની પ્રાથમિકતા બનશે. જો આ બાબત પર આપણે ધ્યાન નહીં આપીએ તો આપણે માનસિક તાણ, ચિંતા, ડીપ્રેશન, હતાશાનો ભોગ બની જઈશું. આપણને ઝંખના છે ભાઈચારા અને પ્રેમની. આ પરિસ્થિતિમાં આપણી મદદે આવ્યા છે આપણા સ્વજનો, આપણો પરિવાર, આપણા મિત્રો અને સહયોગીઓ. તકલીફ ભોગવનારાઓ, ગરીબો અને મુસીબતમાં અટવાઈ ગયેલા લોકો માટે કરૂણાનો ધોધ વછૂટ્યો છે. દાન કરવાની ઈચ્છા, સત્કર્મો અને સારા વિચારોએ આપણા શાંત મનમાં સ્થાન જમાવી દીધું છે. આ મન એવા લોકોની સરાહના કરે છે. આપણું મન અને દિલ ઈશ્વર પ્રતિ કૃતજ્ઞ થયા છે જેમણે આપણા દરેક જણ ઉપર એમની દયા વરસાવી છે. આ સમયગાળો છે કંઈક પ્રાપ્ત કરવાનો. આપણા પૃથ્વી ગ્રહની સંભાળ લેવાનો સમય પાકી ગયો છે એવું જણાવતા સારા સંદેશાઓ, પ્રાકૃતિક સૌંદર્યની તસવીરોના ઢગલા સોશિયલ મિડિયા પર થતા જ રહે છે. માનવીઓ ઓચિંતા જ અત્યંત ઉદાર, વિવેકી, પરોપકારી, દયાળુ બની ગયા છે. વધુ મહત્ત્વની વાત એ છે કે અત્યારે આપણે આપણી તમામ ફેવરિટ, ફેન્સી અને મોંઘીદાટ ચીજવસ્તુઓ, આદતો, ભોગવિલાસથી વંચિત થઈ ગયા છીએ ત્યારે આપણને આવા વિચારો આવે છે. વૈભવ અને વિલાસ આપણને અત્યારે અર્થહીન અને ક્ષુલ્લક લાગે છે.

આમ જોવા જઈએ તો આ રોગચાળાથી એક ફાયદો પણ થયો છે. સમગ્ર માનવજાતને સમજાઈ ગયું છે કેઃ (1) કુદરત સામે આપણે લાચાર છીએ. (2) આપણી તમામ ચીજવસ્તુઓ, સંપત્તિ, મોભો, સામાજિક પ્રતિષ્ઠાનું એટલું મહત્ત્વ નથી હોતું જેટલું આપણે સમજતા હતા. (3) આપણે કુદરત અને એની અખૂટ સંપત્તિ વિશે એક ખોટી માન્યતા બાંધી દીધી હતી. (4) વાસ્તવમાં આપણે આપણા સ્વજનો, પરિવારો, મિત્રો, સહયોગીઓને જોવાની સાચી દ્રષ્ટિ જ ગુમાવી દીધી હતી. (5) આપણા જીવનની નાની બાબતો પર ધ્યાન આપવાનો આપણી પાસે સમય કે ધીરજ જ નહોતા રહ્યા. (6) આપણે આપણા સંબંધિત વ્યવસાય, ધંધા અને નોકરીના જીવનમાં ઓતપ્રોત થઈ ગયા હતા. (7) આપણા દિલમાં પ્રેમ, કરૂણા અને કૃતજ્ઞતાનો ભંડાર પડેલો છે. અને (8) આપણી પૃથ્વી એક છે, માનવજાત પણ એક છે. આપણે સૌ એક જ છીએ. મૂળ વાત એ છે કે માનવી બનવાનું કુદરતે આપણને યાદ અપાવ્યું છે.

આ રોગચાળાએ આપણા દિલમાં, મનમાં અને આપણા વર્તનમાં એની ઊંડી છાપ છોડી છે. એણે આપણી સંબંધિત ફિલ્મોમાં… જેને જીવન કહેવાય… એમાં એક ‘ઈન્ટરવલ’ આપ્યો છે.

હવે જ્યારે આપણે આપણા જીવનમાં આપણી સંબંધિત ભૂમિકાઓ ભજવવાનું ફરી શરૂ કરીશું ત્યારે આ સુંદર અનુભવો, વિચારો અને લાગણીને ભૂલીએ નહીં એનું ખાસ ધ્યાન રાખવું પડશે. આપણે એ પણ ભૂલવાનું નથી કે આપણે કુદરતનો એક ભાગ છીએ અને એની પર સર્વોપરિતાનો દાવો કરવાનો નથી. આપણે એ પણ ભૂલવાનું નથી કે આપણે સોશિયલ (સમાજ) છીએ અને એમાં ડિસ્ટન્સિંગ રાખવાનું નથી (એકબીજાથી અંતર રાખીને રહેવાનું નથી). આપણે આપણા જીવનનો આનંદ એને ‘ફાસ્ટ ફોરવર્ડ’ કરવાને બદલે તે જે અવસ્થામાં છે એ રીતે જ માણવાનો છે તે પણ ભૂલવાનું નથી. એને બદલે એને ‘સ્લો મોશન’માં જ ચાલવા દઈએ અને એની ઉત્તમતાને વખાણીએ. એક જ વાક્યમાં કહું તો – ‘આપણે આપણા માનવીય ગુણોને તથા કુદરતને ભૂલીએ નહીં.’

આને આપણે કુદરતની એક નમ્ર સૂચના તરીકે ગણીએ. આપણી સંબંધિત જીવનશૈલીને બદલીએ. આપણા પરિવાર, મિત્રો, સહયોગીઓ તથા અન્ય જીવસૃષ્ટિ પ્રતિ આપણો દ્રષ્ટિકોણ બદલીએ. આપણા વિસ્તારો, શહેરો અને દેશોને બદલીએ. આપણા જગતને… આપણા ગ્રહને બદલવાનો સમય આવી ગયો છે!