ચાલો, સમયનો કરીએ સદુપયોગ…

લોકડાઉનમાં આજે આપણે બધા આપણી જાત સાથે નજર કેદ બની ગયા છીએ. જોકે આ સ્થિતિ હવે થોડાજ વખતની મહેમાન છે. બધું રાબેતા મુજબ ધીમી ગતિએ ચાલતું થઇ જવાનું. છતાં આ સ્થિતિમાં સહુથી મોટો સહારો બની ગયા હતા ઈન્ટરનેટ અને ટેલિવિઝન. ઈન્ટરનેટનો ઉપયોગ આજે આધુનિક જીવન માટે અનિવાર્ય બની ગયો છે. નાના બાળકોથી લઈને મોટા ધર્મગુરુઓ અને સામાન્ય માનવીથી લઈને ડોક્ટર્સ, વૈજ્ઞાનિક દરેકની માટે ઈન્ટરનેટ જેની જરૂરીયાત એ પ્રમાણે જમણો હાથ બની ગયું છે.

જે ફોન અને સોશિયલ મીડીયાને લોકો ગાળો આપતા હતા એ બધાની માટે આજે આ સંકટ સમયની સાંકળ બની ગયું છે. સાવ એકાંતમાં પણ બધાની સાથે હોવાનો ભ્રમ એકલતા ભાંગવામાં મદદ કરી રહ્યો છે.

વિચાર કરીએ આજની સ્થિતિમાં અચાનક ઈન્ટરનેટ સાવ બંધ થઇ જાય તો આવા ગંભીર વાતાવરણમાં આપણો સમય કેમ પસાર થશે? દૂર રહેતા સ્વજનો અને તેમની સ્થિતિ વિષે કેમ જાણી શકીશું? દુનિયાના આ છેડે થી બીજા છેડા સુધીના સમાચારો આજ માધ્યમાં દ્વારા પળવારમાં જાણી શકાય છે. આજે તો ઈન્ટરનેટ એક હાલતી ચાલતી લાઈબ્રેરી, શોધખોળનો ખજાનો, હરતું ફરતું દવાખાનું બની ગયું છે. અહી ભાતભાતના લોકો અને સલાહોનો રોજ ઢગલો ખડકાય છે તેમાંથી તમારે જોઈતું અને મનગમતું વાંચો, જૂઓ અને સમય પસાર કરો.

દરેક સારી ખોટી પરિસ્થિતિ એકજ વસ્તુ કે ટેવને કઈક અલગ રીતે જોવા વિચારવાની તક આપે છે. આજે ફોનકોલ, વિડીયોકોલ દ્વારા ચેટીંગ દ્વારા આજે લાગણીઓનું અરસપરસ આદાન પ્રદાન થાય છે. ભલે રૂબરૂમાં મુલાકાત શક્ય ના બને પરંતુ આ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની સહાયથી રોજીંદી હુંફ લાગણીઓ જળવાઈ રહે છે.

સામાન્ય સ્થિતિમાં કહેતા હતા કે આ બધા ઉપકરણોના વપરાશથી સોશિયલ મીડિયા સાથેના વધુ સંપર્કને કારણે અંગત જીવનમાં કૌટુંબિક પ્રિયજનો સાથેના સંબંધમાં તિરાડ પડે છે દૂરતા આવે છે. જોકે એકરીતે આ વાત સાચી હતી. પરંતુ આજે સમય પસાર કરવાનું હાથવગું સાધન બની ગયું છે.

ગમતી પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવાનું કઈ ખોટું નથી, પરંતુ આમ કરતા જેઓ સાવ નજીક છે પાસે છે તેમને અવગણવા નહિ. મોટાભાગના રોજીંદી બીઝી લાઈફમાં પરિવારને પુરતો સમય આપી શક્યા નથી, તેમની માટે તો આ સુવર્ણ અવસર બની જશે. ગોલ્ડન સમય છે બાળકો સાથે  વિતાવવાનો. એમાય જેમના બાળકો નાના છે તેમની માટે આ સમય જીવનભરની યાદ બનીને રહી જશે તેમાં જરાય શંકા નથી. બાળકો સાથે આપણે ના કરીએ એટલું ઓછું છે.

તેમાંય અમેરિકા જેવા દેશોમાં કે શહેરોમાં જ્યાં માતાપિતા બંને બહાર કામ કરતા હોય ત્યારે નાના બાળકોને ડે કેર કે અર્લી એજ્યુકેશન જેવા સેન્ટરોમાં મૂકવા પડે છે. ના છૂટકે બાળકોને દુર રાખવા પડે છે. આ લોકડાઉનમાં અહી ઘણાને ઘરે રહીને કામ કરવાનો મોકો મળ્યો છે ત્યારે તેમની ખુશી બેવડાઈ ગઈ છે.

એક ઉદાહરણ. પ્રણાલી અને પ્રણવ બંને બહાર કામ કરે છે. આવા સમયમાં તેમની ૩ વર્ષની દીકરી આયાના હાથે મોટી થતી રહી છે. અત્યારે બંનેને ઘરે થી કામ કરવાનું બનતા તેઓ વારાફરતી કામ કરી દીકરીને સાચવી રહ્યા છે. રોજ રાત્રે સુતા પહેલા તેમની દીકરી એકજ પ્રશ્ન પૂછે છે. મોમ-ડેડ કાલે પણ વિકેન્ડ છે ને? ખુબ મઝા પડી ગઈ છે તેને. આમ, બાળકો માટે આ ડિઝનીલેન્ડ જેવું સુખદ સંભારણું બની રહ્યું છે.

મોટાભાગના દરેકે તેમના બાળપણમાં રવિવારના દિવસે સવારમાં અડઘો કલાક પપ્પા સાથે પથારીમાં પડ્યા રહી ધમાલ કરી હશે, ઘરમાં કશુજ કરવા જેવું ના હોય ત્યારે બોર્ડ ગેઈમ જેમકે સાપસીડી, કેરમ, સોગઠા કે કુકીઓ અને અમદાવાદ તથા  સંતાકૂકડી કે પકડદાવ જેવી રમતો રમી હશે. જે લગભગ આજે શહેરોમાં લુપ્ત થઇ ગઈ છે. પ્રદેશમાં તો બાળકોએ આ નામ પણ નથી સાંભળ્યા. એ સુખ એ સંભારણાને ફરી જીવવાનો સમય આવી ગયો છે. બસ, જીવી લઈએ ફરી ફરી અને દુઃખના આ દિવસોને હરાવી દઈએ.

આજે અમેરિકામાં ઘરઘરમાં બાળકો પોતાની દુનિયા છોડીને આવી ગયા છે.  અત્યારની સ્થિતિ પ્રમાણે બહાર બધુજ બંધ છે તેથી તેમની પાસે ગમે કે ના ગમે એકજ વિકલ્પ બાકી છે ઘરમાં રહી સમય વિતાવવો. જેઓ બહાર રહી મિત્રો સાથે વધુ રહેતા તે બધા આજે ફેમીલી સાથે સમય પસાર કરી તેમની વધુ નજીક આવી રહ્યા છે. સમય પસાર કરવાના બહાને પણ નવું શીખી રહ્યા છે.

આપણે બધાને ટૂંકમાં અતિ વ્યસ્તતાના બહાના હેઠળ બાકી રહેલા બધા કામ પુરા કરવાનો સમય મળ્યો છે. દરેકે મનમાં એકજ વિચાર રાખવો જોઈએ કે “આ સમય મારા જીવનભરનું સંભારણું બની રહે”. ઘરમાં દરેક વ્યક્તિ એકબીજાને ગમતું કરે, બધા કામ હળીમળીને કરે તો સમયનો સહુથી સારો ઉપયોગ કર્યો ગણાય. આમ કરવાથી એકબીજાની તકલીફ તેના ગુણ અને ઉણપ સમજી શકાય છે. પ્રેમમાં ચોક્કસ વધારો થાય છે.

પતિ-પત્નિ બંનેની માટે આ દિવસો સંભારણા બની જવા જોઈએ. એવી રીતે જીવી લેવું કે આ મળેલી રજાઓ ફક્ત એકબીજા માટેની ભેટ છે. બાકીના દિવસોમાં ઘડિયાળનાં કાંટા સાથે જીવતા હોય તેઓને અત્યારે સંપૂર્ણ રાહત લાગે છે. સમયની મોટી ભેટ મળી લાગે છે.

ઘરમાં ઘરડા માતાપિતા હોય તેમની સાથે ઘડીભર બેસી ગપાટા મારવાનું કદાચ રોજબરોજની જીંદગીમાં નહિ બન્યું હોય તો આ સમયનો ઉપયોગ કરી તેમની સાથે જુના સંસ્મરણો દોહરાવતા બાળપણમાં આંટો લગાવી અવાશે. આ સમયે તેમના ચહેરાની આભા તમારું બધુજ દુઃખ હળવું કરી નાખશે.

અત્યારે કોઈ સોશિયલ પ્રસંગોમાં કે બહાર જવાનું ના હોવાથી જવાનું, કોઈ દેખાડો કે કોમ્પીટીશન રહ્યા નથી. જીવન સાદાઈમાં સમેટાઈ ગયું છે, બધું જ માત્ર ઘર અને કુટુંબને અનુલક્ષીને ગોઠવાઈ ગયું છે. ક્યારેક એવું લાગે છે કે આપણે સદિયો પાછળ ધકેલાઈ ગયા છીએ, માત્ર ઇલેક્ટ્રિસિટી, ઈન્ટરનેટ અને ટેલીવીઝન વધારાની મળેલી ભેટ છે. કાલની ચિંતા છોડી બસ મનભરીને જીવી લેવું, કારણ કાલે શું કરીશું એ વિચારવાથી આજ અને કાલ બન્ને ભારે લાગશે..

માત્ર તકલીફ પડી રહી છે એ લોકોને જેમને વીકલી પગાર ઉપર જીવવાનું છે. દેશમાં અને પરદેશમાં ઘણા લોકો એવા છે જેમની પાસે પોતાના ઘર નથી સાથે કોઈજ મૂડી નથી. બસ અઠવાડીયાના પગારમાં ચલાવવાનું અને ફરી પગારના દિવસની રાહ જોવાની. જોકે અહીની ગવર્મેન્ટ તરફથી આ સમય માટે દરેક વ્યક્તિ દીઠ ૧૨૦૦ ડોલર્સ અને બાળક દીઠ પાનસો ડોલર્સ ચૂકવ્યા છે. જેથી બધું રાબેતા મુજબ થતા સુધી ઘરખર્ચ નીકળી શકે. દરેક દેશની સરકાર આ કરી શકે તેમ નથી એથી એ લોકોને ચોક્કસ મુશ્કેલીઓ પડવાની.

કોઈ પણ જટિલ સંજોગોમાં, એમાય એકલતામાં જ્યારે કઈ પણ ના કરવા જેવું હોય, ત્યારે ગમતી પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવું જોઈએ. જેથી કરીને વ્યસ્તતામાં આ સમય નીકળી જાય. પ્રવૃત્તિઓની વાત આવે એટલે સહુ પહેલા શોખના વિષયો નજર સમક્ષ આવી જાય છે. આપણા બધામાં કંઈકને કઈ આવડત રહેલી છે, જો  એ પ્રમાણે શોખને વિકસાવવામાં આવે તો વ્યસ્તતા સાથે કશુંક પ્રાપ્ત થયાની ખુશી મેળવી શકાય છે.

જ્યારે સાવ નવરા હોઈએ, ઘરમાં પૂરાએલા હોઈએ ત્યારે કરવા જેવું ઘણું છે જેમકે શોખ પ્રમાણે વાંચન કરવું, લેખન કરવું, જો વાંચવાનો શોખ નથી તો સ્ત્રીઓને ભરવા ગૂંથવાનો કે ફેશનમાં રસ હોય તો એ પ્રમાણે ડીઝાઈનનું કલેક્શન ભેગું કરી શકાય. પુરુષ હોય તો હેન્ડીમેન બની ઘરમાં નાનામોટા ફેરફાર કરી શકે, કેટલાકના મનમાં રસોઈ કરતા શીખવાની ઈચ્છા રહેલી હોય છે તો તેમની માટે આ ગોલ્ડન ટાઈમ છે. મોટાભાગના પુરુષો બહાર કામમાં વ્યવસ્થિત હોય છે, પરંતુ ઘરમાં આળસ રાખે છે. તેઓ આ સમયમાં અસ્તવ્યસ્ત રહેલા પેપર ફાઈલો બધુજ ઓર્ગેનાઈઝ કરી શકે છે.

આ બધામાં વ્યસ્ત રહેવાને કારણે સામાન્ય જીવનમાં તાણ ઉભી થતી હતી. દરેક વ્યક્તિને ફરિયાદ હતી કે સમય મળતો નથી. પરંતુ આજે કોરોનાને કારણે લગભગ બધાને સાવ ઘરમાંજ બેસી રહેવાનું બન્યું છે. બહારના બધાજ સંપર્કો લગભગ બંધ થઇ ગયા છે ત્યારે ખુબ સમય મળી રહ્યો છે. વધારામાં હાથવગા ફોન અને ઈન્ટરનેટ છે.

સમયના અભાવે જે પણ મિત્રો સંબધીઓ સાથે વાતચીત ઘટી ગઈ હોય તેમની સાથે સુખ દુઃખ જાણવા વહેચવા માટે ફોન કરી લેવા જોઈએ. આવા સમયમાં કોઈને પણ યાદ કરશો તો સબંધોમાં મીઠાશ વધી જશે. અને સમય પણ કપાઈ જશે. લગભગ દરેક આ વાતને કબુલ કરશે કે આ સમયમાં જુના સંબધો અને મિત્રો સાથે વાતચીતના દોર સંધાયા હશે, સુખદ અનુભવ થયા હશે.

તણાવની પરિસ્થિતિમાંથી છુટકારો મેળવવા માટેનો સરળ માર્ગ છે ઇન્ટરનેટનો સારો અને સાચી દિશાનો ઉપયોગ. કંટાળા કે એકલતાને ચપટી વગાડતા ભગાવી દઇ શકાય છે. ઘણું વાચવાનું શીખવાનું કે સોશ્યલ સંપર્ક બધું એકજ ક્લિકમાં નજર સમક્ષ મળી જાય છે ત્યારે શું કામ ઉદાસીનતા અનુભવવી. બસ આને વળગણ અને વ્યસન નાં બનાવતા તેનો ઉપયોગ કરતા શીખી લેવું જોઈએ. સમય પસાર કરવા હવે ઓનલાઈન ગેમ પણ ખુબ વધી રહી છે. જેમાં દૂર રહીને પણ સામસામે રમત રમી હારજીતની મઝા માણી શકાય છે.

ઈન્ટરનેટ દ્વારા ઑનલાઇન શોપિંગનું ચલણ વધી ગયું છે જે આજે ખૂબ કામમાં આવે છે. તેના વિકલ્પથી બંધ માર્કેટ હોવા છતાં ઘરેબેઠા જરૂરી વસ્તુઓ આવી જાય છે. ભારતમાં પણ ઓનલાઈન શોપિંગનું ચલણ વધતું ગયું છે જેના દ્વારા આજે સટડાઉન સ્થિતિમાં ઘણા વિકલ્પો ખુલી ગયા છે. છતાં ગામડા અને ગરીબાઈમાં જીવતા લોકો માટે આ સુવિધાઓ સ્વપ્નવત રહી છે.

અમેરિકામાં ગ્રોસરીથી માંડી આલ્કોહોલ પણ ઘરે આવી જાય છે આથી એ પ્રશ્ન પણ હવે સોલ્વ થઇ ગયો છે. જેટલી જરૂર અહી લોકોને કરિયાણાની છે તેટલીજ જરૂરીયાત લોકોને આલ્કોહોલની રહે છે. બીઝી હોય કે નવરા, સુખ હોય કે દુઃખ બસ ડ્રીન્કસ જોઈએ જ. અને એટલે અમેરિકામાં કટોકટીનાં લોકડાઉન ના સમયમાં પણ મોટાભાગના સ્ટેટમાં આલ્કોહોલના વેચાણ ઉપર પ્રતિબંધ મુકાયો નથી.

ઑનલાઇન ચેટિંગ દ્વારા પણ સમય વ્યતીત કરી શકાય છે. જોકે અહી સમયનો વપરાશ ઓછો થાય એટલુજ સારું છે. આમ પણ ફેમિલીની સાથે રહેતા લોકોનું ચેટીંગ ઓછુજ થઇ જાય છે. પોતાને મનગમતી પ્રવ્રીત્તિમાં કુટુંબ અને મિત્રોની ઉપેક્ષા ના કરવી, દુઃખના આપત્તિના આ સમયમાં વ્યસ્ત રહેવું એજ ઉપચાર છે.

પરંતુ જેઓ બીજાની તકલીફો જોઇને પણ ઘણા દુઃખી થતા રહે છે. આવા સમયે ગમે તેટલું ગમતું કરે છતાં તેઓ ખુશ રહી શકતા નથી. વિચારો સમય પ્રમાણે આવતા જતા રહે છે, તેને ડામી દેવા પણ યોગ્ય નથી. આમ કરવાથી સંવેદનશીલતા બુઠ્ઠી થતી જાય છે. આપણી ઉપર દુઃખ આવે તેને સહન કરવા જેમ તાકાત જોઈએ તેમ તેને દુર કરવા માટે પણ હિંમત જોઈએ. કપરા સમયમાં બને તેટલી બીજાઓને મદદ મળી રહે એ માટે પ્રવૃત્તિશીલ રહેવું જોઈએ.

દરેક સમયની એક જરૂરીયાત હોય છે એ પ્રમાણે યથાશક્તિ યોગદાન આપવાથી કંઇક કર્યાની અનુભૂતિ થવાથી મન હળવું થશે. આમ કરીને સમયનો સાચો સદુપયોગ કરી શકાશે.

(રેખા પટેલ- ડેલાવર)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]