બડો ફિલ્મી હતો રમેશ દેવનો બોલિવૂડ પ્રવેશ…

બુધવારે (2 ફેબ્રુઆરીએ) જેમનું 93 વર્ષની વયે અવસાન થયું એ રમેશ દેવ સાથે બેસીને, મસાલા ચાયના કપ ખાલી કરતાં કરતાં, એમનાં ફિલ્મી સંસ્મરણ સાંભળવા એ એક લહાવો હતો. મરાઠી રંગભૂમિથી શરૂ થયેલી એમની છ દાયકાની કારકિર્દીમાં દોઢસોથી વધુ મરાઠી તથા બસ્સોથી વધુ હિંદી ફિલ્મમાં એમણે કામ કર્યું.. આ ઉપરાંત એમણે નાટ્ય-ટીવીસિરિયલનિર્માણ કરેલાં તથા કંઈકેટલી ટીવીઍડ્સ બનાવેલી.

એકાદ દાયકા પહેલાં જામેલી એક બેઠકમાં એમણે હિંદી સિનેસૃષ્ટિમાં એમનો નાટ્યાત્મક પ્રવેશ કેવી રીતે થયો એની ઈન્ટરેસ્ટિંગ સ્ટોરી સંભળાવેલી. કોલ્હાપુરમાં વસતા રમેશ ભાઉ નાટકના શો માટે દૂરસુદૂરના પ્રવાસ ખેડતા. 1960ના દાયકામાં એ નાટકમંડળી સાથે કોલ્હાપુર નજીક આવેલા એક ગામ જઈ હતા. ગ્રુપમાં સામેલ હતા મરાઠી રંગભૂમિના જાજરમાન કલાકારો. રમેશજીનાં પત્ની સીમા દેવ પણ સાથે હતાં. વાટમાં ચા પીવાની તલબ લાગતા એક ધાબા-ટાઈપ રેસ્ટોરાં પાસે હૉલ્ટ લીધો. ફ્રૅશ થઈ ચાનો ઑર્ડર આપ્યો. થોડી વારમાં ચા આવી, પણ ગંદા, ગોબા પડેલા ઍલ્યુમિનિયમના ગ્લાસ જોઈ બધાનો મૂડ આઉટ થઈ ગયો. એવામાં રમેશજીનું ધ્યાન સામે અભરાઈ પર ગોઠવાયેલા સરસમજાના કાચના સ્વચ્છ ગ્લાસ પર ગયું. એમણે ચાવાળાને કાચના પ્યાલામાં ચા સર્વ કરવા કહ્યું તો ચાવાળો માળો હાળો કહેઃ “એ તો વીવીઆઈપી માટે રાખ્યા છે.”

તે વખતે રમેશ દેવ, સીમા દેવ તથા નાટકના લગભગ બધા જ કલાકારો મરાઠી ફિલ્મમાં જામી ગયેલા આર્ટિસ્ટ હતા. એટલે રમેશજીએ ચાવાળાને કહ્યુ- “યાર, અમે બધા પણ વીઆઈપી છીએ, ફિલ્મકલાકારો છીએ. જેમ કે હું પોતે રમેશ દેવ, મરાઠી ફિલ્મનો મોટો સ્ટાર છું.”

ચાવાળાએ દીવાલ પર લાગેલા રાજ કપૂર, નરગિસ, દિલીપકુમાર, દેવઆનંદના ફોટા બતાવતાં કહ્યું, “સ્ટાર તો આ બધા કહેવાય.”

એ વખતે રમેશ દેવને પ્રતીતિ થઈ કે મરાઠી ફિલ્મોમાં ગમેતેટલા મોટા સ્ટાર હોઈએ, હિંદી ફિલ્મમાં કામ નહીં કરીએ ત્યાં સુધી આપણી ઓળખ નહીં ને. બીજે જ દિવસે એમણે મુંબઈમાં ‘રાજશ્રી પ્રોડક્શન્સ’ના સ્થાપક તારાચંદ બડજાત્યાનો સંપર્ક સાધ્યો. નસીબજોગે ‘રાજશ્રી’ એક ફિલ્મનું નિર્માણ શરૂ કરી રહી હતી. એમાં એમને કામ મળી ગયું. એ ફિલ્મ એટલે ‘આરતી’ (1962). અશોકકુમાર-મીનાકુમારી-પ્રદીપકુમાર-ગજાનન જાગીરદાર-શશિકલા જેવા કલાકારોને ચમકાવતી ‘આરતી’માં રમેશ દેવ શશિકલાના હસબંડ બનેલા. પછી તો એમની ગાડી ચાલવા નહીં સડસડાટ દોડવા માંડી.

મોટે ભાગે એમને ખલનાયકના રોલ મળતા. મદ્રાસ (હવે ચેન્નઈ)માં ‘એવીએમ,’ ‘જેમિની’ જેવા સ્ટુડિયોઝની અનેક ફિલ્મોમાં એમણે કામ કર્યું. આપણા ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’ પરથી ગોવિંદ સરૈયાએ બનાવેલી એ જ શીર્ષકવાળી ફિલ્મમાં એમણે કુમુદ સુંદરી (નૂતન)ના પતિ પ્રમાદધનની ભૂમિકા ભજવેલી. આ ઉપરાંત ‘ખિલૌના,’ ‘જૈસે કો તૈસા મિલા,’ ‘આનંદ,’ ‘જીવન મૃત્યુ’ જેવી સેંકડો ફિલ્મોમાં એમણે કામ કર્યું.

સત્યેન બોઝ દિગ્દર્શિત ‘જીવનમૃત્યુ’નો કિસ્સો પણ રસપ્રદ છે. ફિલ્મમાં અજિત-કનૈયાલાલ-રમેશ દેવની ત્રિપુટી મળીને ધર્મેન્દ્રને બૅન્ક ફ્રૉડમાં ફસાવે છે. બદલો લેવા ધર્મેન્દ્ર એક પછી એક એ ત્રણેયને આર્થિક રીતે પાયમાલ બનાવે છે. રમેશ દેવનો વારો આવે છે અને એને જ્યારે ભાન થાય છે કે એનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે ત્યારે એનું મગજ બહેર મારી જાય છે. એ સીનમાં એના અભિનયથી ખુશ થઈને નિર્માતા તારાચંદ બડજાત્યાએ એમને ફી ઉપરાતં વધારાના પાંચ હજાર રૂપિયા આપેલા. તો ‘આનંદ’માં એ રિશિકેષ મુખર્જી પાસે સામે ચાલીને કામ માગવા ગયેલાઃ સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે કામ કરવા મળી જાય તો… અને રીશિદાએ એમને અને પત્ની સીમા દેવને મરાઠી કપલની ભૂમિકા આપેલી.

રમેશ દેવના પુત્રોમાં અજિંક્ય દેવ જાણીતા અભિનેતા છે, જ્યારે અભિનય દેવ એટલે આમીર ખાનવાળી ‘ડેલ્લી બેલી’થી લઈને ‘ફૉર્સ ટુ,’ ‘બ્લૅકમેલ,’ ‘ગેમ’ જેવી ફિલ્મના ડિરેક્ટર.

ઈશ્વર રમેશજીના આત્માને પરમ શાંતિ અર્પે એ જ પ્રાર્થના.