કોરોના બાદ સૌથી વધુ ચર્ચામાં આર્થિક મંદી અને ચીન

ભારતના આર્થિક વિકાસની ગાડીને પૂરપાટ દોડાવવામાં ચીન નિમિત્ત બનશે !
મેક ઈન ઈન્ડિયા’ને સાર્થક  કરવાનો અવસર


ચીનનું  પતન ભારતના વિજયનું વિઝન બની શકે છે, હાલ જયારે યુએસએ , જર્મની, જપાન સહિત મોટાભાગના દેશો ચીનના નીતિ, વ્યુહરચના અને અભિગમથી  નારાજ છે, આક્રોશમાં છે ત્યારે એ દેશોની પહેલી નજર ભારત પર પડવાની આશા ઊંચી થાય એ સહજ છે. ઘણાં દેશો પોતાની કંપનીઓને ચીનથી ભારતમાં શિફટ કરવાનું વિચારવા લાગી  છે,કિંતુ શું ભારત આ માહોલનો લાભ લેવા સક્ષમ છે? મોદી સરકાર આ તકનો લાભ લઈ શકશે? પ્રજામાં આશા અને વિશ્વાસ છે, પરંતુ સરકાર સામે આ બહુ મોટો પડકાર છે, જેને અવસરમાં પરિવર્તિત કરીને ભારત ભાગ્ય વિધાતા બની શકે છે.

સૌથી મોટી ચર્ચાનો ત્રીજો વિષય

કોરોના બાદ સૌથી વધુ ચર્ચામાં હાલ કોઈ વિષય હોય તો એ છે આર્થિક મંદી. કોરોનાની ઘટના જેટલી અસાધારણ, આક્રમક, આંચકાજનક , નિરાશાજનક અને ચિંતાજનક  છે તેટલી જ આર્થિક ઘટનાની પણ છે.  હાલ આખું વિશ્વ આ બે મુદા્  સામે લડી રહયું છે ત્યારે છેલ્લા થોડા દિવસથી જગત સામે લડાઈનો ત્રીજો મુદો્ જોડાયો છે અને વિવાદાસ્પદ અને ચર્ચાસ્પદ બનતો જાય છે. આ મુદો્ છે ચીનનો. લગભગ મોટાભાગના દેશો ચીનથી ખફા-નારાજ છે, એટલું જ નહીં, તેની સામે ક્રોધિત પણ છે અને એક પછી એક દેશમાં  ચીન સામેનો આક્રોશ વધતો જાય છે.  સમજો કે ચીન સામે અનેક મોટા દેશોએ જંગ છેડવાનું શરૂ કર્યુ છે. શું આ બધાં દેશો મળીને ચીન સામે બાથ ભીડી શકશે? કેટલી અને કઈ રીતે? આખા જગતને કોરોના વાઈરસ પધરાવી દેનાર ચીન હાલ પોતે બીજા દેશો કરતા બહેતર સ્થિતીમાં છે અને બીજા બધાં દેશોની વાટ લગાડી બેઠું છે. ખાસ કરીને યુએસએ અને યુરોપના દેશોની તો આ વાઈરસે દશા બેસાડી દીધા છે. ગણતરીના દિવસોમાં આ દેશો આર્થિક -સામાજીક દ્રષ્ટિએ કેટલાંય વરસ પાછળ ધકેલાઈ ગયા છે. આ તમામ દેશોએ એક મોટી અસાધારણ લડાઈ લડવાની આવી છે.

ચીન સામેની લડત માટે કોણ સજજ

સવાલો એ છે કે ચીન સામે લડવા માટે કેટલા દેશો ખરેખર સમર્થ છે. એ ઉપરાંત લડશે તો પણ કેટલો સમય લેશે? શું ગુમાવવાનું આવશે અને શું પામશે? લગભગ અનેક દેશો ચીન પાસેથી સંખ્યાબંધ ચીજ વસ્તુઓ ખરીદતું રહયા છે અને ચીનને નિકાસ પણ કરતા રહયા છે. પ્રાપ્ત થયેલા અથવા વહેતા થયેલા અહેવાલો મુજબ હાલ જર્મની, જપાન સહિત અનેક દેશો ચીનમાંથી પોતાની કંપનીઓને નીકળી જવાની સુચના આપી રહયા છે. અર્થાત ચીનમાં તેમણે સ્થાપેલા પ્લાન્ટ ત્યાંથી ખસેડી અન્ય દેશોમાં શિફટ કરવાની તૈયારી કરી રહયા છે, ઘણાં દેશોએ તો આની પ્રક્રિયા પણ આરંભી દીધી છે. અલબત્ત, આ કામ રાતોરાત થાય એવું નથી અને આસાન પણ નથી. આની અનેકવિધ અસરનો સામનો આમ કરનાર દેશોએ પણ ભોગવવી પડે એમ છે. આ બધાં સંઘર્ષ વચ્ચે ભારત માટે આશાનું એક તેજસ્વી કિરણ ઉભરી રહયુ છે અને આ કિરણ ભારતના અર્થંતંત્રમાં નવો પ્રકાશ લાવી શકે એવું છે.

ભારતનો મહત્ત્વપૂર્ણ નિર્ણય

આમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય ભારતે લીધો છે. ભારતે હવે નક્કી કર્યું છે કે તેની સરહદ જે દેશો સાથે જોડાયેલી છે એ દેશોમાંથી હવે ઑટોમેટિક રૂટ મારફતે પ્રત્યક્ષ વિદેશી રોકાણ આવી શકશે નહીં. આની પહેલાં અનેક દેશોએ ચીન સાથેના વેપારવ્યવહાર બાબતે મોટા-મોટા નિર્ણયો લીધા છે, પણ ભારતે ઉક્ત નિર્ણય લીધો એ ઘણી મોટી વાત કહેવાય. ભારતની સરહદ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીન સાથે છે. એમાંથી પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી આવનારા રોકાણ પર પહેલેથી જ નિયંત્રણો છે. આ વખતના નિર્ણયનો સીધો ઈશારો ચીન તરફ છે.

ભારતમાં મોટાભાગનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ ઑટોમેટિક રૂટથી અર્થાત્ સરકારની મંજૂરી વિના આવે છે, પણ હવેથી ચીનમાંથી કોઈ પણ રોકાણ ઑટોમેટિક રૂટથી આવી શકશે નહીં.

કોરોનાને પગલે સર્જાયેલી નાણાકીય સ્થિતિમાં કોઈ ચીની કંપની ભારતીય કંપનીમાં મોટો હિસ્સો મેળવીને તેના પર આધિપત્ય જમાવવાની કોશિશ કરે નહીં એ દૃષ્ટિએ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સ્પેન, જર્મની અને ઇટલી

અગાઉ, યુરોપના દેશો – સ્પેન, જર્મની અને ઇટલીએ ચીની કંપનીઓ દ્વારા આ રીતે મોટો હિસ્સો ખરીદવામાં આવે નહીં એ વાતની તકેદારી લઈને પ્રત્યક્ષ વિદેશી રોકાણને લગતા નિયમો ચુસ્ત બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સ્પેને અમુક પ્રતિબંધિત ક્ષેત્રોને બાદ કરતાં કંપનીઓમાં વધુમાં વધુ 10 ટકા હિસ્સો પ્રત્યક્ષ વિદેશી રોકાણ દ્વારા ખરીદી શકાય એવો નિર્ણય લીધો છે. ઇટલીએ કોઈપણ કંપનીનું ટેકઓવર કરી શકાશે નહીં એવું નક્કી કર્યું છે. જર્મનીએ પણ ટેકઓવર મુશ્કેલ બનાવ્યું છે. કોરોનાને કારણે વિશ્વભરમાં મંદીનું વાતાવરણ છે.  અમેરિકામાં  કંપનીઓનાં વેલ્યુએશન ઘટી ગયાં હોવાથી ઘણા ઓછા ભાવે શેર મળી રહ્યા છે. આવા સમયે ચીની કંપનીઓ કોઈ પણ રીતે આ સ્થિતિનો ગેરલાભ ઉઠાવે નહીં તેથી સરકારે ત્યાંથી આવનારા પ્રત્યક્ષ વિદેશી રોકાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

ચીનના વુહાન શહેરમાં સૌથી પહેલાં કોરોના વાઇરસ ફેલાયો અને એ શહેર સાથે ઇટલીને ઘનિષ્ઠ વેપારીસંબંધ હોવાથી ઇટલીમાં રોગચાળો વધુ ગંભીર બન્યો.

જર્મનીએ પણ ચીનથી આવનારા રોકાણ બાબતે નિયમો કડક બનાવવાનો નિર્ણય લીધો છે.

ઑસ્ટ્રેલિયામાં પણ ચીનનું ઘણું મોટું રોકાણ છે, છતાં ત્યાં પણ વડા પ્રધાન સ્કોટ મોરિસને કહ્યું છે કે તેઓ આ કટોકટીમાં દેશનું આર્થિક સાર્વભૌમત્વ ટકાવી રાખવા પ્રતિબદ્ધ છે.

કોરોનાનો માર જાપાનને પણ ઘણો મોટો લાગ્યો છે. આથી જ તેણે ચીનમાંથી બહાર નીકળીને બીજે ઉત્પાદન શરૂ કરવા માગતી કંપનીઓને આશરે 2 અબજ ડૉલરની સહાય કરવાનો નિર્ણય લીધો છે. એકંદરે, ચીન નબળી સ્થિતિ ધરાવતા દેશોમાં કંપનીઓ ટેકઓવર કરે એવું પૂરેપૂરું જોખમ હોવાથી બધે સાવચેતીનું વાતાવરણ વધી જાય એ સ્વાભાવિક છે.

મેક ઈન ઈન્ડિયાને સાર્થક  કરવાનો અવસર

જો કે હવે મસમોટો સવાલ એ છે કે શું ભારત ચીન સામેના હાલ ચાલી રહેલા વૈશ્વિક વિવાદનો લાભ લઈ શકવાની સ્થિતીમાં છે ખરું ? બહુ સ્પષ્ટ અને નિખાલસ ભાષામાં કહીએ તો  ભારત હાલમાં અને હજી એટલું સક્ષમ બન્યું નથી, કિંતુ બનવા સક્ષમ છે. આ માટે મોદી સરકારે આક્રમક બનવું પડે અને ભારતની પ્રજાને આમ થવાની આશા અને વિશ્વાસ છે. મોદી સરકાર તરફથી આ માટેનું આયોજન કયારનું  શરૂ થઈ ગયું હોવાનું કહેવાય છે. ગુજરાતે તો ચીનમાં ઉત્પાદન એકમો ધરાવતી વિદેશી કંપનીઓને ગુજરાતમાં આવવાનું આમંત્રણ આપવાનું પણ શરૂ કર્યુ છે. મોદી સરકારના મેક ઈન ઈન્ડિયા સુત્રને સફળ બનાવવાનો આ અદ્ભુત અવસર છે. કિંતુ મોદી સરકાર વિદેશી  સહયોગ વિના આમ કરી શકશે નહીં એ પણ સ્પષ્ટ છે. ભારત પાસે બહુ મોટો યુવા વર્ગ  છે, મોટેપાયે રોજગારી છે, જેનો ઉપયોગ કરવાનો સમય આવ્યો છે. ચીન સામે બાથ ભીડવી સરળ નથી, પણ આ બાથ ભીડવામાં જ ભારત પોતાની જીત મેળવી શકે છે. ચીન વિશે કહેવાય છે એ કોઈનું મિત્ર નથી, તેનો કાયમી અને પૂર્ણ ભરોસો કોઈ કરી શકે નહીં, ત્યાં પારદર્શકતાનો સદંતર અભાવ છે, લોકશાહી નથી અને  ડિકટેટરશીપ જેવો માહોલ છે.

ભારતે ચીન સામે સમર્થ બનવું જોઈશે

ભારત સરકારે ચીન સામે આંખો તો લાલ કરી છે. પણ ભારત પણ ચીન પર ઘણી બાબતો માટે નિર્ભર છે. ચીન જગતનું ઉત્પાદન હબ છે, જયારે ભારત તે હબ બનવાથી ખુબ દુર છે. ભારત પાસે માનવ શકિત છે, સસ્તું લેબર મળી શકે. ભારતમાં રોજગાર સર્જન માટે પણ આ એક જંગી અવસર બની શકે છે. વિદેશી કંપનીઓને આકર્ષીને ભારત જો ચીનને આ મામલે મ્હાત કરી શકે તો ભારત ખરાં અર્થમાં વિકાસને માર્ગે પુરપાટ દોડવા સમર્થ બની શકે. આ યુધ્ધમાં ભારતનું બધું બરાબર પાર પડે તો ભારતનું ભાગ્ય પણ બદલાઈ શકે. જે કાર્ય છેલ્લા સાત વરસમાં મોદી સરકાર તરફથી થઈ શકયું નથી એ આગામી ત્રણ વરસમાં થઈ શકે. અહીં એ નોંધવું જરૂરી છે કે કોરોનાના આ કપરાં કાળમાં ભારતે વિશ્વના વિવિધ દેશો સામે પોતાનું સંગીન ચિત્ર મુકયું છે. ભારતે યુએસએને દવા માટે સહાય કરી ઉજજવળ દાખલો બેસાડયો છે. ચીનથી ખફા વિવિધ રાષ્ટ્રો પાસે ભારતથી બહેતર વિકલ્પ નથી એમ કહી શકાય નહીં, કિંતુ  જો છે તો એ  મર્યાદિત છે. એટલે જ  ચીનમાંથી સ્થળાંતર કરનારી કંપનીઓ ભારત આવવાની શકયતા વધુ છે. ચીનના આ પતનમાં ભારતના વિજયનું વિઝન બની શકે. મોદી સરકારને અર્થતંત્રનો ઉધ્ધાર કરવાની એક નવી તક મળી રહી છે.

  • જયેશ ચિતલિયા (આર્થિક પત્રકાર)