કરચોરી કરતા બ્રોકર્સ-ઈન્વેસ્ટર્સ ઈન્કમ ટેક્સની જાળમાં

ડેરિવેટિવ્ઝના સોદામાં ગેરરીતિ આચરીને મોટેપાયે કરચોરી કરતા બ્રોકર્સ-ઈન્વેસ્ટર્સ ઈન્કમ ટેક્સની જાળમાં આવી ગયા
મુંબઈ, દિલ્હી, કોલકાતા અને હૈદરાબાદ સહિત 150 સ્થળોએ ઈન્કમ ટેક્સ વિભાગના સર્વે-સર્ચ


કેટલાંક શેરદલાલો પોતે અથવા પોતાના ગ્રાહકો માટે ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં પણ ગરબડ કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. આમાં પણ ખાસ કરીને ઓપ્શન્સના સોદામાં ગેરરીતિ આચરવામાં આવે છે, તે પણ ઈલલિક્વીડ (અપ્રવાહી- અર્થાત જેમાં નજીવા સોદા પડતા હોય યા પડતા જ ન હોય) સ્ટોક્સના ઓપ્શન્સના સોદામાં. આમ કરવાનું કારણ સોદામાં કમાણી કરવાનું નહીં, બલકે એ સોદા મારફત ઈન્કમ ટેક્સની ચોરી કરવાનું લક્ષ્ય હોય છે અને તેથી જ આ ગેરરીતિ સ્ટોક એક્સચેંજે નહીં, કિંતુ ઈન્કમ ટેક્સ વિભાગે પકડી પાડી છે.

ડેરિવેટીવ્ઝના સૌથી વધુ સોદા માત્ર નેશનલ સ્ટોક એક્સચેંજ પર થતા હોવાથી મોટાભાગની ગેરરીતિ પણ આ એક્સચેંજના બ્રોકરો-ગ્રાહકો દ્વારા થઈ રહી છે.

બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઈ) પર આવા સોદાઓનું પ્રમાણ સાવ જ નજીવું યા નહીંવત્ છે, જેથી બીએસઈ પર આમ થવાની શકયતા નથી. જ્યારે એનએસઈમાં આ સેગમેન્ટમાં મહત્તમ સોદા (દૈનિક લાખો કરોડ રૂપિયાના) થાય છે. જો કે ‘સેબી’એ બંને એકસચેંજના સોદા ચકાસવાનું રાખ્યું છે.

ઈન્કમ ટેકસ વિભાગે દિલ્હી, મુંબઈ, કોલકાતા અને હૈદરાબાદ સહિત દેશના 150 સ્થળોએ સર્વે અને સર્ચ કામગીરી આદરીને આ કરચોરી પકડી છે.

આશરે વીસ હજાર લોકોએ આ ટ્રેડ મેનિપ્યુલેશન મારફત અંદાજિત રૂ. 80,000 કરોડની કરચોરી કરી હોવાનું અનુમાન છે.

આ વિષયમાં નિયમનકાર ‘સેબી’એ પણ તપાસ કરી છે, જેણે છેલ્લા પાંચ વરસના સોદાના ડેટા ચકાસવાનું શરૂ કર્યુ છે. આમાં, કેવાયસી, સર્વેલન્સ ડેટા સહિત વિવિધ પ્રકારની ગેરરીતિ ‘સેબી’ના ધ્યાનમાં આવી છે.

આ તપાસમાં જેમણે રૂ. પાંચ લાખ કે તેનાથી વધુ મૂલ્યના સોદા કર્યા છે તેમને આવરી લેવામાં આવ્યા છે. અપ્રવાહી સ્ટોક્સમાં ઓપ્શન્સના સોદા કરી ઈન્વેસ્ટરો અને ટ્રેડિંગ મેમ્બર્સ તેમાં કૃત્રિમ લોસ દર્શાવીને પોતાના વાસ્તવિક નફા પરનો ટેક્સ બચાવી લેવાની પ્રવૃતિ કરતા રહ્યા હતા. આમ બ્રોકરો-ઈન્વેસ્ટરો લોસના સોદામાંથી પણ કમાઈ લેવાની પ્રવૃતિ કરી રહ્યા છે. આ કરચોરીનું કૌભાંડ તપાસ બાદ વધુ મોટા સ્વરૂપે બહાર આવે તો નવાઈ નહીં.