EB-5 વિઝાઃ અમેરિકામાં સ્થાયી થવાનો એક્સપ્રેસવે

ઈન્વેસ્ટમેન્ટ દ્વારા ૧૦ અમેરિકન નોકરીનું નિર્માણ કરો અને
મેળવો અમેરિકાનું ગ્રીન કાર્ડ. અમેરિકાના ઈમિગ્રેશન કાયદાના અનુભવી સલાહકાર દીપેશ દેશમુખ આપે છે આ વિશે સરળ સમજ…


દુનિયાના સૌથી શક્તિશાળી, લોકતાંત્રિક અને લેટેસ્ટ ટેક્નોલોજીઝથી સતત પ્રગતિશીલ રહેતા દેશ અમેરિકામાં કાયમી વસવાટ કરવાની ઈચ્છા કોને ન થાય. અમેરિકાનું ગ્રીન કાર્ડ એટલે કે અમેરિકામાં વસવાટ કરવા માટેનું પરમેનન્ટ રેસિડન્સી કાર્ડ, અમેરિકાના ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ હેઠળ વસાહતીઓને ઈસ્યૂ કરાતો દસ્તાવેજ છે. આ કાર્ડ મેળવવાનું કંઈ આસાન નથી હોતું. લોઢાનાં ચણા ચાવવા જેવું કઠિન કામ હોય છે. એ માટે કાયદાની કડક પ્રક્રિયામાંથી પસાર થવું પડે. પરંતુ, અમેરિકામાં પણ બેરોજગારીની સમસ્યા વધી રહી હોવાથી ત્યાંની ચિંતિત થયેલી સરકારે અમેરિકામાં સ્થાયી થવા માગતા વિદેશી નાગરિકો માટે એક નવો વિઝા કાર્યક્રમ (અથવા કેટેગરી) શરૂ કર્યો છે જેનું નામ છે – EB-5 વિઝા. એટલે કે એમ્પ્લોઈમેન્ટ બેઝ્ડ કૅટેગરી ફાઈવ યોજના.

દુનિયાના ઘણા દેશ ફોરેન ઈન્વેસ્ટમેન્ટને આકર્ષિત કરવા માટે વિદેશી રોકાણકારને કાયમી નિવાસની ઑફર કરે છે ને થોડાંક વર્ષમાં નાગરિકત્વ પણ આપે છે. અમેરિકામાં એટલે કે એમ્પ્લોઈમેન્ટ બેઝ્ડ કૅટેગરી ફાઈવ યોજના થકી વર્ષે ૧૦,૦૦૦ ગ્રીન કાર્ડ આપવામાં આવે છે, પણ દેશદીઠ ૭૦૦ ગ્રીન કાર્ડની મર્યાદા છે. ચીન એના ક્વોટાનો પૂરો ઉપયોગ કરે છે તો હવે ભારતીય અરજીકર્તાની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે, કારણ કે ઉચ્ચ જીવનશૈલી અને કારકિર્દીની વિશાળ તકને કારણે ભારતીયોને અમેરિકાનું હંમેશાં ખેંચાણ રહ્યું છે.

દીપેશ દેશમુખ: અમેરિકામાં 10 અમેરિકન નોકરીઓનું નિર્માણ કરો તો જ તમને ગ્રીન કાર્ડ મળે

ઈબી-5 ઈમિગ્રન્ટ ઈન્વેસ્ટર પ્રોગ્રામ વિદેશી નાગરિકોને અમેરિકામાં માન્યતાપ્રાપ્ત પ્રોજેક્ટમાં મૂડીરોકાણ કરીને અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવાની તક આપે છે. પરંતુ આ કાર્યક્રમ કે યોજનાની આંટીઘૂંટી સમજવી જરૂરી છે અને જાણીતા અમેરિકાના ઈમિગ્રેશન કાયદાના નિષ્ણાત અને અનુભવી સલાહકાર દીપેશ દેશમુખ ‘ચિત્રલેખા’ને એક્સક્લુઝિવ મુલાકાત દ્વારા આપે છે વાચકોને આસાન અને વિસ્તૃત રીતે જાણકારી.

ઈબી-5 શું છે?

દીપેશ દેશમુખ સમજાવે છે કે, ઈબી-5 ઈમિગ્રન્ટ ઈન્વેસ્ટર પ્રોગ્રામ વિદેશી નાગરિકોને માન્યતાપ્રાપ્ત પ્રોજેક્ટમાં મૂડીરોકાણ કરીને અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવાની તક આપે છે. અરજીકર્તા પોતાના માટે તથા જીવનસાથી અને ૨૧ વર્ષથી ઓછી વયનાં સંતાનો સાથે અમેરિકાના કાયમી વસવાટનો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. આ માટે અરજીકર્તાએ ટાર્ગેટેડ એમ્પ્લોઈમેન્ટ એરિયા (TEA)માં પાંચ લાખ યુએસ ડૉલર અથવા તો અન્ય વિસ્તારમાં ૧૦ લાખ ડૉલરનું મૂડીરોકાણ કરવાનું રહે છે. અરજીકર્તા સ્વબળે મૂડીરોકાણ કરીને દસ નોકરીનું સર્જન કરે કે પછી યુએસ સિટિઝન ઍન્ડ ઈમિગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઈએસ) દ્વારા માન્યતા મેળવેલા રિજનલ સેન્ટર વડે સંચાલિત કોઈ પ્રોજેક્ટમાં ઈન્વેસ્ટર તરીકે જોડાય એવા વિકલ્પ એને મળે છે.

દેશમુખનું કહેવું છે કે ઈબી-5 એક એવી વિઝા કેટેગરી છે જેમાં તમે અમેરિકામાં નાણાં ઈન્વેસ્ટ કરી શકો છો અને તમારા આ મૂડીરોકાણના આધારે એ દેશ તમને ગ્રીન કાર્ડ આપે છે. પરંતુ, આમાં સમજી લેવાની જરૂર એ છે કે માત્ર પૈસા ઈન્વેસ્ટ કરવાથી અમેરિકા સરકાર તમને ગ્રીન કાર્ડ નથી આપતી, પણ તમે અમેરિકામાં 10 અમેરિકન નોકરીઓનું નિર્માણ કરો છો એટલા માટે જ તમને ગ્રીન કાર્ડ આપે છે.

(ઈબી-5 વિશે દેશમુખ દ્વારા વિડિયો સમજ)


અમેરિકામાં કેટલા પૈસા ઈન્વેસ્ટ કરવા જોઈએ?

જવાબ છેઃ 9 લાખ યુએસ ડોલર અને 18 લાખ યુએસ ડોલર.

દેશમુખ વિગતવાર સમજાવે છેઃ EB-5 પ્રોગ્રામ વાસ્તવમાં છેક 1990માં લોન્ચ થયો હતો. એ વખતે એવું નક્કી કરાયું હતું કે જે વિદેશી ઈન્વેસ્ટરો અમેરિકામાં 10 લાખ યુએસ ડોલર ઈન્વેસ્ટ કરે અને 10 નોકરીનું સર્જન કરે છે તો એ વ્યક્તિના પૂરા પરિવારને એટલે કે – વ્યક્તિને, એના જીવનસાથીને, તથા 21 વર્ષની નીચેની વયના એનાં તમામ અપરિણીત સંતાનોને ગ્રીન કાર્ડ આપવામાં આવશે. પરંતુ આમાં એક પ્રશ્ન એ પણ ઉદ્દભવ્યો હતો કે મેનહટ્ટન, લોસ એન્જેલીસ, ઓર્લેન્ડો જેવા અમેરિકાના મોટા શહેરો અને ફ્લોરિડા જેવા રાજ્યોનાં અનેક સ્થળોએ તો વિકાસ થતો રહ્યો, પણ નાના સ્થળોએ બેરોજગારીનું પ્રમાણ ઉંચે જ રહ્યું. તેથી અમેરિકન સરકારે નક્કી કર્યું કે દેશના એવા વિસ્તાર કે જ્યાં બેરોજગારીનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં 150 ટકાથી વધારે છે એવા TEA વિસ્તારોમાં જો લોકો કોઈ પ્રોજેક્ટમાં ઈન્વેસ્ટમેન્ટ કરવા માગતા હોય તો એમને માટે રકમ 10 લાખ ડોલરને બદલે ઘટીને પાંચ લાખ ડોલર રહેશે, પરંતુ એમને માટે નોકરીઓના નિર્માણની સંખ્યા તો 10 જ રહેશે, એ ઘટીને પાંચ નહીં થાય.

દેશમુખ વધુ જાણકારી આપતા જણાવે છે કે મોંઘવારીને કારણે હવે અમેરિકામાં આ વિશેનો કાયદો પણ બદલાયો છે. સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે કે 10 લાખ ડોલરની કિંમતવાળા પ્રોજેક્ટમાં હવે 18 લાખ ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ કરવાનું રહેશે અને પાંચ લાખ ડોલરવાળો કોઈ પ્રોજેક્ટ હોય તો એ માટે 9 લાખ યુએસ ડોલરનું મૂડીરોકાણ કરવાનું રહેશે. આ ફેરફાર આ વર્ષની 21 નવેંબરથી લાગુ થશે. 21 નવેંબર પછી અમેરિકામાં ઈમિગ્રેશનને લગતા કાયદા બદલાઈ જશે.

આ 21 નવેંબરની તારીખનું એક મહત્ત્વ છે. ધારો કે તમે ઈન્વેસ્ટમેન્ટ માટે આજે ફાઈલિંગ શરૂ કરો છો, તમારા પૈસા ટ્રાન્સફર થઈ ગયા તો તમને પાંચ લાખ ડોલરમાં EB-5 ગ્રીન કાર્ડ મળશે. પરંતુ જો તમારી પ્રક્રિયા 21 નવેંબર સુધીમાં પૂરી ન થઈ શકે તો તમારે 9 લાખ યુએસ ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ કરવાનું રહેશે. એવા કેસમાં, જો તમે પાંચ લાખ ડોલર આપ્યા હોય તો તમારે એનો ડિફરન્સ અમાઉન્ટ એટલે કે ચાર લાખ ડોલર વધારે ચૂકવવાનો રહેશે. તો જ તમને ગ્રીન કાર્ડ મળશે.

સંતાનો માટે ગ્રીન કાર્ડઃ અરજદાર લે આ ખાસ તકેદારી

ઘણા લોકો એવું કહે છે કે એમને સ્વયંને માટે નહીં, પરંતુ એમના સંતાનોની સુવિધા માટે યુએસ ગ્રીન કાર્ડ જોઈએ છે. તો દેશમુખ સમજાવે છે કે EB-5 કેટેગરી હેઠળ ગ્રીન કાર્ડ માટેની શરત એ છે કે અરજદારના 21 વર્ષથી ઓછી વયના અપરિણીત સંતાનને ગ્રીન કાર્ડ મળે. સંતાનની વય અરજદાર દ્વારા ઈન્વેસ્ટમેન્ટ ફાઈલિંગ વખતે નહીં, પરંતુ ગ્રીન કાર્ડ મંજૂર થાય એ વખતે 21 વર્ષ પૂરી થઈ હોવી ન જોઈએ. જો એ વખતે સંતાન 21 વર્ષની ઉંમર વટાવી ગયા હશે તો એમને ગ્રીન કાર્ડ નહીં મળે. ગ્રીન કાર્ડ માટેની પ્રક્રિયા પૂરી થતાં સામાન્ય રીતે ત્રણેક વર્ષ લાગી જાય છે. તેથી જો અરજદારના સંતાનની વય આજે 16 વર્ષ કે તેથી ઓછી હોય તો એમને ગ્રીન કાર્ડ મળવાની શક્યતા વધારે રહેશે.


EB-5નાં લાભ કયા? આનાથી આપણને શું મળે

જો તમારી પાસે ગ્રીન કાર્ડ હોય તો તમે અમેરિકાના દરેક નાગરિકની જેમ બધા જ અધિકારો મેળવી શકો છો. માત્ર તમને એ દેશની ચૂંટણીમાં મતદાન કરવાનો હક હોતો નથી.

ત્રણથી પાંચ વર્ષ

શરતી ગ્રીન કાર્ડ અપાય તે પછી પરિવાર સાથે અમેરિકા જઈ શકો છો અને રહેવાનું શરૂ કરી શકો છો. તમારાં સંતાનો ત્યાં શાળામાં ભણવાનું પણ શરૂ કરી શકે છે. ત્યાં 12મા ધોરણ સુધી શાળામાં કોઈ ટ્યૂશન ફી હોતી નથી. ભણવાનું ફ્રી હોય છે. ઘણા જ ફાયદા છે. ઘણા લોકો સંતાનોને ખાતર જ પ્રોજેક્ટોમાં મૂડીરોકાણ કરે છે.

સ્વયંને માટે કયા અધિકાર?

ધારો કે તમારે અમેરિકામાં જઈને બિઝનેસ કરવો છે તો ત્યાંની બેન્ક તમને બેન્ક લોન આપશે. સામાન્ય રીતે જે લોકો વિઝા પર અમેરિકામાં આવ્યા હોય એમને બેન્ક લોન આપવાનું પસંદ નહીં કરે, કારણ કે એમને ખબર હોય છે કે આ લોકોને છ-સાત વર્ષે અમેરિકા છોડીને જવાનું થશે, પરંતુ, જો તમારી પાસે ગ્રીન કાર્ડ હોય એટલે કે તમે અમેરિકાના રહેવાસી હો તો બેન્ક તમને ત્યાંના વર્તમાન વ્યાજદર ઉપર બિઝનેસ લોન આપશે. મતલબ કે ગ્રીન કાર્ડધારક અમેરિકામાં બહુ નિરાંતપૂર્વક બિઝનેસ શરૂ કરી શકે છે. અમેરિકામાં બિઝનેસ કરવા માટેનું વાતાવરણ બહુ જ સરસ છે.

અમેરિકામાં તમે ગમે ત્યાં રહી શકો છો, સેટલ થઈ શકો છો

ઘણાયને એક સમાન સવાલ સતાવે છે – અમેરિકામાં રહેવા વિશેનો. તો દેશમુખ સમજાવે છેઃ જો તમારી પાસે ગ્રીન કાર્ડ હોય તો તમે અમેરિકાના કોઈ પણ સ્થળે રહી શકો છે. મતલબ કે એવું નથી કે તમે ન્યુ યોર્ક કે ફ્લોરિડામાં કોઈ EB-5 પ્રોજેક્ટમાં મૂડીરોકાણ કર્યું હોય તમારે ત્યાં જ રહેવું પડે, એવું નથી. તમે અમેરિકામાં તમારી ઈચ્છા મુજબ ગમે ત્યાં સેટલ થઈ શકો છો. એમાં કોઈ નિયંત્રણ નથી.

શરતી ગ્રીન કાર્ડ મળશે

EB-5માં મૂડીરોકાણ કરનારે શરૂઆતમાં બે વર્ષ સુધી શરતી ગ્રીન કાર્ડ પર રહેવું પડે છે. ધારો કે તમે 21 મહિના સુધી અમેરિકામાં શરતી ગ્રીન કાર્ડ પર રહ્યા તો ત્યારબાદ તમારા અટર્ની તમારા વતી વિનંતી કરશે કે ગ્રીન કાર્ડ પરની શરત દૂર કરવામાં આવે.

શરતો આ પ્રમાણેની હોય છેઃ

એક, તમારે ઓછામાં ઓછા છ મહિના અમેરિકામાં રહેવું પડશે. આ છ મહિના સતત નહીં, તમે અન્ય દેશમાં પ્રવાસે જઈ શકો છો. પણ તમારે ઓછામાં ઓછા છ મહિના અમેરિકામાં રહેવું પડશે. બીજી શરત એ છે કે, તમારે અમેરિકામાં પ્રોજેક્ટ અંતર્ગત ઓછામાં ઓછી 10 નોકરીઓનું નિર્માણ કરવાનું છે. એ લોકો ચેક કરશે કે તમે 10 નોકરીનું નિર્માણ કરાવ્યું કે નહીં. જો દસ નોકરીનું નિર્માણ થઈ ગયું હશે તો તમે સુરક્ષિત છો. ત્રીજી શરત એ કે એ લોકો ચેક કરશે કે તમે રોકેલા નાણાં હજી પ્રોજેક્ટમાં જ છે કે તમે ઉપાડી લીધા. આ બધી શરતથી એમને સંતોષ થશે તો તેઓ શરત દૂર કરશે અને તમને બિનશરતી ગ્રીન કાર્ડ આપશે એટલે કે ફૂલ પર્મેનન્ટ રેસિડેન્સી. શરતી અને બિનશરતી ગ્રીન કાર્ડમાં ફરક જેવું ખાસ કંઈ જ નથી. બંનેમાં અધિકાર સમાન જ મળે છે. પાંચ વર્ષ બાદ તમે અમેરિકી નાગરિકત્વ અથવા પાસપોર્ટ માટે અરજી કરી શકો છો.

EB-5 રિજેક્ટ થવાની શક્યતા કેટલી?

ઈબી-5નું ઈન્વેસ્ટમેન્ટ અરજીકર્તાએ કાયદેસરના સ્રોતથી મેળવેલું હોવું જોઈએ. સંબંધી કે મિત્રો પાસેથી મેળવેલી આર્થિક મદદ કે લોન અપાત્ર ન ગણાય, પણ યોગ્ય દસ્તાવેજ જરૂર હોવા જોઈએ. અમેરિકી સત્તાવાળાઓ ચેક કરે છે કે તમે પ્રોજેક્ટમાં જે પૈસા રોકી રહ્યા હો એ તમે ક્યાંથી લાવ્યા છો. તમે બતાવી શકો છો કે આ નાણાં તમે નોકરીમાંથી બચત કરેલા છે કે, કોઈ ઘર વેચીને ઊભા કર્યા છે, ધંધામાં થયેલી કમાણીના છે કે એફડીના છે વગેરે – ટૂંકમાં, તમારે સોર્સ ઓફ ફંડ બતાવવું પડે છે. તમારાં નાણાંના સ્ત્રોત સ્વચ્છ છે એવું તમે એકવાર જણાવી દો તો તમારી EB-5 અરજી રિજેક્ટ થવાની કોઈ શક્યતા રહેતી નથી. એ લોકો ચેક કરશે કે તમે જે નાણાં અમેરિકામાં ટ્રાન્સફર કરવા માગો છો એની પર તમે ભારતમાં ટેક્સ ભર્યો છે કે નહીં, તમારા રિટર્ન્સ પણ ચેક કરશે. અમેરિકાના એટર્નીઓ પણ તમને સોર્સ ઓફ ફંડ્સને ઓળખવામાં મદદ પણ કરે છે.

બીજું એ કે પ્રોજેક્ટ ઈન્વેસ્ટમેન્ટના પૈસા માત્ર ભારતમાંથી કમાયેલા હોય એવી પણ કોઈ શરત નથી. તમે એ પૈસા વિદેશમાં પણ કમાયેલા હોઈ શકે, કે અમેરિકામાં જ તમારા કોઈ સગાંસંબંધીએ તમને ગિફ્ટમાં પૈસા આપ્યા હોય અને એ તમે અમેરિકામાં જ ઈન્વેસ્ટ કરવા માગતા હો. એ માટે એક ગિફ્ટ ડીડ કરવાનું રહે છે.

તમે રોકેલા નાણાંમાંથી અમેરિકામાં 10 નોકરીનું નિર્માણ થયું કે નહીં તે એ લોકો ચેક કરશે. જો નિર્ધારિત સંખ્યામાં નોકરીઓનું નિર્માણ થયું નહીં હોય તો તમને ગ્રીન કાર્ડ નહીં મળે.

રીજનલ સેન્ટર મારફત મૂડીરોકાણ શા માટે?

ઘણા લોકો એવું ઈચ્છતા હોય છે કે તેઓ પોતાના જોરે અમેરિકામાં ધંધો કરશે અને EB-5 મારફત ગ્રીન કાર્ડ મેળવશે. પરંતુ દીપેશ દેશમુખ એમને એવું કરવાની સલાહ આપતા નથી. કારણ કે, આમાં નાણાંનું જોખમ બહુ જ મોટું થઈ જાય છે. EB-5 મંજૂરીઓ મેળવવામાં જ બે-ત્રણ વર્ષ નીકળી જાય છે. વળી, તમારે 10 નોકરીઓનું નિર્માણ કરી એને પાંચ વર્ષ સુધી જાળવી રાખવી પડે. 1992થી શરૂ કરવામાં આવેલા રીજનલ સેન્ટર મારફત ઈન્વેસ્ટમેન્ટનો વિકલ્પ સારો એટલા માટે છે કે 10 નોકરીઓનું નિર્માણ કરવાની જવાબદારી તમારી નહીં, પણ એ સેન્ટરોની થઈ જાય છે. તમારે કામદારોને શોધવા જવું પડતું નથી, એવું તેમનું કહેવું છે.

(ઈબી-5 યોજનાનાં લાભ વિશે દેશમુખ દ્વારા વિડિયો સમજ)

 


EB-5માં ઈન્વેસ્ટમેન્ટના રહેલા જોખમ વિશે પણ જાણી લો
અમેરિકાના આ પ્રોગ્રામ અંતર્ગત પૈસાનું મૂડીરોકાણ કરવામાં જોખમ છે? શું મારા પૈસા ડૂબી તો નહીં જાય ને? પૈસા પાછા મળશે તો ખરાને? અમુક લોકો કહે છે કે અમને રોકેલા નાણાં પર ગેરન્ટીડ રિટર્ન જોઈએ..

તો દેશમુખ સમજાવે છે કે EB-5નો કાયદો એકદમ સ્પષ્ટ છે. કાયદો કહે છે કે, ધંધામાં પૈસા રોકવામાં તો હંમેશાં જોખમ રહેવું જ જોઈએ. હવે EB-5ને લગતા પ્રોજેક્ટોમાં ઈન્વેસ્ટ કરવામાં જોખમ 1 ટકો છે કે 99 ટકા એ તમારે જાતે ચેક કરવાનું, એનો અભ્યાસ કરવાનો કે તમે જે પ્રોજેક્ટમાં પૈસા રોકવા માગતા હો એ શેને લગતો છે, એમાં બાંધકામ શરૂ થયું છે કે, પૂરું થયું કે નહીં વગેરે. મતલબ કે જો તમે સતર્ક રહેશો તો તમારા પૈસાનું જોખમ ઓછું રહેશે.. પરંતુ જો તમને કોઈ લેખિતમાં ગેરન્ટી આપે કે અમે તમને તમે રોકેલા પાંચ લાખ ડોલર પાંચ વર્ષ બાદ ગેરન્ટી સાથે પાછા આપીશું તો તમને પૈસા ચોક્કસ પાછાં મળશે, પરંતુ તમને ગ્રીન કાર્ડ ક્યારેય નહીં મળે. કારણ કે અમેરિકન સરકારને જો ખબર પડશે કે તમને લેખિત ગેરન્ટી આપવામાં આવી છે તો તમારું ગ્રીન કાર્ડ તાત્કાલિક રીતે રીજેક્ટ થઈ જશે.

ગુજરાતમાંથી ઉંચા વ્યાજની ઓફરઃ લાલચમાં પડતા ઈન્વેસ્ટરો માટે લાલબત્તી…

દીપેશ દેશમુખની સલાહઃ ઈબી-5ને વધુ પૈસા કમાવાના સાધન તરીકે ગણશો નહીં

જુદા જુદા રિજનલ સેન્ટરો દ્વારા જુદા જુદા પ્રકારની ઓફર કરાય છે. જેમ કે તમે જે પાંચ લાખ ડોલર ઈન્વેસ્ટ કરો એની પર તમને વ્યાજ મળે છે. કોઈક પ્રોજેક્ટમાં અડધો ટકો તો કોઈકમાં એક ટકો આપવામાં આવે છે. આની સામે દેશમુખ ઈન્વેસ્ટરો માટે એક લાલબત્તી ધરે છે. એમનું કહેવું છે કે, કમનસીબે, ભારતમાં, ખાસ કરીને ગુજરાતમાં એવા લોકો છે જેઓ ઈન્વેસ્ટરોને 4 કે 6 ટકા જેટલું વ્યાજ આપવાની ઓફર કરે છે. વધારે વ્યાજ મળે એ સારું કહેવાય, પરંતુ આ કેસમાં એવું છે કે અમેરિકામાં જ્યારે બેન્ક લોન બે કે ત્રણ ટકા વ્યાજ પર મળે છે તો ભારતમાં તમારી પાસેથી પૈસા લઈને 4-6 ટકા વ્યાજ લોકો શા માટે આપે છે. મતલબ કે એવા પ્રોજેક્ટોમાં જોખમ વધારે હશે એટલે જ તમને વધારે વ્યાજની ઓફર કરાય છે. EB-5 પ્રોગ્રામ એ પૈસા બનાવવા માટેનો નથી, પરંતુ એમાં મૂડીરોકાણ કરીને ગ્રીન કાર્ડ લેવાનું મહત્ત્વનું છે. માટે ઉંચા વ્યાજની ઓફર કરતી સ્કીમ્સ પ્રતિ તમે લલચાતા નહીં, એ વિશે તમે પૂરતો અભ્યાસ કરજો. EB-5 સંબંધિત રિજનલ સેન્ટરો આટલી મહેનત કરે, પ્રોજેક્ટ બનાવે તો એમની ફી તો ચાર્જ કરશે જ, એટર્નીઝ લીગલ ફી લેશે, યુએસ સરકાર પણ ફાઈલિંગ ફી લેશે એ બધો તમારો અતિરિક્ત ખર્ચો હોય છે. જે તમારે ભોગવવો પડે, કારણ કે તમે જે પાંચ લાખ ડોલર ઈન્વેસ્ટ કરો એનો ઉપયોગ તો માત્ર અમેરિકામાં નોકરીઓનું નિર્માણ કરવા માટે જ થશે. હવે ગુજરાતમાં કેટલાક લોકો એવો દાવો કરે છે કે અમે તમને 25 હજાર ડોલર કે 30 હજાર ડોલર ડિસ્કાઉન્ટ આપીએ છીએ. કેટલાક રિજનલ સેન્ટરો તો વળી એવો દાવો કરે છે અમે 100 ટકા ફી માફ કરી દઈશું. તો સવાલ એ થવો જોઈએ કે તેઓ આવું શું કામ કરે છે. એ લોકો તમારી પાસેથી પાંચ લાખ ડોલર રકમ લેવા માગે છે. એટલે તમે આનો પૂરો અભ્યાસ કરજો, નહીં તો તમારાં પૈસા જોખમાઈ જશે.

દીપેશ દેશમુખ ઉમેરે છે કે ઈબી-5ની અરજી કરતી વખતે ભારતીય રોકાણકારો સૌથી મોટી ભૂલ વધુ વળતરની ઑફર આપતા પ્રોજેક્ટની પસંદગી કરીને કરે છે. એમણે જાણી લેવું જોઈએ કે ઈબી-5ને વધુ પૈસા કમાવાના સાધન તરીકે નહીં, પણ ગ્રીન કાર્ડ મેળવવાની સવલત તરીકે જોવું જોઈએ.

દીપેશભાઈ અહીં ઉમેરે છે કે અમેરિકાભરમાં માન્યતાપ્રાપ્ત હોય એવાં સંખ્યાબંધ રિજનલ સેન્ટર હશે, પણ એમાંથી સક્રિય માત્ર ૫૦થી ૧૦૦ છે. વધુ વળતરની લાલચવાળા પ્રોજેક્ટ જો પૂરા ન થઈ શકે, નાદારી નોંધાવે તો પૈસા પણ જાય ને ગ્રીન કાર્ડ પણ ન મળે.

(ઈબી-5 યોજનાનાં જોખમો વિશે દેશમુખ દ્વારા વિડિયો સમજ)

‘ચિત્રલેખા’ના વાચકોને આમંત્રણ…

EB-5 વિશે દીપેશ દેશમુખની રજૂઆત વાંચ્યા બાદ તમને જે કોઈ સવાલ હોય તો તમે +91-9892305606 આ નંબર પર ફોન કરીને પૂછી શકો છો. તે ઉપરાંત તમે દીપેશ દેશમુખને આ ઈમેલ એડ્રેસ ઉપર પણ તમારા સવાલો જણાવી શકો છો… deepesh@gsm.edu.in

(અહેવાલઃ મનોજ મોતીવાલા)

(દીપેશ દેશમુખ દ્વારા ઈબી-5 વિઝા યોજના અંગેની સમજ વિશેનો સંપૂર્ણ વિડિયો…)