ઈન્વેસ્ટરો પોતાના હિતોની રક્ષા માટે આટલું ધ્યાનમાં રાખે…

કાર્વિ બ્રોકિંગ કંપની દ્વારા પોતાના સ્વાર્થ  માટે તેના જ ગ્રાહકોના નાણાં તેમ જ સ્ટોક્સનો ઉપયોગ કરવાની ઘટના બનતાં બજારમાં લાખો ઈન્વેસ્ટરોમાં ભય અને ચિંતા ફેલાયા છે. કેટલાંક અન્ય બ્રોકરો પણ પોતાના ગ્રાહકોના શેર્સ તેમ જ નાણાં સાથે આવું કરતા હોવાની હકીકત ‘સેબી’ સંસ્થાની તપાસમાં બહાર આવી છે.

‘સેબી’એ કાર્વિ બ્રોકિંગ સામે તો એક્શન લીધું છે અને વધુ તપાસ ચાલુ રાખી છે. આમ કયા આધારે સંભવ બને છે? તો ગ્રાહક ઈન્વેસ્ટરો પોતાના બ્રોકરને સોદાના કામકાજ માટે ‘પાવર ઓફ એટર્ની’ (PoA) આપતા હોય છે.

આ પીઓએના આધારે જ બ્રોકરો ઈન્વેસ્ટરના નાણાં કે શેર્સ સાથે ચેડાં કરી શકે છે, તેનો મનસ્વી ઉપયોગ કરી શકે છે.  આ સંજોગોને ધ્યાનમાં રાખીને એક્સચેંજીસે ઈન્વેસ્ટર વર્ગ માટે કેટલીક ખાસ તકેદારી રાખવાની સૂચના બહાર પાડી છે, જે નીચે મુજબ છે. ઈન્વેસ્ટરોએ પોતાના હિતોની રક્ષા માટે આ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.

• એની ખાતરી કરો કે ચૂકવણીની તારીખથી કામકાજના એક દિવસની અંદર તમારા ખાતામાં ભંડોળ / સિક્યોરિટીઝનું પે-આઉટ જમા થઈ જાય.

• પીઓએ (પાવર ઓફ એટર્ની) કરતી વખતે સાવધાની રાખો – બ્રોકર જે હકોનો અમલ કરી શકવાનો હોય એ બધા હકો અને પીઓએ માન્ય રહેવાની સમયમર્યાદા ફોડ પાડીને જણાવો. એ નોંધી લો કે સેબી/એક્સચેન્જીસના જણાવ્યા પ્રમાણે પીઓએ કરવો ફરજિયાત નથી.

• પીઓએના વિકલ્પરૂપે સિક્યુરિટીઝની ઓનલાઈન ડિલિવરી માટે ડિપોઝિટરીઝ દ્વારા પૂરી પાડવામાં આવતાં ઓનલાઈન એપ્લિકેશન્સ એટલે કે સ્પીડ-ઈ અને ઈઝિએસ્ટમાં રજિસ્ટર થાવ.

• એની ચોંપ રાખો કે તમારા સોદા કર્યાના 24 કલાકમાં તમને તમારા સ્ટોક બ્રોકર પાસેથી કોન્ટ્રેક્ટ નોટ્સ અને ત્રણ મહિને ઓછામાં ઓછું એક વાર એકાઉન્ટ સ્ટેટમેન્ટ મળે.

•  એની નોંધ લો કે માર્જિન તરીકે આપેલી સિક્યોરિટીઝને તમારા સ્ટોક બ્રોકર દ્વારા ભંડોળ એકત્ર કરવા માટે ગીરવે રાખવામાં આવે એની કાનૂન પ્રમાણે છૂટ નથી.

• જો તમે રનિંગ એકાઉન્ટ પસંદ કર્યું છે, તો  ખાતરી કરો કે સ્ટોક બ્રોકર તમારા એકાઉન્ટની નિયમિતપણે પતાવટ કરે અને (અથવા જો તમે 30 દિવસના સેટલમેન્ટનો વિકલ્પ પસંદ કર્યો હોય તો) કોઈ પણ સંજોગોમાં 90 દિવસ કે તે પૂર્વે સેટલ કરે છે.

• સ્ટોક બ્રોકર પાસે ફંડ્સ અને સિક્યોરિટીઝને નિષ્ક્રિય પડી રહેવા દેશો નહીં.

• પુરાંતો ચકાસવા અને ડિપોઝિટરીઝમાંથી પ્રાપ્ત થતા ડીમેટ સ્ટેટમેન્ટની ચકાસણી કરવા માટે નિયમિતપણે તમારા ખાતામાં લોગ-ઈન કરો

• ટ્રેડિંગ મેમ્બરે એક્સચેન્જીસને જણાવેલી ફંડ્સ અને સિક્યુરિટીઝની પુરાંતો સંબંધિત એક્સચેન્જીસ દ્વારા મોકલવામાં આવતા સંદેશાઓને ચેક કરો અને જો કોઈ વિસંગતિ જણાય તો તરત જ તે બાબત ઉપસ્થિત કરો.

• સ્ટોક બ્રોકર સાથે તમારા સંપર્ક વિશેની વિગતો જેમ કે મોબાઇલ નંબર/ઇમેઇલ આઈડી હંમેશાં અપડેટ રાખો. જો તમને નિયમિતપણે એક્સચેંજ/ડિપોઝિટરીઝના સંદેશાઓ પ્રાપ્ત ન થતા હોય તો તમે સ્ટોક બ્રોકર/એક્સચેંજ સાથે આ બાબત ઉપસ્થિત કરી શકો છો.

• જો તમને તમારા ખાતામાં અથવા સ્ટેટમેન્ટ્સમાં કોઈ વિસંગતિ જણાય તો તરત જ તમારા સ્ટોક બ્રોકરને જાણ કરો અને જો સ્ટોક બ્રોકર જવાબ આપતો નથી, તો એક્સચેંજ/ડિપોઝિટરીઝને આની જાણ કરવી જોઈએ.