ગોવિંદાએ બ્રેક ડાન્સથી બ્રેક મેળવ્યો

પહેલી ફિલ્મ મેળવવા ગોવિંદા પાસે હીરો તરીકેની લાયકાત ન હતી. પણ ડાન્સની આવડતને કારણે બોલિવૂડમાં નિર્માતા પહલાજ નિહલાનીની ‘ઇલ્ઝામ’ (૧૯૮૬) થી પ્રવેશ મળ્યો હતો. અસલમાં ‘ઇલ્ઝામ’ શરૂ થઇ ત્યારે એમાં હીરો તરીકે મિથુન ચક્રવર્તી હતો અને નામ ‘રામપુરી’ હતું. નિર્માતા પહલાજ નિહલાનીએ ‘આંધી તૂફાન’ (૧૯૮૫) પછી તેની આખી સ્ટારકાસ્ટને એમાં ફરીથી લીધી હતી. પરંતુ ફિલ્મમાં કામ કરતા શત્રુધ્ન સિંહાને સેટ પર મોડા આવવાની આદત હતી. મિથુન પાસે ત્યારે ઘણી ફિલ્મો હતી. શત્રુધ્નને કારણે મિથુને બહુ રાહ જોવી પડતી હતી. તેની તારીખો શત્રુધ્ન સાથે મળતી ન હતી. અને એની બીજી ફિલ્મોના શુટિંગ પર અસર પહોંચી રહી હોવાથી તેણે ફિલ્મ છોડી દેવાનું યોગ્ય માન્યું હતું. દરમ્યાનમાં કામ મેળવવા સંઘર્ષ કરતા ગોવિંદાએ પહલાજની મુલાકાત કરી હતી. પરંતુ કદકાઠીને કારણે એમણે પહેલી જ નજરે ગોવિંદાને હીરો તરીકે નકારી કાઢ્યો હતો. પરંતુ એના ડાન્સથી એ પ્રભાવિત થયા હતા.

ગોવિંદા એમને પોતાના બ્રેક ડાન્સની એક વિડિયો કેસેટ જોવા માટે આપી ગયો હતો. જે પાછળથી જોયા પછી તે ચોંકી ગયા હતા. તેમને થયું કે આ છોકરાના ડાન્સમાં દમ છે અને તેમણે ‘રામપુર’ ની વાર્તામાં ફેરફાર કરાવી ‘ઇલ્ઝામ’ નામથી એક ડાન્સ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું અને રૂ.5000 માં ગોવિંદાને સાઇન કરી લીધો. ગોવિંદાએ લાંબા સમય સુધી એ રૂપિયા યાદગીરી તરીકે પોતાની પાસે સાચવી રાખ્યા હતા. ફિલ્મમાં ગોવિંદા આવ્યા પછી ઘણા ફેરફાર કરવામાં આવ્યા હતા. મિથુન ચક્રવર્તી હોવાથી સ્ક્રીપ્ટ એક્શનથી ભરપૂર દ્રશ્યો સાથેની હતી એને ગોવિંદાના આગમન પછી ડાન્સ એક્શન ફિલ્મ તરીકે તૈયાર કરવામાં આવી. એમાં હીરોઇન તરીકે પહેલાં માધુરી દીક્ષિતને લેવામાં આવી હતી.

એમાં કામ કરવા જુહી ચાવલા પણ સ્પર્ધામાં હતી. જોકે, ગોવિંદા આવ્યા પછી નવી નીલમને હીરોઇન તરીકે લેવામાં આવી હતી. ફિલ્મના બપ્પી લહેરીના સંગીતમાં તૈયાર થયેલા ‘આઇ એમ અ સ્ટ્રીટ ડાન્સર’ વગેરે ગીતો લોકપ્રિય થયા હતા. નીલમની કરણ શાહ સાથેની પહેલી ફિલ્મ ‘જવાની’ (૧૯૮૪) સફળ રહી ન હતી. પરંતુ ‘ઇલ્ઝામ’ માં ગોવિંદા સાથે જોડી જામી હતી. બંને માટે એક સમસ્યા એ ઊભી થઇ હતી કે નીલમને હિન્દી અને ગોવિંદાને અંગ્રેજી આવડતું ન હતું. પરિણામે બંને સેટ પર ઘણી વખત ઇશારામાં વાત કરતાં હતા. તેમ છતાં નિર્માતા પહલાજ નિહલાનીએ શિબુ મિત્રાના નિર્દેશનમાં માત્ર ચાર મહિનામાં શુટિંગ પૂરું કરી દીધું હતું. પાછળથી ગોવિંદા- નીલમની જોડી બહુ લોકપ્રિય અને હિટ રહી હતી.