યુવકને ઠપકો આપતાં ખેડામાં BSFના જવાનની હત્યા

ખેડાઃ ખેડાના ચકલાસીના વનીપુરા ગામમાં 25 ડિસેમ્બરે એક હત્યાની દુર્ઘટના બની છે. રાજ્યના બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના એક જવાનની એક યુવકના પરિવારના સભ્યોએ હત્યા કરી દીધી છે. પરિવારના સાતેક જેટલા શખસોએ ભેગા મળીને એક BSFના જવાનની ઘાતકી હત્યા કરી નાખી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.  

પ્રાપ્ત અહેવાલ મુજબ નડિયાદ તાલુકાના ચકલાસીમાં આવેલા સૂર્યનગરમાં રહેતા મેલાજીભાઈ ડાહ્યાભાઈ વાઘેલા (45) મહેસાણામાં BSFના જવાન તરીકે ફરજ બજાવતા હતા. થોડા દિવસ પહેલાં તેમની બાજુમાં આવેલા વનીપુરા ગામના યુવક શૈલેશ ઉર્ફે સુનીલ દિનેશ જાદવે BSFના જવાન મેલાજીભાઈની દીકરીનો વિડિયો ઉતાર્યો હતો અને પછી એ વિડિયો વાઇરલ કર્યો હતો. આ વાતની જાણ BSFના જવાન મેલાજીભાઈને થતાં તેમણે તેમની પત્ની, પુત્રો અને ભત્રીજો તમામ લોકો શૈલેશના ઘરે ગયા હતા. ઘરે જઈને મેલાજીભાઈએ દીકરીનો વિડિયો વાઇરલ કરવાની બાબતે ઠપકો આપ્યો હતો. જે બાદ યુવકના પરિવારના લોકો ઉશ્કેરાઈ ગયા હતા.

આ મુદ્દે બંને પરિવાર વચ્ચે મોટો ઝઘડો થયો હતો. ત્યારે યુવકના પરિવારના લોકોએ તીક્ષ્ણ હથિયારોથી તેમના પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં મેલાજીભાઈ અને તેમના દીકરાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે નડિયાદની નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ મેલાજીભાઈને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ, તેમના દીકરાને ગંભીર ઈજાઓ હોવાથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તો આ હુમલા બાદ હુમલાખોરોની પોલીસે ધરપકડ કરી છે. વાઘેલા 56મી બેટેલિયનમાં તહેનાત કોન્સ્ટેબલ હતા.