‘બહારોં કે સપને’ નો અંત

રાજેશ ખન્નાની કારકિર્દીની ત્રીજી ફિલ્મ ‘બહારોં કે સપને’ (૧૯૬૭) રજૂ થયા પછી નિર્દેશકે તેનો અંત બદલવાની ફરજ પડી હતી. યુનાઇટેડ પ્રોડ્યુસર્સ એસોસિએશન દ્વારા આયોજિત પ્રતિભા શોધ સ્પર્ધામાં વિજેતા રહેલા રાજેશ ખન્નાને એસોસિએશનના સભ્યો શક્તિ સામંત, હેમંતકુમાર, બી. આર. ચોપડા વગેરેની સાથે નાસિર હુસેને પણ પોતાની એક ફિલ્મ ‘બહારોં કે સપને’ માં કામ આપ્યું. આ પહેલાં નિર્દેશક ચેતન આનંદની ‘આખિરી ખત’ (૧૯૬૬) અને રવિન્દ્ર દવેની ‘રાઝ’ (૧૯૬૭) માં રાજેશ ખન્નાએ કામ કર્યું હતું. નાસિર આ પહેલાં મસાલા ફિલ્મો બનાવવા માટે જાણીતા રહ્યા હતા.

આ વખતે પોતાના કોલેજકાળની એક વાર્તા પર આધારિત ફિલ્મનું આયોજન કર્યું હતું. કોલેજના સમયમાં ઉર્દૂ પત્રિકા ‘આજકલ’ માં નાસિરની જે વાર્તાએ પ્રથમ પુરસ્કાર મેળવ્યો હતો એના પરથી ફિલ્મ ‘બહારોં કે સપને’ ની સ્ક્રીપ્ટ તૈયાર કરી હતી. તે નાના બજેટની અને શ્વેત-શ્યામ ફિલ્મ બનાવવાના હતા. એમાં એકમાત્ર ગીત ‘ક્યા જાનૂં સાજન’ ને રંગીન રાખવામાં આવ્યું હતું. પહેલાં અભિનેત્રી નંદાને એમણે ફિલ્મ ઓફર કરી હતી. એ સમય પર નંદા ગ્લેમરસ ભૂમિકા ભજવવા માગતી હતી અને પડદા પરની નાની બહેનની ઇમેજ તોડવા માગતી હતી એટલે ના પાડી દીધી હતી. એ કારણે આશા પારેખને લીધી હતી.

ફિલ્મનું સૌથી મોટું જમા પાસું આર.ડી. બર્મનના સંગીતમાં તૈયાર થયેલા ગીતો હતા. એમાં મન્ના ડે અને લતા મંગેશકરે ગાયેલું ગીત ‘ચુનરી સંભાલ ગોરી, ઉડી ચલી જાયે રે’ ખૂબ લોકપ્રિય રહ્યું હતું. એની વિશેષતા એ હતી કે ગીતના શબ્દોની શરૂઆત પહેલાંની ધૂન ઘણી લાંબી હતી. તેનું ફિલ્માંકન નરગિસના સાવકા ભાઇ અનવર હુસેન અને આશા પારેખ પર થયું હતું. ‘બહારોં કે સપને’ નો અંત એકદમ દુ:ખદ હતો. રાજેશ ખન્ના અને આશા પારેખનું ગોળીઓ વાગવાથી મૃત્યુ થઇ જાય છે.

બેકગ્રાઉન્ડમાં ‘જમાને ને મારે જવાં કૈસે કૈસે, જમીં ખા ગઇ આસમાં કૈસે કૈસે’ ગીત વાગે છે અને ફિલ્મ પૂરી થાય છે. લોકોને આ અંત ગમ્યો નહીં અને ફિલ્મ ફ્લોપ રહી. વિવેચકોએ પણ અંતની ટીકા કરી એટલે નાસિરે બીજા અઠવાડિયે અંત બદલીને રાજેશ અને આશાને ગોળીઓ વાગ્યા પછી ઓપરેશનથી જીવતા કરી ક્ષિતિજ તરફ ચાલતા બતાવી ‘ઓ મોરે સાજના’ ગીત વગાડ્યું હતું. આ ફેરફારથી ફિલ્મને કોઇ લાભ થયો નહીં. દર્શકો ફિલ્મ જોવા થિયેટરમાં પાછા ફર્યા નહીં અને નિર્દેશક નાસિર હુસેનની કારકિર્દીની પહેલી ફ્લોપ ફિલ્મ તરીકે નોંધાઇ ગઇ હતી.