વજુ કોટકઃ ૫૯મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ…

શહેરમાં ફરતાં ફરતાં

‘ચિત્રલેખા’ના શરૂઆતના દિવસથી વજુ કોટકની આ કૉલમ લોકપ્રિય હતી. એમાં પણ વજુભાઈએ કલ્પેલું કરસનકાકાનું પાત્ર એટલું બધું વાસ્તવિક અને વાચકોમાં ઘરેલુ બની ગયું હતું કે જાણે કરસનકાકા એટલે પરિવારના એક સભ્ય. એ એટલી હદ સુધી કે વજુભાઈના લગ્નપ્રસંગે કરસનકાકા નામથી ચાંદલાનો મનીઑર્ડર સુદ્ધાં આવ્યો હતો. કરસનકાકા વિશે પૂછપરછ કરતાં વાચકોના ઢગલાબંધ

પત્રો ‘ચિત્રલેખા’ કાર્યાલયમાં આવતા હતા. જીવંત વ્યક્તિ કરતાં કાલ્પનિક પાત્ર વધુ લોકપ્રિય બની જાય એવું ઉત્કૃષ્ટ ઉદાહરણ કરસનકાકા હતા. જેમ રાજા વિક્રમાદિત્ય અંચળો ઓઢીને નગરચર્યા કરતા અને નગરના પ્રશ્ર્નોથી વાકેફ થતા એ જ પ્રમાણે તેમના કાલ્પનિક પાત્ર સાથે ફરીને જાણે વજુ કોટક આ કૉલમ લખતા. ‘શહેરમાં ફરતાં ફરતાં’ કૉલમમાં વજુ કોટક હડતાલ, સરકારી ખાતાઓ,

રાજકારણીઓના ભ્રષ્ટાચાર, મુંબઈનો ટ્રાફિક અને રહેઠાણની સમસ્યા, ઘરઘાટીના મુદ્દાથી લઈને સામાજિક બદી કે અંધશ્રદ્ધા પર રીતસરના શાબ્દિક ઘા કરતા. સાઠ-સિત્તેરના દાયકાથી કરસનકાકાનું પાત્ર આમ વાચકોમાં અપાર લોકચાહના સાથે અમર બની ગયું.

૧૯૭૨માં મુંબઈમાં ‘દૂરદર્શન’ શરૂ થયું ત્યારે ‘શહેરમાં ફરતાં ફરતાં’ પુસ્તક પરથી કરસનકાકા વિશેની તેર હપ્તાની સિરિયલ પણ બની હતી. ઘર ઘરમાં આ સિરિયલે અપાર લોકચાહના પ્રાપ્ત કરી હતી.

કાકાની ડાયરી…

કરસનકાકાને ઘણાં વખતથી મળ્યો ન હતો. છેલ્લીવાર એમને મળ્યો ત્યારે એમની તબિયત બરાબર ન હતી. દેખાવમાં તો બહુ સારા લાગતા હતા પણ કેટલાંક દર્દો એવાં થાય છે કે માણસ ઉપરથી સાજોસારો લાગ્યા કરે પણ અંદરખાનેથી એનું શરીરતંત્ર, સરકારીતંત્ર જેવું બની ગયું હોય છે. સરકારીતંત્રમાં જેમ તુમારશાહી ચાલે છે તેમ શરીરતંત્રમાં પણ અમુક પ્રકારનાં દર્દો લાગું પડ્યા પછી, તુમારાશાહી જેવી જ સ્થિતિ થઈ જાય છે. હાથમાં લીધેલાં કામ પૂરાં થતાં જ નથી અને ઓછું કામ કરવા છતાં પણ થાક વધુ લાગતો હોય છે.

કાકાની તબિયત નરમગરમ રહ્યા કરે છે એ સમચાર પ્રગટ થયા પછી, એટલા બધા માણસો મને એમની તબિયત વિષે સમાચાર પૂછવા લાગ્યા કે જવાબો આપી આપીને મારી જ તબિયત બગડી ગઈ. કેટલાક તો ખુદ કાકાને મળવા માગતા હતા પણ કાકાનું ક્યું ઠેકાણું આપવું એ જ પ્રશ્ન મને મૂંઝવી રહ્યો હતો. કાકાનું કામકાજ બધું દેશનેતા જેવું રહ્યું. આજે અહીં તો કાલે ત્યાં! તબિયત ખરાબ હોય તો પણ એક ઠેકાણે બેસી રહે નહીં, કોઈ જગ્યાએ હવા ખાવા ગયા હોય તો ત્યાંથી પણ બીજી જગ્યાએ હવા ખાવા ચાલ્યા જાય! અમે તો કાકાનું મકાન પણ છે, મકાન ઉપર નાનકડું પાટિયું છે અને એમાં ‘કરસનકાકા’ એવુ‘ નામ છે પણ મુંબઈમાં આવાં ચાર-પાંચ મકાન છે કે જ્યાં, ‘કરસનકાકા’ના નામનું પાટિયું દેખાય છે. એટલે ખબર નથી પડતી કે કાકા ક્યા મકાનમાં હશે. એક જગ્યાએ જઈએ તો પાડોશી એવી જવાબ આપે છે કે કાકા એમના મરીન ડ્રાઈવ ઉપરના ફલૅટમાં રહેવા ગયા છે. ત્યાં જઈએ તો એમ કહેવામાં આવે છે કે તેઓ ગીરગામ ઉપર આવેલા એમના જૂના બ્લૉકમાં ગયા છે અને જો ત્યાં તપાસ કરીએ તો એવો જવાબ મળે કે જૂહુ દરિયાકિનારે તેમણે જે ઝૂંપડું ભાડે રાખેલું છે ત્યાં ગયા છે.

કાકાને શોધવા જવું એટલે પૈસા અને સમયનું પાણી! અને કાકાને મળ્યા વિના પણ છૂટકો જ નહીં, જો ન મળીએ તો કાકા એમ કહે છે કે ‘જો તું મને મળવાનું બંધ કરીશ તો એમાં સરવાળે તને જ નુકસાન છે કારણ કે મારા સંસર્ગને કારણે તો તારું નામ ગાજતું રહે છે. જો મને તું નહીં મળતો રહે તો પછી તારો કોઈ ભાવ નહીં પૂછે.’

કાકાને રોજ મળવું જોઈએ એવો નિર્ણય કરેલો પણ કાકાનો ક્યાંય પત્તો લાગે નહીં એટલે મેં એમ વિચાર્યું કે કાકાએ રોજ મને મળવું જોઈએ. અને આવું તે કદી બને ખરું? તમે મંદિરમાં ન જઈ શકો તેથી તમે એમ ન કહી શકો કે ભગવાને રોજ તમારી મુલાકાતે આવવું જોઈએ! અરે, ઘરમાં મંદિર રાખશો તો પણ તમારે ત્યાં જવું પડશે.

આપણું ધાર્યું કામ થાય એમાં મજા છે પણ આપણાં ધારેલાં બધાં કામ થતાં નથી એટલે જ આ દુનિયામાં જીવવાની મજા છે. દરેક બાબતમાં દરેક જણ પોતાનું ધાર્યું કામ કરી શકે એવી સ્થિતિ જો ઊભી થાય તો આ પૃથ્વી એક દિવસ પણ ન ટકી શકે, જીવન અશક્ય બની જાય અને આપણે ન કલ્પી શકીએ એવો ગોટાળો ઊભો થાય.

કાકાને મળવાનો નિર્ણય કરીને આજે સવારે જ હું ઘરની બહાર નીકળી પડ્યો. કાકાનાં જેટલાં ઠેકાણાં હતાં ત્યાં બધે ફરી આવ્યો પણ એમનો પત્તો લાગ્યો નહીં. મને થયું કે કદાચ હાર્ટ-ફેઈલ થઈ જવાને કારણે કાકા મૃત્યુ તો નહીં પામ્યા હોય ને! કારણ કે છેલ્લી વખત મળ્યા ત્યારે કાકાને છાતીમાં દુ:ખતું હતું અને તેમણે જણાવેલું કે એમનું હાર્ટ-ફેઈલ થઈ જાય તો નવાઈ પામવું નહીં. હાર્ટ-ફેઈલના આજકાલ એટલા બધા કિસ્સા બને છે કે કોઈને છાતીમાં જરા જેટલો દુ:ખાવો થાય કે તરત જ એને હાર્ટ-ફેઈલ થવાની શંકા આવે છે! જે લોકો આવી શંકા કરે છે એમનું હાર્ટ-ફેઈલ એ વખતે તો થઈ ગયું જ સમજવું; હિંમત હારી જેવી એ પણ એક પ્રકારનું હાર્ટ-ફેઈલ જ છે!

કાકાનું હાર્ટ તો એટલું બધું મજબૂત છે કે એમને હાર્ટ-ફેઈલ જલ્દી તો થાય નહીં અને થાય તો એ પહેલાં કેટલાકનાં હાર્ટ-ફેઈલ કરીને જ એમનું હાર્ટ-ફેઈલ થાય! આમ છતાં જ્યારે મારી શંકા વધુ મજબૂત બનતી ગઈ ત્યારે મેં મ્યુનિસિપલ ઑફિસમાં તપાસ કરી અને કારકૂનને પૂછ્યું. ‘કરસનકાકા મૃત્યુ પામ્યા છે એવી કોઈ નોંધ થયેલી છે ખરી?’

જન્મ અને મરણની નોંધ સુધરાઈખાતામાં રાખવામાં આવે છે એ હું જાણતો હતો એટલે જ ત્યાં ગયો, પણ અહીં આ ખાતામાં મને ચારેબાજુ જન્મમરણનું જ વાતાવરણ દેખાયું! તરત જ જન્મેલા બચ્ચાં જેમ અવાજ કર્યા કરે તેમ ઘણાં કારકુનો મોટેથી વાતો કર્યા કરતા હતા અને કેટલાંક જાણે મરણ પામ્યા હોય એવી સ્થિતિમાં ટેબલ ઉપર માથું ઢાળીને નિદ્રા લઈ રહ્યા હતા!

પેલો કારકુન જ્યારે યમરાજાના ચોપડાનું જમા પાસું વાંચી રહ્યો હતો ત્યાં હું મનમાં પ્રાર્થના કરતો હતો કે ‘હે ભગવાન, કરસનકાકા યમરાજાના ચોપડે જમા ન થયા હોય તો સારું! કાકા જેવા માણસો પૃથ્વીના માનવજાતના ખાતામાં જ જમા રહે એમાં જ મજા છે કારણ કે સારા માણસો એ એક એવી થાપણ છે કે જેનું અનેકગણું વ્યાજ દુનિયાને મળ્યા જ કરે છે. કુદરતનો આ ક્રમ છે. ઘઉંનો એક દાણો જમીનમાં જમે થઈ જાય છે અને પછી એ એક દાણાની મૂળ રકમમાંથી કુદરત આપણને હજારો દાણા આપે છે.

થોડીવાર પછી પેલો કારકુન બોલ્યો,

‘અહીં અમારા ચોપડે ક્યાંય પત્તો લાગતો નથી.’

આ સાંભળીને મને ઘણો જ આનંદ થયો. કાકા જીવતા છે એટલી ખાત્રી થઈ ગઈ. અહીંથી હું કાકાને શોધવા માટે ચર્ચગેટ બાજુ ગયો ત્યાં રસ્તા ઉપર ઊભેલા એક પોલીસને મેં પૂછ્યું, ‘કરસનકાકાને આ બાજુથી પસાર થતા જોયા છે?’

પોલીસે જવાબ આપ્યો, ‘એવું કોઈ વાહન અહીંથી પસાર થયું નથી.’

આ સાંભળીને મને હસવું આવ્યું. મેં એને કહ્યું, ‘કરસનકાકા એ કંઈ વાહન નથી. મારા અને તારા કાકા થાય.’

પોલીસે જવાબ આવ્યો, ‘અહીં રસ્તા ઉપરથી જે પસાર થાય છે તે મારી દ્રષ્ટિએ વાહન જ છે!’

આ વળી નવું જાણવાનું મળ્યું! પોલીસ એની ફરજમાં એટલો બધો મશગુલ થઈ ગયો હતો કે એને ચારેબાજુ વાહન સિવાય બીજું કંઈ દેખાતું જ ન હતું. સ્ત્રી-પુરુષોને પણ એ વાહન ગણતો થઈ જાય એ પણ હદ છે ને! વર્ષો સુધી એક જ ઘરેડમાં મશગુલ રહેવાથી પોસ્ટમેનને પણ ચારેબાજુ ‘ડિલિવરી’ જ દેખાતી હોવી જોઈએ અને ડૉક્ટરને ચારેબાજુ દર્દના જંતુઓ જ દેખાયા કરે છે!

ચર્ચગેટ સ્ટેશન પાસે ઊભો રહ્યો. એક જૂના મિત્ર મળ્યા. તેમણે પૂછ્યું, ‘અહીં શા માટે ઊભા છો?’

‘કરસનકાકાની શોધમાં નીકળ્યો છું, ઘણાં દિવસથી એમનો ક્યાંય પત્તો લાગતો નથી.’

મિત્રે કહ્યું, ‘અરે, મેં એમને હમણાં જ જોયા.’

‘ક્યાં?’

‘આ નીચે ભૂગર્ભમાં ઊતરી ગયા.’

‘શું કાકા જીવતા દટાઈ ગયા?’

‘તમને ભૂગર્ભની ખબર નથી?’

‘છે, ભૂગર્ભ એટલે જમીનમાં જવું તે. વહેલામોડું છેવટે તો દરેક માણસને ભૂગર્ભમાં જવું પડે છે એટલે કે પોતાની જાતને ભૂમિને સોંપી દેવી પડે છે. છેવટે તો સૌએ ભૂમિ સાથે જ ભળી જવાનું છે.’

‘એ રીતે હું ભૂગર્ભની વાત નથી કરતો, આ નવો માર્ગ બંધાયો છે તેને હું ભૂગર્ભ કહું છું. જુઓ એમાં જ નીચે જતાં મેં એમને જોયા.’

મુંબઈની સુધરાઈએ જમીનમાં રસ્તો બંધાવ્યો છે અને જીવતા જાગતા જમીનમાં ચાલ્યા જવાની જે સગવડતા કરી આપી છે એ વાત મને યાદ આવી. કાકાને પકડી પાડવા હું સીધો એ માર્ગમાં નીચે ઊતર્યો. મને લાગ્યું કે મેં આખું મુ‘બઈ માથે લીધું છે. અહીં તો કાકા દેખાયા નહીં પણ એક ડાયરી નીચે પડેલી જોઈ. આ કાકાની જ ડાયરી હતી પણ કાકા ન હતા! તો પછી ડાયરી આવી ક્યાંથી? શુ‘ કાકાના ખિસ્સામાંથી પડી ગઈ હતી? હા. એવું હોવું જોઈએ. ડાયરીમાં કાકા પોતાનો રોજનો કાર્યક્રમ લખતા હતા એ મને યાદ હતુ‘ એટલે ડાયરી ઉઘાડીને આજની તારીખનું પાનું વાંચવા માંડ્યું. એમાં આખા દિવસનો કાર્યક્રમ લખ્યો હતો અને એમ પણ લખ્યું હતું:

‘સવારમાં સવા નવ વાગે નવા બંધાયેલા ભૂગર્ભ માર્ગમાં જવું અને ત્યાં જઈને અભ્યાસ કરવો કે આવડો નાનકડો રસ્તો બાંધવા પાછળ ચાર લાખ રૂપિયા કેમ વપરાઈ ગયા! અંદાજ બે લાખનો હતો અને ખર્ચ ચાર લાખ કેમ આવ્યો તે શોધી કાઢવું જોઈએ. મુંબઈની સુધરાઈના બાંધકામોમાં ઘણાં પૈસા ભૂગર્ભમાં ચાલ્યા જતા જોવામાં આવ્યા છે. આમાં પણ એવું થયું છે કે નહીં એનો બારીક અભ્યાસ કરવો.’

પણ પછી કાકા ક્યાં ગયા અથવા તો એમનો શો કાર્યક્રમ હતો તે નહોતું લખ્યું. ફક્ત એટલો જ ઉલ્લેખ હતો કે ‘સાંજે સવા છ વાગે દરિયા-કિનારે હવા ખાવા જવું.’

મને ખાત્રી થઈ ગઈ કે કાકા હવે જરૂર સાંજે મળશે અને હું પાછો મારી ઑફિસમાં ચાલ્યો ગયો. મેં પણ ડાયરીમાં લખ્યું કે સાંજે સવા છ વાગે કાકાને દરિયા-કિનારે મળવા જવું.