વજુ કોટકઃ ૫૯મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ…

‘ચિત્રલેખા’ પ્રગટ થયાના પ્રથમ અંકથી જ વાચકોના દૂર-સુદૂરથી તેમ જ દેશ-પરદેશથી અચૂક પત્રો આવતા. એટલું જ નહીં, વાચકો વજુ કોટકને જાતજાતના સવાલો પણ પૂછતા. પોતાની સામાજિક સમસ્યા, રીત-રિવાજ, શિક્ષણથી લઈને અમુક વાચકો રમૂજ ખાતર અલબેલા પ્રશ્નો પૂછતા અને વજુભાઈ રમતિયાળ શૈલીમાં માત્ર એક-બે કે ત્રણ શબ્દોમાં એનો પ્રત્યુત્તર પાઠવતા. ખૂબ જ ઓછા

શબ્દમાં હૃદયને સ્પર્શી જાય એવી એમની શૈલી ટૂંકા ગાળામાં લોકપ્રિય થઈ ગઈ. પછી તો વધુ ને વધુ વાચકો પત્રો લખતા. જેને ‘અમે અને તમે’ શીર્ષક હેઠળ બે-ત્રણ પાનાં ભરીને જવાબ આપતા. ‘અમે અને તમે’ કૉલમમાં વજુ કોટકનું રમૂજ અને સાથે જીવન પ્રત્યેનું ઊંડાણભર્યું ચિંતન પ્રગટ થાય છે. વીજળીના ઝબકારા જેવા સવાલ અને જવાબ વાંચવાની વાચકોને અચૂક મજા પડશે.

બી.કે. પાનવાલા (પોરબંદર)

સ: કડવું શું, મીઠું શું?

જ: કડવી ટીકા. મીઠી ખુશામત.

*****

વસંતરાય (આકોલા)

સ: પ્રેમ કરવો એ પાપ છે?

જ: પ્રેમ કરવો એ પાપ નથી, પણ કરીને ન નિભાવવો એ જરૂર પાપ છે.

*****

લલ્લુભાઈ જીવણજી પારેખ (મુંબઈ)

સ: ઈશ્વર શું ખાય છે? ક્યારે હસે છે ને ક્યારે રડે છે?

જ: ભક્તની ભાવના એ એનું ભોજન છે. પામર માનવી જ્યારે કુદરતને પડકાર કરે છે ત્યારે એ હસે છે ને ભક્તો જ્યારે પીડાય છે ત્યારે એ રડી ઊઠે છે.

*****

રૂસ્તમ નવરોઝી (નવસારી)

સ: અંધકારમાં આપણને વધુ તેજસ્વી શું લાગે છે?

જ: આવતી કાલ.

*****

ડી. શામજી (અમદાવાદ)

સ: સૌથી મજબૂત તાંતણો કયો?

જ: આશાનો.

*****

કુમારી ફાતેમા (મુંબઈ)

સ: ધર્મનો માર્ગ આપણને ક્યાં લઈ જાય છે?

જ: પરમ આનંદના શિખર ઉપર કે જ્યાં અધર્મીઓ કદી પહોંચી શકતા નથી.

*****

તનસુખ (વિલે પાર્લે)

સ: કોણ કોનું સગું નથી થતું?

જ: દુ:ખ કોઈનું સગું નથી થતું.

*****

શાંતિલાલ (ઘાટકોપર)

સ: કોણ કોઈની પરવા કરતું નથી?

જ: બાળક.

*****

મહેન્દ્ર ધરમદાસ (મુંબઈ)

સ: આ દુનિયામાં સુખ-શાંતિ ક્યારે ફેલાશે?

જ: જ્યારે વિશ્વાસનું સામ્રાજ્ય ફેલાશે ત્યારે.

*****

રમેશચંદ્ર મણીલાલ (લીંબોદ્રા)

સ: દુનિયામાં એવી કઈ વસ્તુ છે કે જેની આગળ માનવજાતનું કઈ પણ ચાલતું નથી?

જ: આયુષ્યની દોરી.