વજુ કોટકઃ ૫૯મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ…

પ્રભાતનાં પુષ્પો

લગભગ એંસી વરસ પહેલાં લખાયેલાં વજુ કોટકનાં ‘પ્રભાતનાં પુષ્પો’ આજે પણ એટલાં જ સુગંધીદાર
લાગે છે. એમ કહેવાય છે કે વજુ કોટકે સાહિત્યક્ષેત્રે બીજું કંઈ લખ્યું ન હોત અને માત્ર ‘પ્રભાતનાં પુષ્પો’
લખ્યાં હોત તો પણ ગુજરાતી સાહિત્યજગતમાં એમનું સર્જન અજરામર થાત. ‘પ્રભાતનાં પુષ્પો’
લખવાની શરૂઆત વજુ કોટકે ૧૮-૧૯ વરસે કરી હતી. સૌપ્રથમ અમદાવાદના એક અખબારમાં
‘પ્રભાતનાં પુષ્પો’ પ્રગટ થયા પછી ‘ચિત્રપટ’ સાપ્તાહિક અને અંતે ‘ચિત્રલેખા’માં પ્રગટ થયાં. એમની
લોકચાહના એટલી બધી હતી કે ૧૯૫૦થી ૧૯૫૯ દરમિયાન ‘ચિત્રલેખા’માં છપાયેલાં ‘પ્રભાતનાં પુષ્પો’
પુસ્તક સ્વરૂપે સૌપ્રથમ ૧૯૬૬ની સાલમાં પ્રગટ કરવામાં આવ્યાં, જેની અનેક આવૃત્તિ
પ્રગટ થઈ છે. ગુજરાતી ઉપરાંત હિંદી, મરાઠી અને અંગ્રેજી ભાષામાં પણ ‘પ્રભાતનાં પુષ્પો’ પુસ્તક સ્વરૂપે
પ્રગટ થઈને સુવાસ ફેલાવી રહ્યાં છે. ‘પ્રભાતનાં પુષ્પો’ જેટલી વખત વાંચો, ફરી ફરીને તીવ્ર અનુભૂતિ
થયા વિના રહેતી નથી. આ જ એની લોકપ્રિયતા છે.

સાઠ-સિત્તેર અને એંસીના દાયકાના વાચકો ‘પ્રભાતનાં પુષ્પો’ વાંચીને એની સરખામણી

કવિવર ટાગોરની ‘ગીતાંજલિ’ સાથે કરતા હતા.