ભાવનગર-અમદાવાદના ઈન્વેસ્ટરોએ માણ્યો મ્યુચ્યુઅલ ફંડ માર્ગદર્શક સેમિનાર

‘ચિત્રલેખા’એ ‘આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ’ના સહયોગમાં 22 જૂન, શનિવારે ભાવનગરમાં અને ત્યારબાદ 23 જૂન, રવિવારે અમદાવાદમાં, એમ બે માર્ગદર્શક સેમિનારનું આયોજન કર્યું હતું.

બંને સેમિનારમાં આર્થિક જગતના નિષ્ણાતો દ્વારા બચત, ઈન્વેસ્ટમેન્ટ, ફાઈનાન્સિયલ પ્લાનિંગ તથા મ્યુચ્યુઅલ ફંડની ભૂમિકા વિશે સરળ સમજ આપવામાં આવી હતી. ઈન્વેસ્ટરોએ મોટી સંખ્યામાં હાજરી આપીને મૂડીરોકાણ વિશે ઉપયોગી માર્ગદર્શન મેળવ્યું હતું.

ભાવનગરમાં એફસી સરોવર પોર્ટિકો ખાતે અને અમદાવાદમાં સેમિનારનું આયોજન સ્ટારોટેલ ખાતે કરવામાં આવ્યું હતું.

મોદી સરકારની બીજી મુદતના કેન્દ્રીય બજેટ પૂર્વે રોકાણકારોનાં માર્ગદર્શન-જાગૃતિ માટે ‘ફાઈનાન્સિયલ પ્લાનિંગ-મ્યુચ્યુઅલ ફંડ અને માર્કેટ ટ્રેન્ડઃ જાનોગે તો માનોગે…’ ટેગલાઈન સાથે આ બે સેમિનાર યોજવામાં આવ્યા હતા જેમાં ટોચના ફાઈનાન્સિયલ પ્લાનર ગૌરવ મશરૂવાળાએ ‘તમારું અંગત બજેટ કઈ રીતે તૈયાર કરશો?’ વિશે, આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડના એસ. ગુરુરાજે ‘આપણા નાણાકીય લક્ષ્યને પરિપૂર્ણ કરવામાં મ્યુચ્યુઅલ ફંડ શું ખરેખર આપણને સહાય કરે છે?’ વિષય પર અને આર્થિક પત્રકાર જયેશ ચિતલિયાએ ‘બજારમાં તેજી થાય તો તમે કમાશો ખરા?’ વિષય પર એમના વિચાર રજૂ કર્યા હતા અને ઈન્વેસ્ટરોને માર્ગદર્શન આપ્યું હતું. બંને સેમિનારને અંતે સવાલ-જવાબ સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ભાવનગર સેમિનાર વખતે જાણીતા દિવ્યાંગ હાસ્યકલાકાર જય છનિયારાએ શ્રોતાઓને ખડખડાટ હસાવ્યા હતા તો અમદાવાદ સેમિનારમાં કોમેડી ફેક્ટરીના મશહૂર સ્ટેન્ડઅપ કોમેડિયન ઓમ ભટ્ટે રમૂજની છોળ ઉડાડી હતી.

બંને સેમિનારોનું સંચાલન જયેશ ચિતલિયાએ કર્યું હતું.

‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણીએ ઈન્વેસ્ટર શ્રોતાઓ અને નિષ્ણાત વક્તાઓને આવકાર આપ્યો હતો.

(તસવીરોઃ ભરત ઘેલાણી)

દિવ્યાંગ હાસ્યકલાકાર જય છનિયારા સ્ટેન્ડઅપ કોમેડિયન ઓમ ભટ્ટ ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણી દ્વારા ઈન્વેસ્ટર શ્રોતાઓ, વક્તાઓનું સ્વાગત