મનોજની ‘વો કૌન થી?’ ની કહાની

નિર્દેશક રાજ ખોસલાની સસ્પેન્સ ફિલ્મ ‘વો કૌન થી?’ (૧૯૬૪) ની વાર્તાની જ નહીં એમાંની મનોજકુમાર- સાધનાની જોડીની પણ રસપ્રદ કહાની છે. રાજ જ્યારે ગુરુદત્તના સહાયક હતા ત્યારે એમની ફિલ્મ ‘રાઝ’ સાથે સંકળાયેલા હતા. ગુરુદત્તે ૧૯૫૦ ના દાયકામાં પહેલાં શશીભૂષણના નિર્દેશનમાં સુનીલ દત્ત સાથે અંગ્રેજી નવલકથા ‘ધ વુમન ઇન વ્હાઇટ’ પરથી ફિલ્મ ‘રાઝ’ શરૂ કરી હતી. જે માત્ર દસ જ દિવસમાં કોઇ કારણથી અટકી ગઇ હતી. ફરી ૧૯૬૦ ના દાયકામાં ગુરુદત્તે પોતે જ હીરો તરીકે આ ફિલ્મ શરૂ કરી હતી. એમાં વહીદા રહેમાનનો ડબલ રોલ હતો અને આર.ડી. બર્મનની સંગીતકાર તરીકેની પહેલી ફિલ્મ ગણાવાની હતી.

ફિલ્મની બાર રીલ તૈયાર થયા પછી બંધ કરી દેવામાં આવી હતી. રાજ ખોસલા જ્યારે નિર્દેશક બન્યા ત્યારે એમણે ‘રાઝ’ ની એ વાર્તા પરથી જ ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો અને એન.એન. સિપ્પીને કહ્યું ત્યારે એ નિર્માણ કરવા તૈયાર થઇ ગયા અને હીરોઇન તરીકે સાધનાને વાત કરી. ફિલ્મની વાર્તાથી પ્રભાવિત થઇને સાધનાએ તરત જ હા પાડી દીધી. રાજને વાર્તા પ્રમાણે મનોજકુમાર હીરો તરીકે સૌથી યોગ્ય લાગ્યા. જ્યારે એમણે મનોજકુમારને હીરો તરીકે લેવાની વાત કરી ત્યારે વાર્તાનો સેટઅપ પસંદ આવ્યો નહીં અને ના પાડી દીધી. સિપ્પી અને ખોસલા મનોજકુમાર સિવાય કોઇને લેવા માગતા ન હતા. એમણે ઘણી વખત મનોજકુમારને સમજાવવાનો પ્રયત્ન કર્યો છતાં રાજી થતા ન હતા. દરમ્યાનમાં મનોજકુમારને ત્યાં પુત્ર (વિશાલ) નો જન્મ થયો ત્યારે સિપ્પી એમને અભિનંદન પાઠવવા ગયા અને વાતવાતમાં આજનો દિવસ શુભ હોવાથી ‘વો કૌન થી?’ કરવા માની જવા કહ્યું.

સિપ્પીની લાગણી જોતાં મનોજકુમારે આખરે હા પાડી દીધી. પછી જ્યારે સાધનાને આ વાત કરવામાં આવી ત્યારે એમણે ના પાડી દીધી. સાધનાનું માનવું હતું કે મનોજકુમાર સાથે એમની જોડી જામશે નહીં અને ફિલ્મ ફ્લોપ થઇ જશે. સિપ્પીએ સાધનાને વિશ્વાસ અપાવ્યો કે વાર્તા જબરજસ્ત હોવાથી ચોક્કસ સફળ થશે અને લોકો તેમની જોડીને પણ પસંદ કરશે. સાધના છેલ્લે માની ગયાં. ફિલ્મના સંગીતકાર તરીકે મદન મોહનને પસંદ કરવામાં આવ્યા હતા. ફિલ્મના બધાં જ ગીતો લોકપ્રિય થયા હતા. એમણે ફિલ્મના ‘લગ જા ગલે’ ગીતની ધૂન અનેક વખત તૈયાર કરી હતી. દરેક વખતે ખોસલા અને સિપ્પીને પસંદ આવતી ન હતી. ખોસલાએ મદનજીને ફરીથી ધૂન તૈયાર કરવા કહ્યું ત્યારે મનોજકુમાર ત્યાં હાજર હતા. નવી ધૂન ખોસલાને પસંદ આવી નહીં પરંતુ મનોજકુમારને બહુ ગમી અને એમણે એ ધૂન રાખવાનો આગ્રહ કરતાં રાખવામાં આવી હતી.

ગીતનું રેકોર્ડીંગ કરવાનું નક્કી થયું ત્યારે લતા મંગેશકર ઉપલબ્ધ ન હોવાથી પુરુષ સ્વરમાં તૈયાર કરીને ગીતનું શુટિંગ કરી લેવામાં આવ્યું અને પાછળથી લતાજીના અવાજમાં રેકોર્ડીંગ કરવામાં આવ્યું હતું. ફિલ્મની સફળતામાં મનોજકુમારનો મોટો હાથ હતો. એમણે એક મુલાકાતમાં કહ્યું હતું કે ‘વો કૌન થી?’ ના સંવાદ અને દ્રશ્યોનું લેખન એમણે કર્યું હતું. અસલમાં સંવાદ લેખક એહસાન રિઝવીના હતા. પરંતુ શિમલામાં હેલન પર ‘શોખ નજર કી બિજલીયાં’ ગીતનું ફિલ્માંકન થતું હતું ત્યારે મનોજકુમાર સંતુષ્ટ ન હતા. એમણે રાજને કેટલાક દ્રશ્યોમાં ફેરફાર કરવાની સલાહ આપી. રાજને મનોજકુમારના સંવાદ અને દ્રશ્યોનું લેખન એટલું પસંદ આવ્યું કે અગાઉના ફાડી નાખ્યા અને હવે પછી એમના જ સંવાદનો ઉપયોગ કરવાનો નિર્ણય જાહેર કરી દીધો હતો. જોકે, મનોજકુમારે ફિલ્મને બહેતર બનાવવા મદદ કરી હોવાથી એનું શ્રેય લીધું નહીં.