પાકિસ્તાને કાશ્મીર મુદ્દો ઉવેખતાં ભારતનો જડબાતોડ જવાબ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે સંયુક્ત રાષ્ટ્રમાં ફરી એક વાર કાશ્મીર રાગ આલાપ્યો છે. તેમણે કહ્યું હતું કે યુદ્ધ હવે કોઈ વિકલ્પ નથી. પાકિસ્તાન પડોશી દેશો સાથે શાંતિ ઇચ્છે છે. દક્ષિણ એશિયામાં સ્થાયી શાંતિ અને સ્થિરતા જમ્મુ-કાશ્મીર વિવાદના ન્યાયસંગત અને સ્થાયી સમાધાન પર નિર્ભર કરે છે. જોકે ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે.

ભારતે પાકિસ્તાનને જવાબ આપતાં કહ્યું હતું કે એ બહુ દુઃખની વાત છે કે પાકિસ્તાનના વડા પ્રધાન આ મંચનો ઉપયોગ ભારત ખોટા આરોપ લગાડવા માટે કરી રહ્યા છે. તેઓ તેમના દેશમાં બની રહેલી ઘટનાઓને ઢાંકવા માટે ભારતની સામે આગ ઓકી રહ્યા છે, પણ એ વિશ્વને મંજૂર નથી.

ભારતીય મિશનના પહેલા સચિવ મિજિટો વિનિટોએ ઇસ્લામાબાદ પર સીમા પાર આતંકવાદમાં સામેલ થવાનો આરોપ લગાવતાં કહ્યું હતું કે પાકિસ્તાન શાંતિ ઇચ્છતું હોય તો એણે સરહદ પારનો આતંકવાદ બંધ કરવો જોઈએ. પાકિસ્તાને પહેલાં મુંબઈના આતંકવાદી હુમલાના આયોજન કરનારને આશ્રય ના આપવો જોઈએ. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો પર થઈ રહેલા અત્યાચાર બંધ કરવા જોઈએ અને હિન્દુ, શીખ અને ખ્રિસ્તી પરિવારોનું અપહરણ અને લગ્ન કરીને ધર્માંતરણ કરવામાં આવી રહ્યાં છે. વિશ્વના અન્ય દેશોએ આ વિશે માહિતી લેવી જોઈએ.

 અમેરિકાના ન્યુ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમહાસભાનું 77મું સેશન ચાલી રહ્યું છે. એમાં ભારત અને પાકિસ્તાન સહિત વિશ્વના અનેક દેશો સામે થયા છે. અહીં રાષ્ટ્રાધ્યક્ષો અને સરકારો માટે સંયુક્ત રાષ્ટ્રની હેડ ઓફિસમાં એકસાથે આવવાની અને વૈસ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક હોય છે.