આપ પાર્ટીના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢા ગુજરાતની મુલાકાતે

અમદાવાદઃ રાજ્યની વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે. પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર રાઘવ ચઢ્ઢા હવે ગુજરાતમાં આપની ચૂંટણીની વ્યૂહરચના બનાવશે. આપે તેમને ગુજરાત ચૂંટણીના સહ-પ્રભારી નિયુક્ત કર્યા છે. તેઓ આજે ગુજરાતની મુલાકાતે આવવાના છે.

ચઢ્ઢા ગુજરાતમાં પાર્ટીને મજબૂત કરવા માટે સવારે રાજકોટ પહોંચશે. ત્યાં તેઓ કાર્યકર્તાઓ અને સિનિયર લીડરશિપની સાથે મુલાકાત કરીને તેમને પ્રોત્સાહિત કરશે. તેઓ બપોર પછી એક પત્રકાર પરિષદ કરે એવી શક્યતા છે. તેઓ ચૂંટણીને લઈને કોઈ મહત્ત્વની જાહેરાત કરશે. રાજકોટમાં પાર્ટીના કાર્યકર્તાઓની સાથે ચૂંટણીની વ્યૂહરચના પરચર્ચા કર્યા પછી સાંજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિવાસસ્થાને જશે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંમેલનમાં ચઢ્ઢાને પાર્ટી તરફથી ગુજરાતના સહ-પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે.

રાઘવ ચઢ્ઢા એવા સમયે આવ્યા છે, જ્યારે દિલ્હીના ઉપ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા પહેલેથી અહીં છે. કેજરીવાલ અને પંજાબના મુખ્ય પ્રધાન માન આવતી કાલે ગુજરાત આવવાના છે. બંને નેતાઓ અમદાવાદમાં રહેશે.

ચઢ્ઢાના પ્રવેશ પછી આપ પાર્ટી શહેરી અને ગ્રામીણ વિસ્તારોની સાથે-સાથે યુવાઓની જોરશોરથી ઊતરવાની તૈયારીમાં છે. ચઢા દિલ્હીના મોર્ડન સ્કૂલ બારાખંભા અને લંડન ઇકોનોમિક્સ જેવી સંસ્થાઓના વિદ્યાર્થી છે. તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે.