અમિતાભ હીરોગીરી છોડવાના હતા

જો અમિતાભ બચ્ચનને પ્રકાશ મહેરાની ફિલ્મ ‘જંજીર'(૧૯૭૩) ના મળી હોત તો કદાચ એ હીરોને બદલે સહનાયકની કે ચરિત્ર ભૂમિકાઓ તરફ વળી ગયા હોત. પહેલી ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’ (૧૯૬૯) પછી અમિતાભને ઘણી ફિલ્મો મળી. પરંતુ બોક્સ ઓફિસ પર કોઇ ફિલ્મને સફળતા મળી રહી ન હતી. અઢાર મહિનામાં સાત ફિલ્મો બોમ્બે ટુ ગોવા, બંશી બિરજુ, એક નજર, સંજોગ, રાસ્તે કા પત્થર, ગહરી ચાલ અને ‘બંધે હાથ’ ફ્લોપ થઇ ત્યારે અમિતાભની હાલત કફોડી બની ગઇ. નિર્માતાઓ અમિતાભને અપશુકનિયાળ માનવા લાગ્યા હતા. કેટલાકે તેમને કવિ બનવાની તો કેટલાકે કલકત્તા પાછા જવાની સલાહ આપી અપમાનજનક શબ્દો પણ કહ્યા.

અમિતાભ એટલા નિરાશ થઇ ગયા કે માતાને કહી દીધું:’હવે કદાચ હું હીરો નહીં બની શકું. મને હીરોના રોલ આપવા કોઇ તૈયાર નથી. મને થાય છે કે હું હવે સહનાયક કે ચરિત્ર અભિનેતા બનવાનો પ્રયત્ન કરું.’ આ વાત શ્રી સૌમ્ય વંદ્યોપાધ્યાય લિખિત અમિતાભ બચ્ચન વિશેના બંગાળી પુસ્તકમાં વિસ્તારથી લખવામાં આવી છે. ‘સાત હિન્દુસ્તાની’ પછી પણ અમિતાભે ઘણા પાસે કામ માગ્યું હતું. બંગાળી પુસ્તકના લેખકે બહુ આગ્રહ કર્યો ત્યારે અમિતાભે કહ્યું હતું કે રાજશ્રી પ્રોડક્શનના તારાચંદ બડજાત્યાએ તું ખૂબ ઊંચો છે કહીને ના પાડી હતી. શક્તિ સામંતા અને બી.આર. ચોપરાએ પણ કામ આપ્યું ન હતું. થોડી ફિલ્મો કર્યા પછી ફ્લોપ થવાને કારણે અમિતાભ ફરી નવી ફિલ્મો મેળવી શકતા ન હતા. એટલું જ નહીં નિર્માતાઓ તેમને પોતાની ફિલ્મમાંથી કાઢી રહ્યા હતા.

અમિતાભે એવી ઘણી ફિલ્મોના મુક્તિપત્ર પર સહી કરી દીધી જેનું પાંચ-છ રીલનું શુટિંગ થઇ ચૂક્યું હતું. અમિતાભે એ સમયનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે,’એ સમયે કોઇ નિર્માતા સ્વપ્નમાં પણ મારો વિચાર કરતા નહીં. અને હીરોઇનો મારું નામ સાંભળી ભડકી ઉઠતી હતી.’ અમિતાભે તો ‘જંજીર’ માટે પણ તરત હા પાડી ન હતી. અમિતાભને ભય હતો કે થોડા દિવસ પછી ‘જંજીર’ ના મુક્તિપત્ર પર સહી કરવી નહીં પડે ને? અમિતાભે અગાઉ ક્યારેય પોલીસ ઇન્સ્પેક્ટરનું પાત્ર ભજવ્યું ન હતું. પરંતુ પ્રકાશ મહેરાએ અમિતાભની પસંદગી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે યોગ્ય લાગી હોવાથી જ કરી હતી. પ્રકાશ મહેરાને ‘જંજીર’ માટે અમિતાભની ભલામણ પહેલાં પ્રાણના પુત્ર ટોની અને પછી લેખક જાવેદ અખ્તરે કરી હતી.

જાવેદજીએ અમિતાભનું નામ મહેમૂદની ‘બોમ્બે ટુ ગોવા’ નું એક દ્રશ્ય જોઇને સૂચવ્યું હતું. પ્રકાશ મહેરા એ દ્રશ્ય જોવા શહેરના જે થિયેટરમાં ફિલ્મ ચાલતી હતી ત્યાં જાવેદ સાથે ગયા હતા. એક દ્રશ્યમાં અમિતાભ ખુરશી પર બેઠો હોય છે ત્યારે શત્રુધ્ન સિંહા ત્યાં આવીને કહે છે કે,’એય ઉઠો…’ ત્યારે અમિતાભ ચ્યુઇંગ ગમ ચાવતાં તેની સામે નીડરતાથી જુએ છે. અને પછી ચ્યુઇંગ ગમ ચાવતાં ચાવતાં શત્રુધ્ન સાથે લડે છે. બંનેની ફાઇટીંગ જબરદસ્ત હતી. એ જોઇ મહેરા પ્રભાવિત થઇ ગયા. તેમણે અમિતાભને ‘જંજીર’ માં લેવાનો નિર્ણય પાકો કરી દીધો. અસલમાં તે ધર્મેન્દ્ર સાથે ‘જંજીર’ બનાવવાના હતા. ધર્મેન્દ્રએ ના પાડ્યા પછી દેવ આનંદને પૂછ્યું. દેવ આનંદે ના પાડ્યા પછી રાજકુમારને પ્રસ્તાવ મૂક્યો. રાજકુમારે એના પર ધ્યાન જ ના આપ્યું અને જાવેદ અખ્તરે અમિતાભનું નામ સૂચવ્યું.

‘બોમ્બે ટુ ગોવા’ ના દ્રશ્યમાં અદા જોયા પછી મહેરાએ ‘જંજીર’ માટે પ્રસ્તાવ મૂક્યો ત્યારે અમિતાભને શંકા હતી. એનું પ્રકાશ મહેરાએ એવું કારણ માન્યું કે હજુ સુધી કવિ, ડોક્ટર, વકીલ વગેરેની ભૂમિકાઓ જ કરી હતી અને કેટલીક ફિલ્મો નિષ્ફળ ગઇ હોવાથી એમના મનમાં નિરાશા હતી. ત્યારે પ્રકાશ મહેરા અને સલીમ-જાવેદે અમિતાભને આશ્વસ્ત કર્યા હતા. બધાને વિશ્વાસ હતો કે અમિતાભ પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકાને ન્યાય આપશે. અને ‘જંજીર’ રજૂ થતાંની સાથે જ અમિતાભનો હીરો તરીકે સિતારો એવો ચમક્યો કે હીરોગીરી છોડવાની વાત બાજુ પર રહી એટલું જ નહીં તેમની ફિલ્મમાં બીજા હીરોએ સહનાયક કે ચરિત્ર અભિનેતા તરીકે કામ કરવામાં ખુશી અનુભવી.

– રાકેશ ઠક્કર (વાપી)