સંસદના શિયાળુ સત્રની શરુઆતે જ કોંગ્રેસનો જોરદાર હંગામો

નવી દિલ્હી– સંસદના શિયાળુસત્રની શરુઆત થઇ ગઇ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદાનપ્રક્રિયા હજુ ગઇકાલે જ પૂર્ણ થઇ છે ત્યારે સંસદમાં પહેલે જ દિવસે પણ ગરમાગરમીનું વાતાવરણ જોવા મળ્યું.

રાજ્યસભા કાર્યવાહી શરુ થતાં જ પૂર્વ પીએમ મનમોહનસિંહ પર પીએમ મોદીની ટીપ્પણી અને શરદ યાદવની સદસ્યતા સમાપ્ત કરવાના મુદ્દા પર કોંગ્રેસે બરાબરનો હંગામો મચાવ્યો હતો.કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માફીની માગણી કરવામાં આવી હતી. હંગામાને લઇને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવાઇ હતી.

પીએમ મોદીએ સંસદનું શિયાળુ સત્ર શરુ થતાં પહેલાં આશા જતાવી હતી કે સંસદમાં સકારાત્મક વિચારવિમર્શ થશે જેનાથી દેશને લાભ થાય. સામે કોંગ્રેસ સ્પષ્ટ કહી દીધું છે કે ગુજરાત ચૂંટણીમાં પાકિસ્તાનનો વપરાશ કરવાના મુદ્દે સંસદમાં સફાઇ આપવી પડશે.

આજે કેબિનેટ હેટક પણ યોજાવાની છે. જેમાં ત્રણ તલાક બિલને મંજૂરી આપવામાં આવશે. 5 જાન્યુઆરી સુધી ચાલનારા સત્રમાં ગુજરાત અને હિમાચલના ચૂંટણી પરિણામ સરકાર અને વિપક્ષના વલણ પર સૌથી વધુ પ્રભાવી રહેશે તે આજની શરુઆતે જ દેખાઇ રહ્યું છે.

સંસદના શિયાળુ સત્રમાં કુલ 14 કાર્યકારી દિવસ રહેશે. લોકસભા પહેલાં દિવસે દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પીને સ્થગિત કરવામાં આવી છે. સમગ્ર સત્ર દરમિયાન ગુજરાત પરિણામનો પ્રભાવ વરતાશે કારણ કે બીજેપી તરફી આવશે તો વિપક્ષ કોંગ્રેસ પહેલાં કરતાં વધુ આક્રમક અને હુમલાબાજની ભૂમિકામાં દેખાઇ શકે છે અને ભાજપતરફી પરિણામ આવશે તો સરકાર વિપક્ષ દ્વારા ઉઠાવાયેલાં સવાલોને નજર અંદાજ કરતી જોવા મળશે.

આ સત્ર દરમિયાન કેટલાક મહત્ત્વના બિલ પાસ કરાવવાનો પડકાર પણ છે. જેમાં ફાઇનાન્સ રેઝોલ્યૂશન એન્ડ ડિપોઝિટ ઇન્શ્યોરન્સ-એફઆરડીઆઈ બિલ, ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ સંશોધન બિલ, ફોરેસ્ટ સંશોધન બિલ, નાગરિકતા સંશોધન બિલ 2016 મોટરવાહન સંશોધન વિધેયક, ટ્રાન્સજેન્ડર વ્યક્તિ અધિકાર સંરક્ષણ બિલ વગેરે મુખ્ય છે. સરકારની કોશિશ રહેશે કે ત્રણ તલાક બિલ આ સત્રમાં રજૂ કરીને પસાર કરી દે. જીએસટીમાં થયેલાં ફેરફારને કાયદાની માન્યતા અપાવવાના સંશોધન પણ શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવનાર છે.