ઉચ્ચશિક્ષણની સરકારી સંસ્થાઓમાં હાજરી માટે મોબાઈલ એપ લોન્ચ, અમલી…

અમદાવાદઃ ગુજરાતના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ભાટ નજીક આવેલી ઇ.ડી.આઇ.માં સ્ટુડન્ટ ઇનોવેશન, સ્ટાર્ટઅપ્સ અને ઇકોસિસ્ટમ પર SSIPના વાર્ષિક પરિસંવાદનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સ્‍ટાર્ટઅપ ઈનોવેશન અંગેની ભાટ, ગાંધીનગર ખાતે મળેલ રાષ્‍ટ્રીય કોન્‍ફરન્‍સ દરમિયાન આ મોબાઈલ એપને ખૂલ્‍લી મુકી હતી. રાજ્યના ઉચ્‍ચ શિક્ષણ હેઠળની ૧૦૯ સરકારી સંસ્‍થાઓ અને ટેકનિકલ શિક્ષણની ૪૮ સરકારી સંસ્‍થાઓમાં મોબાઈલના માઘ્‍યમથી ઓનલાઈન હાજરી ભરવાની સિસ્‍ટમનો આગામી ૧૦મી જૂનથી સમગ્ર રાજ્યમાં અમલ થશે. અદ્યતન ટેકનોલોજીના ઉપયોગના એક અભિનવ ઉદાહરણરૂપ આ મોબાઈલ એપથી શિક્ષણ વિભાગ હેઠળની ઉચ્‍ચ શિક્ષણની તમામ સંસ્‍થાઓમાં શરૂઆત થશે.

સમસ્યાનું સગવડતા સાથેનું સમાધાન એટલે સ્ટાર્ટઅપ તેવું કહી શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું આ સિસ્‍ટમમાં કર્મચારીઓની આવન-જાવનની હાજરી, શૈક્ષણિક કર્મચારીની સમયપત્રક અનુસારની વર્ગખંડ અને પ્રયોગશાળાની હાજરી, તેમજ તેમના દ્વારા વિદ્યાર્થીઓની હાજરી ભરવાનું કરી શકાશે. આ સિસ્‍ટમના ભાગરૂપે તૈયાર કરેલ મોબાઈલ એપ્‍લીકેશન દ્વારા કર્મચારી સંસ્‍થાની વાઈફાઈની  રેઈન્‍જમાં હશે તો જ આવન-જાવનની હાજરી અને અન્‍ય વિગતો ભરી શકશે.

શૈક્ષણિક કર્મચારી દ્વારા તેમના સમયપત્રક અનુસાર વિદ્યાર્થીઓની હાજરી અને વધારાના સમયમાં તેમના દ્વારા કરવામાં આવેલ અન્‍ય કામગીરી  જેવીકે શૈક્ષણિકકાર્ય માટેની તૈયારી માટે કરેલ કાર્ય, પ્રયોગશાળામાં નવા પ્રયોગનું નિર્માણ, સંશોધન કાર્ય કે અન્‍ય સંસ્‍થા  દ્વારા સોંપવામાં આવેલ કાર્યની નોંધ પણ આ મોબાઈલ એપ્‍લીકેશન દ્વારા કરી શકાશે.

આ હાજરી ડેટા અને શૈક્ષણિક કર્મચારી દ્વારા કરવામાં આવેલ અન્‍ય કામગીરીની માહિતી અને તેને આધારિત રિપોર્ટ વેબ-એપ્‍લીકેશનના માઘ્‍યમથી ખાતાના( વડા, આચાર્ય, કમિશ્‍નર, ઉચ્‍ચ શિક્ષણ, કમિશ્‍નર, તાંત્રિક શિક્ષણ, અગ્ર સચિવશ્રી, ઉચ્‍ચ અને ટેકનિકલ તેમજ શિક્ષણમંત્રીશ્રી અને મુખ્‍યમંત્રીશ્રી પણ મેળવી શકશે. તેઓને કર્મચારીઓની હાજરી તેમજ વર્ગખંડ અને પ્રયોગશાળામાં હાજર વિદ્યાર્થીઓની માહિતી પણ મળશે.

.

તદુપરાંત કર્મચારીને પોતાની દૈનિક, અઠવાડિક, માસિક સત્ર દરમિયાનની હાજરી તેમના દ્વારા કરવામાં આવેલ અન્‍ય કામગીરી વગેરેના રિપોર્ટ વેબ-એપ્‍લીકેશનના માઘ્‍યમથી મળી શકશે. આજ પ્રકારની માહિતી ઉચ્‍ચ અધિકારીઓને તેમના તાબા હેઠળના કર્મચારીઓ અને તેમના તાબા હેઠળના વિભાગ અને સંસ્‍થાઓ માટેની મળશે. કાર્યક્રમ સંદર્ભે તેમણે જણાવ્યું કે સરકારે સુચારું આયોજન કરીને અનેક કાર્યક્રમો અને સહાયકારી યોજનાઓ અમલી બનાવી છે. જે યુવાનોને પોતાના ઉદ્યોગ-રોજગાર અને ઇનોવેશનને આગળ લઇ જવા માટે મદદગાર બની રહ્યાં છે. તેમજ સરકારની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસીનો હેતુ યુવા વિદ્યાર્થીઓના નવીનતાઓ અને વિચારોને ટેકો આપવા અને તેમની સર્જનાત્મકતા અનુસરવાના મહત્તમ ઉપયોગ માટે અનુકૂળ વાતાવરણ પુરૂં પાડવા માટે એક સંકલિત, રાજયવ્યાપી, યુનિવર્સિટી આધારિત નવીનતા ઇકોસિસ્ટમ બનાવવાનો છે.