વિવેક ઓબેરોય અભિનીત ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ 12 એપ્રિલે રિલીઝ કરાશે

0
1102

મુંબઈ – બોલીવૂડ અભિનેતા વિવેક ઓબેરોયની આગામી હિન્દી ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ આવતી 12 એપ્રિલે રજૂ થશે. ફિલ્મ દેખીતી રીતે જ લોકસભાની ચૂંટણી પૂરી થાય એ પહેલાં જ રિલીઝ કરી દેવામાં આવશે. લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાવાની છે અને પહેલા તબક્કાનું મતદાન 11 એપ્રિલે થશે.

આ ફિલ્મ રાષ્ટ્રીય એવોર્ડવિજેતા દિગ્દર્શક ઓમંગ કુમારે બનાવી છે.

આ ફિલ્મ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવનના એ પાસાં પર આધારિત છે, જેમાં તેઓ એક ચા-વેચનારામાંથી વડા પ્રધાન બનવા સુધીની સિદ્ધિ હાંસલ કરી શક્યા.

વિવેક ઓબેરોય ફિલ્મમાં મોદીનું પાત્ર ભજવશે. ફિલ્મમાં બમન ઈરાની અને દર્શન કુમારની પણ મહત્ત્વની ભૂમિકા છે.

ફિલ્મનું શૂટિંગ અમદાવાદ, ભૂજ (કચ્છ) અને ઉત્તરાખંડમાં કરવામાં આવ્યું છે. ફિલ્મ હાલ મુંબઈમાં તેનાં અંતિમ ચરણમાં છે.

ફિલ્મની તારીખની જાણ જાણીતા ટ્રેડ એનાલિસ્ટ અને ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે એમના ટ્વિટર હેન્ડલ પર કરી છે.

ફિલ્મમાં ઝરીના વહાબ, બરખા બિશ્ટ સેનગુપ્તા, મનોજ જોશી પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.

ફિલ્મનું પોસ્ટર આ મહિનાના આરંભમાં 23 ભાષાઓમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.