ક્રાઈસ્ટચર્ચ મસ્જિદ હુમલોઃ મુખ્ય આતંકવાદી ઓસ્ટ્રેલિયન છે

ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ શહેરની બે મસ્જિદોમાં શુક્રવારે બપોરે ભયંકર ત્રાસવાદી હુમલા કરનાર 4 હુમલાખોરોમાંના એક માસ્ટર માઈન્ડની ઓળખ જાહેર કરવામાં આવી છે.

ત્રાસવાદી હુમલામાં અત્યારસુધીમાં 49 જણના જાન ગયા છે અને 20 જણા ઘાયલ થયા છે. જેમાં લિનવૂડ ઈસ્લામિક સેન્ટરમાં થયેલા હુમલામાં 10 જણ તથા મધ્ય ક્રાઈસ્ટચર્ચમાં અલ નૂર મસ્જિદમાં થયેલા હુમલામાં 30 જણ મૃત્યુ પામ્યાં છે.

આ ભયંકર હુમલો કરનાર 4 ત્રાસવાદીઓની ન્યૂઝીલેન્ડ પોલીસે ધરપકડ કરી લીધી છે. એમાંનો એક માસ્ટર માઈન્ડ હુમલાખોર ઓસ્ટ્રેલિયન નાગરિક છે, જેનું નામ બ્રેન્ટન ટેરેન્ટ છે, એ 28 વર્ષનો છે. તે એક જમણેરી વિચારસરણીવાળો આતંકવાદી છે. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કૉટ મોરિસને પણ આ હુમલાખોર ઓસ્ટ્રેલિયાનો નાગરિક હોવાનું સમર્થન કર્યું છે.

આ હુમલાને વખોડતાં મોરિસને કહ્યું, ‘ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા ફક્ત વ્યાપાર સહયોગી રાષ્ટ્ર નહિં, પરંતુ એક પરિવાર છે. અને ન્યૂઝીલેન્ડને ઓસ્ટ્રેલિયા દરેક રીતે પૂરો સહકાર આપશે.’  વધુમાં તેમણે જણાવ્યું કે, ‘ઓસ્ટ્રેલિયન સુરક્ષા અધિકારીઓ આ આતંકવાદી કડીની તપાસ કરી રહ્યાં છે.’

એક અહેવાલ મુજબ, આતંકવાદી બ્રેંટન ટેરેંટે આજના હુમલાનો વ્યૂહ 2 વર્ષ પહેલાંથી ઘડી લીધો હતો. અને લગભગ ત્રણેક મહિના પહેલાં જ એની ગોઠવણ કરી લીધી હતી.

એના ફેસબુક પેજ ઉપર 37 પાનાંનું મેનિફેસ્ટો એણે મૂક્યું છે. જેમાં તેના વિશેની માહિતી મૂકતાં તેણે જણાવ્યું કે, ‘તે 28 વર્ષનો સામાન્ય અશ્વેત માણસ છે, જેનો જન્મ ઓસ્ટ્રેલિયાના લઘુ આવકવાળા પરિવારમાં થયો છે.’ વધુમાં તેણે લખ્યું છે. તે ‘ઈકો-ફાસિસ્ટ’ છે. ‘હું ‘ઈકો-ફાસિસ્ટ’ બનવા અગાઉ કમ્યુનિસ્ટ હતો, ત્યારબાદ અરાજકતાવાદી અને અંતે ઉદારમતવાદી રહ્યો છે.’

આ હુમલા કરવાનું કારણ તેણે લખ્યું છે, કે ‘અત્યાર સુધી પરપ્રાંતિય આક્રમણકારીઓ દ્વારા થયેલી હજારો હતાહતનો આ એક બદલો છે.’

એક વિચિત્ર ઉલ્લેખ કરતાં તેણે જણાવ્યું કે,’ ‘સ્પાયરો દ્ ડ્રેગન’ નામની કમ્પ્યુટર ગેમથી પ્રભાવિત થઈને તે ethno-nationalism તરફ વળ્યો. આતંકવાદી એન્ડર્સ બ્રીવિક જોડે પણ પોતાને પરિચય છે.’ આતંકવાદી એન્ડર્સ બ્રીવિકે 2011માં ઉટોયાના નોર્વે આયરલેન્ડમાં યુથ લિગ સમર કેમ્પ ઉપર ઘાતક હુમલો કરી 69 લોકોના જીવ લીધા હતાં.

ઉપરાંત તેણે જણાવ્યું કે, ‘તે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો સપોર્ટર છે અને માને છે કે, તેઓ શ્વેત ઓળખને ફરી સ્થાપિત કરનાર પ્રતિક સમાન છે, જેનો ઉદ્દેશ પણ સમાન છે.’

એના ફેસબુક પેજ ઉપર ગુરૂવારે રાત્રે તેણે લખ્યું હતું કે, ‘તે આ હુમલો કરવાનો છે અને તેનું લાઈવ રેકોર્ડિંગ પણ કરશે.’

શુક્રવારે બંદૂકધારીએ પોતાનો હુમલો 17 મિનિટ સુધી ચાલુ રાખ્યો હતો. એણે પોતાના હુમલાનું ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર લાઈવ-સ્ટ્રીમિંગ કર્યું હતું. હુમલો કરાયાના અમુક જ કલાકોમાં એનો વિડિયો દુનિયાભરમાં સોશિયલ મિડિયા પર વાયરલ થયો હતો.

જોકે ઈન્ટરનેટ કંપનીઓએ ત્વરિત નિર્ણય લઈને એ વિડિયો કાઢી નાખ્યો હતો.

પોલીસે સાવચેત કર્યા બાદ ફેસબુક કંપનીએ ફેસબુક પરથી લાઈવસ્ટ્રીમ દૂર કર્યું હતું અને હુમલાખોરના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પરના એકાઉન્ટ કાઢી નાખ્યા હતા.

એવી જ રીતે, ટ્વિટર અને યૂટ્યૂબ માલિક ગૂગલે પણ કહ્યું હતું કે એમણે એમની સાઈટ્સ પરથી વિડિયો ફૂટેજ કાઢી નાખ્યું છે.