જે દુ:ખ હજી આવ્યું નથી એનો પહેલાથી જ પ્રતિકાર કરો

આજે મારે બે ઘટના તમારા સમક્ષ મૂકવી છે. એક છોકરી બધા કઝીન્સ સાથે ધમાલ કરતાં-કરતાં એનો પગ લપસ્યો ને પડી. પડી એવા બધા ભેગા થઈ ગયા ને કીધું કે ચોક્કસ ટેઈલબોન તૂટ્યો. પેલી છોકરીને પણ કળ વળતા વાર લાગે એવું દુઃખે. બધા એને ઊંચકીને ઓર્થોપેડિક પાસે લઈ ગયા. એક્સ-રે અને ટેસ્ટ પત્યા તો એવો નિષ્કર્ષ આવ્યો કે ટેઈલબોનમાં ક્રેક આવ્યો છે. ત્રણ અઠવાડિયા બેડરેસ્ટ કરવો પડશે. તેણે દવા લીધી એટલે આરામ લાગ્યો. બીજે દિવસે એને થયું કે હવે એટલું દુખતું નથી અને પોતે ઊભી પણ રહી શકે છે. ચાલી શકે છે. ફક્ત બેસે ત્યારે દુઃખે છે.

બે દિવસ પસાર થયા. એ છોકરી પોતાના દુઃખાવાને બરાબર ઓબ્ઝર્વ કરતી હતી. એને એવું લાગ્યું કે આ ટેઈલબોનનું પેઈન નથી. આ સાથળ પરના બેઠા મારનો દુઃખાવો છે. મારી પાસે આવી મેં આસનો કરાવ્યા. લોહીનું પરિભ્રમણ સરસ થવા લાગ્યું ને ચાર દિવસમાં નોર્મલ.

અહીં મને પતંજલિ યોગસૂત્રનો એક શ્લોક યાદ આવે છેઃ “हयं दुखमना गतम्” 

જે દુ:ખ હજી આવ્યું નથીપણ હવે પછી આવશે એવા ભયને પ્રથમ જ પ્રતિકાર કરવો જોઇએ. મને હવે દુ:ખશે, આવું કરીશ તો દુ:ખશેઆમ કરવાથી દુ:ખાવો વધી જશે… એવા ડરથી થોડું જીવાય છે? છોકરીને મારામાં વિશ્વાસ એટલે અઠવાડિયું પથારીવશ  રહેવાની હતી અને બદલે આસનોની મદદથી એક અઠવાડિયામાં ઊભી થઈ ગઈ. આ યોગ પરનો વિશ્વાસ છે, યોગનો ચમત્કાર છે. 

બીજો દાખલો. એક ભાઈને ફેકટરીમાં અમુક મુવમેન્ટમાં જર્ક આવ્યો અને ખભાથી નીચેનો ભાગ (બરડાની જમણી બાજુ) એક્સરે MRI Test કરાવ્યા. ખબર પડી કે સ્નાયુ નીચે ઊતરી ગયા છે. અસહ્ય દુખાવો થતો હતો. મારા વિશે જાણીને એમણે મારો સંપર્ક કર્યો. મેં એમની નાડી જોઈ. આ સ્નાયુ ખસ્યો કેમ? એવો કયો દોષ વધી ગયો કે આટલું બધુ દુ:ખે છે? બધા સમતુલન કરીને સાધનો સાથે યોગ કરાવ્યા. દોઢ મહિનામાં એમના શરીરમાં દોષને ઓછો કર્યો.

હવે કારણ સમજીએ. પહેલા કિસ્સામાં Tailbone હોય કે એની આજુબાજુનો દુઃખાવો હોય તો યોગાચાર્ય શ્રી બી.કે.એસ. આયંગરજીએ ખૂબ સંશોધન કરીને લાકડાના સાધન બનાવ્યા છે. એની સાથે અર્ધચંદ્રાસન કરવાનું. પદાતાનાસન અને હનુમાનાસનનો પ્રયત્ન કરવાનો. 

આ આસનો કરવાથી Tailbone ની પાછળના સ્નાયુઓને મસાજ મળે છે એટલે લોહીનું પરીભ્રમણ સારું થાય છે એટલે જે શ્વાસ લઈએ છીએ એ શ્વાસમાં રહેલો 21 ટકા પ્રાણવાયું લોહીમાં ભળે છે અને એ શરીરમાં જ્યાં અવરોધ છે, જ્યાં સોજો આવ્યો છે એમાં પ્રાણ પૂરે છે. દુઃખાવા ઓછા કરે છે. ઋષિ પતંજલિએ એવું  કહયું છે કે યોગા અભ્યાસથી અને ધ્યાનથી શરીર અને મનનું સ્વાસ્થ્ય સારું કરી શકાય છે.

હવે બીજું ઉદાહરણ સમજીએ. નાડીને જોતાં ખબર પડી કે એ ભાઇનો વાયુ વકર્યો છે. વાયુને સમાન કરીએ અને પછી બેલ્ટ સાથેના અમુક આસનો કરાવીએ તો ફરક પડે. આર્મપીટને ઓપન કરીને શોલ્ડર બોલને સેટ કરીએ. ઉંડા શ્વાસ સાથે સુપ્તુબધ્ધકોણાસન કરાવ્યું. પાઇપ સાથે અમુક આસનો કરાવ્યા. નવ લાકડાના સાધન પર સુવડાવ્યા. દંડાસન કરાવ્યા. દોઢ મહિનામાં એમના મસલ્સ એટલા મજબૂત થયા કે અગાઉ જ વજન ઉંચકી નહોતા શકતા એ વજન ઉંચકી શકે છે. આજે નોર્મલ લાઇફ જીવી શકે છે.

જરૂર છે યોગમાં વિશ્વાસની. પોતાની જાતમાં વિશ્વાસની કે, યસ, આઇ કેન. આઇ વીલ.

આગળ જે શ્લોકનો ઉલ્લેખ થયો છે એ યાદ કરીએ. આંખો બંધ કરીને એટલું વિચારો કે કેટલું દુઃખે છે, ખરેખર શું દુઃખે છે, ક્યાં દુઃખે છે. બીજાની વાતમાં દોરવાઇને જાતને દયામણી ન બનાવીએ.

બધા સમતુલન કરીને સાધનો સાથે યોગ કરાવ્યા અને દોઢ મહિનામાં રણછોડભાઈ પીપળીયા એકદમ સાજા થઈ ગયા જે એમના જ શબ્દોમાં સાંભળી શકાય છે. જુઓ વિડિયો….

(હેતલ દેસાઇ)

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)