ITR ભરવાની મુદત 31 ડિસેમ્બર, 2020 સુધી લંબાવાઈ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ટેક્સ પેયર્સને કોરોના કાળમાં મોટી રાહત આપી છે. સરકારે નાણાકીય વર્ષ 2019-20 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરવાની અંતિમ તારીખ એક મહિના માટે વધારી દીધી છે. જેથી હવે ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર થઈ ગઈ છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે (CBDT) આ વિશે માહિતી આપી હતી. CBDT તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કરદાતાઓ માટે ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર, 2020 સુધી વધારી દેવામાં આવી છે.

CBDT તરફથી કહેવામાં આવ્યું છે કે, અંતિમ તારીખ એટલા માટે વધારવામાં આવી છે જેનાથી કરદાતાઓને રિટર્ન ફાઇલ કરવામાં વધારાનો સમય મળી રહે.

 

 ટેક્સપેયર્સના એકાઉન્ટના ઓડિટ માટે અંતિમ તારીખ જાન્યુઆરી 2020

જોકે ટેક્સપેયર્સના એકાઉન્ટનું ઓડિટ કરવાની છે, તેમના માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તારીખ બે મહિના સુધી એટલે કે 31મી જાન્યુઆરી, 2021 સુધી વધારી દેવામાં આવી છે.

પહેલા નવેમ્બર, 2020 સુધી વધી હતી અંતિમ તારીખ

આ પહેલાં સરકારે નાણાકીય વર્ષ 2019-20 માટે ITR ફાઇલ કરવાની અંતિમ તારીખને 31 જુલાઈ, 2020થી વધારીને 30 નવેમ્બર, 2020 કરી હતી. કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખતાં સરકારે આ નિર્ણય લીધો હતો. જેનાથી કરદાતાઓને ITR ફાઇલ કરવામાં સમય મળી રહે.

ઉલ્લેખનીય છે કે દર વર્ષે આવકવેરા વિભાગ તરફથી ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની તારીખમાં એક-બે મહિનાનો વધારો કરવામાં આવતો હતો છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને કારણે તેમાં વધારે છૂટ આપવામાં આવી છે. રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ જતી રહ્યા બાદ જો રિટર્ન ફાઇલ કરવામાં આવે તો તેના પર દંડ ભરવો પડે છે.

કોરોના કાળમાં આવકવેરા વિભાગે રિટર્ન ભરવાની અંતિમ તારીખ વધારી દેતાં મોટા ભાગના પગારદારો આ સમયે વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે તેમને પણ લાભ થયો છે. તેઓ હવે ITR રિટર્ન દાખલ કરવામાં વિલંબ થવા પર પેનલ્ટી અને ડિફોલ્ટ વગેરે થવાથી બચી શકે છે.