કોરોના નિયંત્રણો વચ્ચે આજે દેશભરમાં દશેરાની ઉજવણી

મુંબઈઃ માતાજીના 9 સ્વરૂપની ભક્તિ, શક્તિની આરાધના સાથે 9-દિવસનો નવરાત્રી તહેવાર સમાપ્ત થયો છે અને આજે દેશભરમાં વિજયાદશમી અથવા દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. કોરોના વાઈરસ મહાબીમારીના ફેલાવાનો ભય હજી યથાવત્ છે અને એને કારણે સુરક્ષાને લગતા નિયંત્રણો લાગુ છે ત્યારે દેશભરમાં લોકો ધાર્મિક ઉત્સાહ સાથે દશેરા ઉજવી રહ્યા છે.

દશેરા દિવસ આખા વર્ષમાં ખૂબ જ શુભતિથિઓમાંની એક ગણાય છે.

દશેરા તહેવારની ભારતના જુદા જુદા ભાગોમાં જુદી જુદી રીતે ઉજવણી કરવામાં આવે છે.

મહિષાસુર નામના રાક્ષસના દુર્ગા માતાએ કરેલા વધને હિન્દુ શ્રદ્ધાળુઓ દર વર્ષે દશેરા-વિજયાદશમી પર્વ તરીકે ઉજવે છે. પ્રાચીન દંતકથા અનુસાર મહિષાસુર નામના અસુરે સ્વર્ગ ઉપર આક્રમણ કર્યું હતું અને દેવતાઓને પરાસ્ત કરી દીધા હતા. દેવતાઓએ ભગવાન વિષ્ણુ અને ભગવાન શંકર પાસે મદદ માગી હતી. ભગવાન મહિષાસુર પર ગુસ્સે ભરાયા હતા અને એમાંથી એક તેજ પ્રગટ્યું હતું. જે નારી સ્વરૂપમાં બદલાઈ ગયું હતું. ભગવાન શંકરે એ દેવીને ત્રિશૂળ આપ્યું હતું. ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર આપ્યું હતું. દેવતાઓએ પણ માતાજીને અલગ અલગ શસ્ત્રની ભેટ આપી હતી. એ પ્રકારે દેવતાઓની શક્તિઓ પ્રાપ્ત કરીને માતા દુર્ગા મહિષાસુર પર ત્રાટક્યાં હતાં અને એનો વધ કર્યો હતો. દુર્ગા માતાને મહિષાસુરમર્દિની પણ કહેવામાં આવે છે.

દશેરાના દિવસને અધર્મ ઉપર ધર્મની જીતના પ્રતીક તરીકે પણ ઉજવવામાં આવે છે. આ તહેવાર રામલીલાના સમાપનને પણ દર્શાવે છે અને રાક્ષસોના રાજા રાવણ પર ભગવાન રામની જીતને યાદ કરીને આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ભગવાન શ્રીરામે લંકા પર આક્રમણ કરીને આજના જ દિવસે ત્યાંના જુલમી, અધર્મી, લોભી, અભિમાની રાજા રાવણનો વધ કર્યો હતો.

આજના દિવસે ઉત્તર ભારતમાં ઠેરઠેર રાવણ, રાવણના ભાઈ કુંભકર્ણ અને રાવણના પુત્ર મેઘનાદના પૂતળાઓનું જાહેર કાર્યક્રમમાં દહન કરવામાં આવે છે. રાવણના દસ માથા એનામાં રહેલા દસ વિકાર – કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અહંકાર, આળસ, હિંસા અને ચોરીનું પ્રતીક છે.

પશ્ચિમ બંગાળ અને દક્ષિણ ભારતમાં પણ દુર્ગા માતાની પૂજા કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં દુર્ગા માતાને ચામુંડેશ્વરી માતા તરીકે પૂજવામાં આવે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]