સંસદસભ્યો માટે ફૂડની વરાઇટી વધશે, સેલિબ્રિટી શેફની નિમણૂક

નવી દિલ્હીઃ સંસદના નવા ભવનના નિર્માણ સાથે સંસદના પ્રાંગણની વ્યવસ્થામાં પરિવર્તનની શરૂઆત થવા લાગી છે. 52 વર્ષ પછી સંસદ ભવનમાં રેલવેની કેન્ટીન હવે ઇતિહાસ બની જશે. લોકસભા સચિવાલયે રેલવે પાસેથી કેન્ટીનની જવાબદારી પરત લઈને એને 15 નવેમ્બરથી ઇન્ડિયન ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (ITDC)ને સોંપવાનો નિર્ણય કર્યો છે. જેથી હવે ITDC સંસદની કેન્ટીન 15 નવેમ્બરથી ચલાવશે. સંસદસભ્યોના ભોજનમાં ગુણવત્તા લાવવા અને વરાઇટી વધારવા માટે ITDCએ સેલિબ્રિટી શેફની નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે.

સંસદસભ્યો માટે ભોજન તૈયાર કરવા માટે શેફની નિમણૂક કરવામાં આવી છે, એમ સૂત્રોએ કહ્યું હતું. જોકે અધિકારીઓએ અત્યાર સુધી શેફની ઓળખનો કોઈ ખુલાસો નથી કર્યો. પ્રાપ્ત માહિતી અનુસાર જે શેફની નિમણૂક કરવામાં આવી છે, તે પાંચ વર્ષ સુધી દેશના રાષ્ટ્રપતિની સાથે કામ કરી ચૂક્યો છે અને તે શેફે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કેન્ટીનના ભોજન કાર્યોની દેખરેખ કરી છે. લોકસભા સચિવાલયે આ રાજ્ય દ્વારા સંચાલિત હોટેલ ચેઇનની યોજનાઓને મંજૂરી આપી દીધી છે. આ સર્વિસમાં ધીમ-ધીમે પરિવર્તન થશે, અમે ભોજન સંબંધી આ કામગીરી 125-150 લોકોની સાથે શરૂ કરીશું, એમ અધિકારીએ કહ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર કોવિડ-19 રોગચાળાને પગલે ITDC પ્રારંભમાં ચા, કોફી તેમ જ હર્બલ ઉકાળા અને પેક્ડ સ્નેક્સ જેવા નાસ્તાના પેકેટ, સેવઈ અને બિસ્કિટ પીરસવા સુધી સીમિત રહેશે. જોકે આવનારા બજેટ સત્ર સુધી સંસદમાં ભોજનની વરાઇટીમાં વધારો થવાની શક્યતા છે. આ ફૂડ સર્વિસ માત્ર મોટા સ્તરે મીટિંગમાં સામેલ થનારા પ્રતિનિધિમંડળ સુધી સીમિત રહેશે, જેમ કે વડા પ્રધાનની પ્રધાનમંડળ સાથેની મીટિંગ, સંયુક્ત સંસદીય સમિતિની બેઠકો, વિદેશી પ્રતિનિધિમંડળ વગેરે જેવા પ્રસંગોએ આ સર્વિસ પૂરી પાડવામાં આવશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

ગયા સપ્તાહે સંસદના ઉત્તરીય રેલવેની સાથે 50 વર્ષથી વધૂ જૂના સંબંધોને ખતમ કર્યા છે. 1968માં સંસદ ભવન પ્રાંગણમાં ખાનપાનની દેખરેખ ઉત્તર રેલવે કરી રહી હતી. સંસદમાં ભોજન સંબંધી કાર્યની દેખરેખ અત્યાર સુધી  ઉત્તરી રેલવેના કર્મચારીઓ સંભાળતા હતા, પણ હવે ITDCની દેખરેખમાં કેન્ટીનનું કામકાજ થશે.