ધારો કે સરખામણી કરી શકાતી હોત…

આલાપ,

મને ઘણી વખત એવો વિચાર આવે કે જિંદગીના કુરુક્ષેત્રમાં દરેક ઘટનાઓ કૌરવ-પાંડવોના યુદ્ધ માફક બન્યા કરે છે. એક તરફ દુઃખની વિશાળ સેના તો બીજી તરફ સુખનું સૈન્ય. બન્ને એકબીજાને પરાસ્ત કરી આપણા જીવન પર પોતાનું સામ્રાજ્ય જમાવવા માંગે છે. જિંદગી આપણી હોવા છતાં આપણે ભીષ્મપિતા માફક પરિણામોની બાણશૈયા પર સૂઈ રહેવાનું. ન ઉંહકારો થઈ શકે કે ન છૂટકારો અને યુદ્ધ વખતે હાજર વિદ્વાન વડીલો જેવા આપણાં સંબંધો- બધું જ સમજતા હોવા છતાં ચૂપચાપ સ્વીકાર અને સહકાર.

અને આમ જ જિંદગી જીવાય છે. દરેક સૂર્યાસ્ત નવા દિવસના જંગ માટે જ જાણે કે આપણને તૈયાર થવા સમય આપતો હોય એવું લાગે. આખી રાત એ પ્રતિક્ષામાં જાય કે ક્યારે સવાર થાય અને ક્યારે યુદ્ધનું રણશિંગુ ફૂંકાય બસ, તફાવત એટલો જ છે કે મહાભારતમાં પડાવ અને મંઝિલ અલગ હતા જ્યારે, જિંદગીના મહાભારતમાં પડાવ અને મંઝીલ બધું  એક જ છે. યુદ્ધને જ મંઝીલ માનીને સતત લડતા રહેવું એ અહીં વિજય છે.

આજે લાગે છે કે વધુ પડતી વિચારશક્તિ જીવનને જોવાનો દ્રષ્ટિકોણ બદલી શકે છે અને ક્યારેક એ વરદાન પણ લાગે છે. ધારો કે જીવનની કોઈ મૂલવણી કે સરખામણી કરી શકાતી હોત તો હું ચોક્કસ એને મહાભારત સાથે સરખાવત.

-સારંગી.

(નીતા સોજીત્રા)