શરીરરૂપી રથના આ પરિબળોને જાણો

ઋષિ પતંજલિએ યોગસૂત્રમાં ૪ પદ વર્ણવ્યા છે. સમાધિપાદ, સાધનપાદ, વિભૂતિપાદ અને કૈવલ્યપાદ. સાધનપાદમાં પહેલા પગથિયાને ક્રિયાયોગ એવું નામ આપવામાં આવ્યું છે. કર્મ દ્વારા યોગ માર્ગમાં પ્રગતિ કરવી હોય એને ક્રિયાયોગનો શબ્દાર્થ કહયો છે. શરીર એ રહશે ઇન્દ્રિય. અશ્વને કહીએ છીએ અશ્વ. અશ્વ દોડે કે ચાલે કે આડાઅવળા જાય, જેમ ઇન્દ્રિય કંઈક સ્વાદ માટે લોભાય, કંઈક જોવા લોભાય, કંઈક સાંભળવા આકર્ષાય, કંઈક સ્પર્શેન્દ્રિય કે કંઈક એ સુગંધ લોભામણી હોય.

પરંતુ અશ્વને કાબુમાં રાખે લગામ. લગામ એટલે મન. મન એ ઇન્દ્રિયોને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરે, પરંતુ જ્ઞાન એટલે બુદ્ધિ. બુદ્ધિ જ ન હોય તો લગામને કોણ કાબુમાં રાખે? એટલે સારથી સમજુ, હોંશિયાર જોઈએ. સારથીને અહીં બુદ્ધિ કહીશું. એટલે વાત એમ છે કે શરીર રથ છે, અશ્વ ઇન્દ્રિય છે, મન એ લગામ છે અને લગામને કાબુમાં રાખે એ સારથી એટલે બુદ્ધિ છે.

સરળ ઉદાહરણ આપું. તમે કોઇ પાર્ટીમાં ગયા હો એમાં જમવામાં તમારી ભાવતી કેસર રબડી છે. તમારી ઇન્દ્રિય કહે છે મોંમા પાણી આવી ગયું છે તો ખાવી પડશે, પણ મન કહે છે કે થોડો ડાયાબિટીસ છે. પણ ચાલશે. કંઈ વાંધો નહીં. ભાવતું હોય તો પછી કેવી રીતે જવા દેવાય? એ સમયે સારથી બુદ્ધિ મનને કહેશે કે, ના, ડાયાબિટીસ વધશે અને કિડની-આંખને મુશ્કેલી ઊભી થશે તો? યોગ નિયમિત કરતા નથી અને રબડી ખાવી છે? આવું તમને બુદ્ધિ કહેશે.

તમારા શરીરરૂપી રથમાં આ બધા પરિબળો છે. આપણે ખાલી એને સાંભળવાના છે એટલે કે આંતર આત્માને સાંભળવાનું છે. યોગમાં તપ, સ્વાધ્યાય, અભ્યાસ જરૂરી છે. તપસ્યા એટલે શરીર અને ઇન્દ્રિયોના વ્યાપાર કરતી વખતે મન લગાવીને એવી મજબૂતી સાથે પકડી રાખે છે કે તે પોતાની મરજી પ્રમાણે કાર્ય ન કરી શકે. આપની આજ્ઞા પ્રમાણે જ કાર્ય કરતા રહે છે.

ત્યાર પછી બીજી બાબત સ્વાધ્યાયને લગતી છે. એટલું યાદ રાખો કે યોગમાર્ગમાં આગળ વધવાની ઇચ્છા ધરાવનાર વ્યક્તિએ વાદ-વિવાદ અને તર્ક-વિતર્કની અવસ્થા ઓળંગી ગઇ હોવી જોઈએ તથા તેનાથી ઉપર બેઠેલા હોવા જોઈએ.

આજે મારે તમારા શબ્દભંડોળમાં ચાર શબ્દો ઉમેરવા છેઃ

૧) સમશન એટલે મનની અસર પેટ ઉપર પડવી. મન જો ખુશ હોય તો પેટના અવયવો બહુ સરસ કામ કરશે, પણ મન ચિંતિત, ક્રોધિત હોય તો પેટના અવયવો ઠપ થઈ જશે અને પાચન બગડશે .
૨) વિશમાસન એટલે ભૂખ લાગે ત્યારે ખાવું. સાચી ભૂખને ઓળખવી. નહીં કે રસોડું બતાવવાનું છે, કામવાળીનો આવવાનો સમય થઈ ગયો છે એટલે જમી લેવાનું.
૩) અધ્યાસન એટલે વારેવારે ન ખાવું. બે ભોજન વચ્ચે છ કલાકનું અંતર રાખવું એવું શાસ્ત્રોમાં કહેલું છે. ઘરે નાસ્તો કરીએ અને બહાર ગયા પછી બીજો નાસ્તો કરીએ અને પછી લંચ લઈએ તો આટલો બધો ખોરાક લીધા પછી એના પાચન માટે તમે શું કર્યું છે? તો કાંઈ નહીં!!! તો પછી વારેવારે ખાઈએ અને પાચન બગાડીએ તો શારીરિક અને માનસિક તકલીફો થવાની શક્યતા છે.
૪) સૌહિત્ય એટલે વધારે પડતું ઠાંસીઠાંસીને ન ખાવું. પેલી કહેવત છે ને “પેટ ન ભરીએ ચારે ખૂણ“ બસ, બધું ખાવાનું પણ પ્રમાણસર ખાવું.

જે લોકો નિયમિત યોગ કરતા હોય એમને એમની ઇન્દ્રિય ઉપર કાબુ મેળવતાં આપોઆપ આવડી જ જાય છે. જેને વધારે ભૂખ લાગતી હોય એમને ત્રિકોણાસન, યોગમુદ્રા, સર્વાંગાસન, મત્સ્યાસનમાં વધારે સમય સુધી રોકાવું પડે. જે લોકોને ઉંઘ બહુ આવતી હોય એમણે backward bending ના આસનો કરવા જોઈએ. જેમ કે, ઉષ્ટ્રાસન દીવાલ સાથે , ચક્રાસન ખુરશી સાથે અથવા લાકડાના સાધનો સાથે પૂર્વોતતાનાસન…

જે લોકોને ઉંઘ આવતી જ નથી તેમણે અધોમુખ સ્વસ્તિકાસન તકીયા સાથે, શવાસન વજન સાથે, આધોમુખ વીરાસન તકીયાની સાથે કરવું જોઈએ. જે લોકોને ભૂખ લાગતી જ નથી એ લોકોએ યોગમાં ઉડીયાનબંધ, અપાન સંતુલન અને અગ્નિસાર ક્રિયા કરવી.

જે લોકોને સતત સ્ટ્રેસ રહે છે, હાઈ બીપીની તકલીફ છે, મન શાંત નથી રહેતું તેમણે HYC સ્પેશિયલ પ્રાણાયામ કરવા. ઘણા લોકોએ આ પ્રાણાયામનો પ્રયોગ કર્યો છે અને ગજબની શાંતિ અનુભવી છે. એનાથી anxiety દૂર થઈ જાય છે. આ સ્પેશિયલ પ્રાણાયામની રીત આવતા અઠવાડિયે.

(હેતલ દેસાઇ)

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)