જમ્મુ-કશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશેઃ ગૃહપ્રધાન

નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રના પહેલા તબક્કામાં છેલ્લા દિવસે શનિવારે લોકસભામાં જમ્મુ-કશ્મીર પુનર્ગઠન વિધેયક, 2021 પસાર થઈ ગયો છે. રાજ્યસભામાં આ બિલ પહેલાં પસાર થઈ ચૂક્યું છે. જોકે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શનિવારે કહ્યું હતું કે જમ્મુ-કશ્મીરના પુનર્ગઠન ખરડાનું રાજ્યના દરજ્જા સાથે કોઈ સંબંધ નથી.  તેમણે કહ્યું હતું કે જમ્મુ-કશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. તેમણે કેન્દ્ર સરકારના કામ ગણાવતાં કહ્યું હતું કે તમારી ચાર પેઢીએ જેટલું કામ કર્યું છે, એટલું કામ અમે દોઢ વર્ષની અંદર કર્યું છે. 17 મહિનામાં આરોગ્ય ક્ષેત્રે કામ થયું છે. આશરે ચાર લાખ લોકોને 70 વર્ષમાં વીજળી નહોતી મળી, તેમને 17 મહિનામાં વીજળી આપવાનું કામ કર્યું છે.

ગૃહપ્રધાને કહ્યું હતું કે જમ્મુ-કશ્મીરમાં વર્ષો સુધી ત્રણ પરિવારોએ શાસન કર્યું છે. તેમણે ત્યાંના લોકોના આરોગ્ય માટે શું કર્યું?  17 મહિનામાં અમે જમ્મુ-કાશ્મીરમાં PMNDP હેઠળ આરોગ્ય મંત્રાલયે રૂ. 881 કરોડની રકમ મોકલી છે. 75 પ્રોજેક્ટ પૂરા થયા છે. વર્ષ 2022 સુધી 39 અન્ય યોજનાઓ પૂરી કરવામાં આવશે.

4G ઇન્ટરનેટ સુવિધાઓ દબાણમાં શરૂ કરવાના આરોપમાં શાહે કહ્યું હતું કે અસદુદ્દીન ઓવૈસીજીએ કહ્યું હતું કે 2Gથી 4G ઇન્ટરનેટ સેવાને વિદેશીઓના દબાણમાં ચાલુ કરવામાં આવી છે. આ યુપીએ સરકાર નથી, જેને તેઓ ટેકો આપી રહ્યા છે. આ મોદી સરકાર છે, જે દેશ માટે નિર્ણય કરે છે. આર્ટિકલ 370 હટાવવા વખતે જે વચનો આપ્યાં છે, એનું શું થયું એના સવાલના જવાબમાં આર્ટિકલ 370ને હટાવ્યાને માત્ર 17 મહિના થયા છે. તમે  70 વર્ષમાં શું કર્યું? એનો હિસાબ લઈને આવ્યા છો? એવો સવાલ ગૃહપ્રધાને કર્યો હતો.