બટેટાની કચોરી

ખાસ્તા કચોરી તો બનાવવામાં થોડી કડાકૂટ છે. પણ આ બટેટાની કચોરી ઝટપટ બની જાય છે.

 

 

સામગ્રીઃ 

  • બટેટા બાફેલા 4
  • ઘઉંનો લોટ 1 કપ
  • મેંદો ½ કપ
  • કાંદો બારીક સુધારેલો 1
  • લીલા મરચાં બારીક સુધારેલા
  • કોથમીર ધોઈને સુધારેલી ½ કપ
  • ધાણા પાવડર ½ ટી.સ્પૂન
  • જીરૂ પાવડર ½ ટી.સ્પૂન
  • અજમો ¼ ટી.સ્પૂન
  • લાલ મરચાં પાવડર ½ ટી.સ્પૂન
  • આમચૂર પાવડર ¼ ટી.સ્પૂન
  • ગરમ મસાલો ½ ટી.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું
  • તળવા માટે તેલ

રીતઃ એક બાઉલમાં ઘઉંનો લોટ, મેંદો અને મીઠું સ્વાદ મુજબ લઈ તેમાં તેલનું મોણ નાખીને ઘટ્ટ લોટ બાંધીને દસ મિનિટ માટે લોટ એકબાજુએ રાખી લો.

પૂરણ માટેઃ બાફેલા બટેટા મેશ કરી લો. તેમાં ઝીણો સમારેલો કાંદો, મરચાં, કોથમીર, ધાણાજીરૂ પાવડર, ગરમ મસાલો, મરચાં પાવડર, અજમો તેમજ સ્વાદ મુજબ મીઠું મિક્સ કરી લો.

બાંધેલા લોટમાંથી લૂવો લઈ તેને પુરીની જેમ વણી લો. આ પુરીમાં બટેટાનું મિશ્રણ ભરીને પેક કરી લો અને ફરીથી તેની જાડી પુરી વણો.

એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે વણેલી કચોરી તળવા નાખો. કચોરી ગોલ્ડન બ્રાઉન તળવી.

આ કચોરી લીલી ચટણી અથવા ટમેટો કેચઅપ સાથે પીરસવી.