મહારાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં વીક-એન્ડ લોકડાઉન

મુંબઈઃ મહારાષ્ટ્રમાં નાગપુર સહિત વિદર્ભના પાંચ જિલ્લાઓમાં બે દિવસનું વીક-એન્ડ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં અમરાવતી, બુલઢાણા, યવતમાળ, વાસિમ અને અકોલાનો સમાવેશ થાય છે. જિલ્લા વહીવટી તંત્રે બજારની બધી દુકાનો, હોટલ, રેસ્ટોરાં અને સરકારી ઓફિસો બે દિવસ સુધી બંધ રહેશે. જોકે વહીવટી તંત્રે માત્ર જીવન-જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાનો ખૂલી રાખવાની મંજૂરી આપી છે. દૂધ, શાકભાજી, પેટ્રોલ પમ્પ અને મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે. શહેરના શોપિંગ મોલને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેથી લોકોની ભીડને એકત્ર થતાં અટકાવી શકાય.

શહેરના લોકો કારણ વગર ઘરની બહાર ના આવવા માટે આવાહન કરવામાં આવ્યું છે. જોકોઈ ઘરની બહાર આવે તો તેણે સાચું કારણ દર્શાવવું પડશે. નાગપુરમાં લોકડાઉન દરમ્યાન મેયર દયાશંકર તિવારી શહેરની મુલાકાત લીધી હતી. તેમણે લોકોને સુરક્ષિત રહેવા અને કોરોનાની અસરને અટકાવવા માટે આ લોકડાઉનમાં લોકોને ઘરે રહેવાની અપીલ કરી હતી.

વિદર્ભમાં કોરોનાથી સૌથી અસરગ્રસ્ત જિલ્લો છે અમરાવતી, પાંચ દિવસમાં આ જિલ્લામાં 4061 નવા કેસો નોંધાયા છે અને 32 લોકોનાં મોત થયાં છે. ગઈ કાલે નાગપુરમાં કોરોનાના 1074 કેસો નોંધાયા છે.

 લાતુરમાં જનતા કરફ્યુની જાહેરાત

મહારાષ્ટ્રના મરાઠવાડાના લાતુર જિલ્લામાં કોરોનાના વધતા કેસોને જોતાં જનતા કરફ્યુની જાહેરાત કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના 32 જિલ્લામાંથી મોટા ભાગના જિલ્લાઓમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. મુંબઈમાં પણ કોરોનાના કેસોમાં ઝડપી વધારો થયો છે.

રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ એક સપ્તાહ પહેલાં લોકોને કોરોનાના કેસો વધતાં લોકડાઉન માટે તૈયાર રહેવા જણાવ્યું હતું. જોકે મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં લોકડાઉનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યમાં કોરોનાના કેસો વધતાં લોકડાઉન લાગે એવી શક્યતા છે.