મસાલા દૂધ

ચૈત્રિ નવરાત્રિ ચાલે છે. અષ્ટમી તેમજ રામ નવમીના ઉપવાસ માટે ગરમ અથવા ઠંડું મસાલા દૂધ એનર્જેટિક રહેશે!

સામગ્રીઃ

  • બદામ 1 કપ
  • કાજુ 1 કપ
  • પિસ્તા ½ કપ
  • એલચી 25 નંગ
  • કાળા મરી પાઉડર ¼ ટી.સ્પૂન
  • સૂંઠ પાઉડર ½ ટી.સ્પૂન
  • વરિયાળી ટી.સ્પૂન
  • જાયફળનો પાઉડર  ¼ ટી.સ્પૂન
  • હળદર પાઉડર 1 ટી.સ્પૂન (ઉપવાસમાં હળદર પાઉડર skip કરવો.)
  • કેસર 1 ટી.સ્પૂન
  • ખારેક 6-7 નંગ

સજાવટ માટેઃ

  • ગુલાબની પાંખડી
  • કેસરના તાંતણા તેમજ મસાલા પાઉડર

રીતઃ ખારેકને ખાંડણીયામાં ખાંડીને તેના નાના ટુકડા કરી લેવા.

એક ફ્રાઈ પેન ગરમ કરી તેમાં બદામ, કાજુ તેમજ પિસ્તા ઉમેરીને ગેસની આંચ ધીમી કરીને 4-5 મિનિટ માટે શેકી લેવા. આ ડ્રાય ફ્રુટ ઠંડા થાય એટલે મિક્સીમાં ખારેકના ટુકડા, વરિયાળી, એલચીના દાણા, કાળા મરી પાઉડર, સૂંઠ પાઉડર, જાયફળનો પાઉડર, હળદર પાઉડર (ઉપવાસમાં હળદર પાઉડર નહિં વાપરવો), કેસરના તાંતણા મેળવીને મિક્સીમાં પલ્સ મોડ (મિક્સર ચાલુ બંધ કરીને) પર થોડા કરકરા પીસી લેવા.

આ મસાલા પાઉડર કાચની નાની જારમાં ભરીને ફ્રીજમાં રાખવી.

મસાલા દૂધ બનાવવા માટે એક જાડા તળિયાવાળી કઢાઈ ગેસ ઉપર ગરમ કરવા મૂકો. તેમાં 2 ચમચી જેટલું ચોખ્ખું પાણી રેડીને તેમાં દૂધ રેડો. ગેસની આંચ તેજ કરી દો. દૂધનો ઉભરો આવે ત્યાંસુધી ઝારા વડે દૂધને હલાવતા રહેવું જેથી દૂધ તળિયે ના ચોંટે.

દૂધમાં ઉભરો આવે એટલે ગેસની આંચ ધીમી-મધ્યમ કરી દો. હવે તેમાં 4 ટે.સ્પૂન દૂધનો મસાલો ઉમેરો અને ઝારા વડે દૂધ હલાવતાં રહેવું જ્યાં સુધી તે ઘટ્ટ ના થઈ જાય. લગભગ 10 મિનિટ લાગશે. તે દરમિયાન કઢાઈને ફરતે મલાઈ જામે તેને પણ ઝારા વડે કાઢીને દૂધમાં મેળવતાં રહેવું.

હવે તેમાં 4 ટે.સ્પૂન સાકર મેળવીને ફરીથી 2-3 મિનિટ દૂધ ઉકળવા દો. ત્યારબાદ ગેસ બંધ કરીને ગરમ દૂધ પીરસવું હોય તો એક ગ્લાસમાં દૂધ રેડીને તેમાં થોડો દૂધનો મસાલો ઉમેરી, તેની ઉપર ગુલાબની પાંખડી ભભરાવી, 2-3 કેસરના તાંતણા મૂકીને દૂધના ગ્લાસ સર્વ કરો.

જો દૂધ ઠંડુ પીરસવું હોય તો તેને રૂમ ટેમ્પરેચર પર લાવીને ઢાંકણવાળા વાસણમાં રેડી, ઢાંકણ બંધ કરીને ફ્રીજમાં 3-4 કલાક માટે ઠંડું કરવા માટે મૂકી દો. ત્યારબાદ તેને પીરસો.