લાખો રૂપિયા ખર્ચ્યા પણ પાણી ક્યાં?

અમદાવાદ: શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને તરફના નાના-મોટાં અનેક ગામડાંઓ અમદાવાદની હદમાં ભળી ગયા છે. આ સાથે ગામતળના જૂનાં તળાવો તેમજ મહાનગર પાલિકાઓનો AUDAમાં સમાવેશ થઈ ગયો છે. એમાંના મોટાભાગના તળાવોનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું.વસ્ત્રાપુર, છારોડી ત્રાગડ જેવા ઘણાં વિસ્તારના તળાવને વિકસાવી ફરતે બાગ-બગીચાં બનાવાયા. પરંતુ હાલ, મેમનગર ગામ, વિવેકાનંદ ચોક, શાયોના અંડરપાસ-ચાંદલોડિયા, કાળીગામ, ન્યુ રાણીપ, ચેનપુર, ચાંદલોડિયા ગામ સહિતના અનેક તળાવ સુકાઈ ગયા છે. જ્યારે કેટલાંક તળાવમાં ગટરના પાણી છોડવામાં આવી રહ્યા છે. રામોલ, ચંડોળા જેવા કેટલાંક તળાવ ફરતે ઝુંપડપટ્ટીનું સામ્રાજ્ય જોવા મળે છે.

શહેરના સૌથી પોશ વિસ્તાર ગણાતા વસ્ત્રાપુરનું તળાવ બોટિંગ, બગીચા એમ્યુઝમેન્ટ સહિતની સામગ્રીથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું. થોડા વર્ષો ભંગાર હાલતમાં પડી રહ્યું. હવે ફરીથી રિનોવેશન માટે મહિનાઓ સુધી બંધ રહેશે. લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ પૂર્વ વિસ્તારનું જાણીતું મેદાન મેળાવડા સભા માટેનું સ્થળ હતું. હાલ તળાવમાં ફેરવાયું એ પણ બિસ્માર હાલતમાં જોવા મળે છે. જેમાં શહેરનું ગંદુ પાણી છોડવામાં આવે છે. શહેરના તળાવો પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરી સુંદરતા વધારવાનો પ્રયાસ કર્યા બાદ ન્યુ રાણીપ અને ચેનપુર જેવા અનેક તળાવો કચરા પેટીમાં ફેરવાઈ ગયા છે.આરંભે શૂરા એવું તંત્ર રાખ રખાવ જાળવણીમાં ઉણું ઉતરતા જ થોડા સમયમાં જ તળાવો સુકાઈ ગયા છે . આસપાસની રેલિંગ સહિતની સામગ્રી જર્જરિત થઈ ગઈ છે.પાણી સંગ્રહ કરવાના પ્લાનિંગ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હજુ પણ કેટલાક તળાવોમાં એસ.ટી.પી. પ્લાન્ટ તૈયાર કરવાનું વિચારી રહી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)