તળ્યા વગરની વટાણાની કચોરી

ફક્ત ઘઉંનો લોટ અને રવાથી બનતી કચોરી જે તળ્યા વગર બને છે! તો જાણી લો બનાવવાની રીત!

સામગ્રીઃ  

 • ઘઉંનો લોટ 1½ કપ
 • ઝીણો રવો ¼ કપ
 • મીઠું સ્વાદ મુજબ
 • 3-4 ટે.સ્પૂન ઘી
 • અજમો 1 ટી.સ્પૂન
 • કચોરી સાંતળવા માટે તેલ

પૂરણ માટેઃ

 • લીલા વટાણા 2 કપ
 • આદુના 1 ઈંચના 2 ટુકડા
 • લીલા તીખાં મરચાં 4-5
 • લસણની કળી 7-8
 • સફેદ તલ 1 ટે.સ્પૂન
 • ગરમ મસાલો ½ ટે.સ્પૂન
 • હીંગ ¼ ટી.સ્પૂન
 • શેકેલા જીરાનો પાવડર 1 ટી.સ્પૂન
 • લીંબુનો રસ
 • કોથમીર ધોઈને સમારેલી ½ કપ
 • કાજુના ટુકડા 1 ટે.સ્પૂન
 • ખાવાનો સોડા 1 ચપટી
 • તેલ

રીતઃ પૂરણ તૈયાર કરવા માટે મિક્સીમાં આદુ, લસણ, લીલા મરચાં બારીક પીસી લેવા, હવે તેમાં વટાણા ઉમેરી અધકચરા વાટીને મિશ્રણ એક બાઉલમાં કાઢી લેવું.

એક નોનસ્ટીક કઢાઈમાં 2 ટે.સ્પૂન તેલ ગરમ કરી તેમાં પહેલાં કાજુના ટુકડા તળીને કાઢી લો. ત્યારબાદ હીંગનો વઘાર કરી, ખાવાનો સોડા ઉમેરી દો અને તરત જ વટાણાનું મિશ્રણ ઉમેરીને 2-3 મિનિટ માટે ધીમા તાપે સાંતળવું. ત્યારબાદ તેને ઢાંકીને ધીમા તાપે 2 મિનિટ થવા દેવું. સાદી કઢાઈમાં સાંતળવું હોય તો તેલ થોડું વધુ લેવું જોઈશે.

હવે આ મિશ્રણમાં સફેદ તલ, શેકેલા જીરાનો પાવડર, અડધા લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરી લો. સાકર જોઈતા પ્રમાણે ઉમેરવી. 1 મિનિટ સાંતળી લીધા બાદ કોથમીર સમારેલી નાખીને પાણી સૂકાય ત્યાં સુધી એટલે કે, ફરીથી 1 મિનિટ માટે સાંતળી લેવું. તેમાંનું પાણી સૂકાય જાય એટલે ગેસ બંધ કરીને કઢાઈ નીચે ઉતારી લો. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું તેમજ ગરમ મસાલો મેળવીને ઠંડું થવા દો.

કચોરી વાળવા માટે એક મોટા વાસણમાં ઘઉંનો લોટ લો. તેમાં રવો ઉમેરી અજમો તેમજ થોડું મીઠું ઉમેરો. 2-3 ટી.સ્પૂન ઘી મોણ માટે ઉમેરો. લોટ મુઠ્ઠીમાં વળે તેટલું મોણ ઉમેરવું જોઈએ. હવે થોડું થોડું પાણી ઉમેરીને ભાખરીના લોટ કરતાં થોડો નરમ લોટ બાંધી લો. ત્યારબાદ તેમાં 1 ટી.સ્પૂન ઘીનું મોણ દઈ લોટને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દો.

પૂરણ ઠંડું થાય એટલે તેમાંથી ગોળા વાળી લો.10 મિનિટ બાદ લોટમાંથી લૂવો લઈ પાટલા પર પૂરી વણી લો. કિનારી પાતળી હોવી જોઈએ. આ પુરીમાં પૂરણનો ગોળો મૂકીને ચારેકોરથી પૂરી વાળીને પેક કરી લો. ઉપર બંધ કર્યા બાદ લોટ વધે તે કાઢી લેવો. આ ગોળાને પેક કર્યા બાદ પાટલા ઉપર મૂકી તેને હાથેથી હળવેથી થાપીને ચપટી પેટીસ જેવો ગોળો બનાવી લેવો. આ જ રીતે બાકીના ગોળા તૈયાર કરી લો.

એક નોનસ્ટીક પેનમાં 2-3 ટી.સ્પૂન ઘી અથવા તેલ ગરમ કરી ગેસની આંચ ધીમી કરીને પેનમાં ગોઠવીને 3-4 મિનિટ શેકાવા દો. ફરીથી ઉથલાવીને, ઢાંકીને બીજી 3 મિનિટ શેકાય એટલે ઢાંકણ ખોલીને ઉથલાવીને થોડી વધુ શેકાવા દો. સોનેરી રંગની થાય એટલે પેનની કિનારીએ તેને ઉભી કરી દો. જેથી કચોરીની કિનારી પણ શેકાઈ જાય. વચ્ચે ખાલી જગ્યામાં બીજી કાચી કચોરી શેકાવા માટે ગોઠવી દો. બીજી કચોરી પણ આગળની કચોરીની જેમ શેકી લેવી.

આ કચોરી લીલી ચટણી સાથે અથવા ચા સાથે પણ સારી લાગે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]