હોળાષ્ટક ક્યારે છે? કયો ગ્રહ ક્યારે ઉગ્ર બનશે?

મુંબઈઃ હિન્દુ પરંપરા અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર, હોળી તહેવારમાં હોળીકા દહનના આઠ દિવસ પૂર્વેથી હોળાષ્ટક સમયગાળો શરૂ થાય છે. અષ્ટક એટલે આઠ દિવસ. હોળાષ્ટકનો સમયગાળો શુભ અને માંગલિક કાર્યો-પ્રસંગો કરવા માટે અશુભ મનાય છે. આ વખતે હોળી (હોલિકા દહન) 7 માર્ચના મંગળવારે છે અને ધૂળેટી 8 માર્ચે. આ વખતે હોળાષ્ટકનો સમયગાળો 9 દિવસનો રહેશે – 27 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી. કારણ કે ફાગણ સુદ (શુક્લ પક્ષ)ની પૂનમની પૂર્ણાહુતિ 7 માર્ચે થશે. ધૂળેટીના દિવસથી કૃષ્ણ પક્ષની એકમ શરૂ થશે અને ત્યારથી શુભ કાર્યો શરૂ કરી શકાય.

આ સમયગાળા દરમિયાન માનવીઓ પર ગ્રહોનો વિપરીત પ્રભાવ પડતો હોય છે. એ દિવસો દરમિયાન સ્વભાવમાં ચીડિયાપણું વધી શકે છે, પરિણામે ઘરમાં કે સમાજમાં અશાંતિ રહે છે. અનેક તકલીફોને ચીડિયાપણું આમંત્રણ આપે છે. તેથી હાથમાં લીધેલા કામોના પરિણામ પર એની માઠી અસર થાય છે. નિષ્ફળતા અને અપયશ મળે છે.

કયા દિવસે કયો ગ્રહ ઉગ્ર રહે?

  • હોળાષ્ટકના પહેલા દિવસે આઠમની તિથિએ ચંદ્ર ઉગ્ર હોય છે.
  • બીજા દિવસ નોમના દિવસે સૂર્ય હોય છે.
  • ત્રીજા દિવસે દસમના રોજ શનિદેવ ઉગ્ર હોય છે.
  • ચોથા દિવસે અગિયારસના રોજ શુક્ર ગ્રહ ઉગ્ર રહે છે.
  • પાંચમા દિવસે બારસના રોજ ગુરુ ગ્રહ અશાંત રહે છે.
  • છઠ્ઠા દિવસે તેરસના રોજ બુધ ગ્રહ ઉગ્ર રહે છે.
  • સાતમા દિવસે ચૌદસના રોજ મંગળ ગ્રહ ઉગ્ર રહે છે.
  • આઠમા દિવસે પૂનમની તિથિએ રાહુ ગ્રહ ગુસ્સો કરાવે છે.

ઉગ્ર ગ્રહોને શાંત કેવી રીતે કરવા?

  • હોળાષ્ટકના દિવસોમાં ઉક્ત નવ ગ્રહોની પૂજા કરવી.
  • નવગ્રહ પિડાહર સ્તોત્રનું પઠન કરવું.
  • ગ્રહોની શાંતિ માટે સંબંધિત ચીજવસ્તુઓનું દાન કરવું.
  • ગ્રહોની અશુભ અસર ટાળવા માટે સંબંધિત ગ્રહના મંત્ર-જાપ કરવા.
  • ‘નમો ભગવતે વાસુદેવાય’ મંત્રના 1008 વાર જાપ કરવા જોઈએ.

(નોંધઃ ઉક્ત માહિતી સંપૂર્ણપણે સાચી અને સચોટ છે એવો અહીં દાવો નથી અને તેનો અમલ કરવાથી અપેક્ષિત પરિણામ મળશે એવો પણ દાવો નથી)